જનપદ/ઢાળમાં

ઢાળમાં

ઝૂલ્યો મોલ
કૂદી કૂદીને માળે ગાયાં ગીત.
માથાનો દાણો ભરાયો દૂધથી
સૂડાઓને કહ્યું :
આ ખેતરનો ઓતરાદો ખૂણો તમારો
રોજ સૂડાઓથી લચકાલોળ લીમડો, ખેતર.
આવી લાગણીવેળા
હવે રણઝણવાનું ખળું.
રહરહશે કોઠાર
ચોપાડ વળગશે વાતે
ઊલળશે નળિયાં, મેડી.

કર્યું ભીંતે ચિતરામણ.
મારી ભીંતો ભાળતી થઈ.
ભર્યાં ગાડાં.
પાવામાં હલક.
ધોરીડા તો કામઠાથી છૂટ્યાં તીર.
ઢાળમાં અરધે ફસકાયું પૈડું.
ખાંધ બટક્યા ધોરીડા
સૂડા ઝાળથી દવડાયા
એનો ગંજ ગાડા પર.
પાવો ને હલક થયાં નોખાં
અમારું માથું ગાડા ધરીમાં કૂચા.