જનપદ/સંપૂટમાં

સંપૂટમાં


મેઘ અને અંધારાની ગારથી
દિશાની ભીંતો લીંપાઈ ગઈ
ખેંચાઈ મેઘ ધારાઓની રાશ
ગામમાં મન પાછું વળ્યું
હું ઘરના સંપૂટમાં.
નળિયાં પરથી નેવાંનાં તોરણ પડીને
ઢગલો થાય
રેડાય અંધારું
વણાય ને પલળે પોત
ભીંતો રેશમ રેશમ
અરધા છોડ હળક ડળક પાણીમાં
આંખમાં ધોળા કાળાની બંધાય ધાર
બને, અટકે, ગોકળગાયનું શિંગડું પાછું માથામાં પેસે.

ફૂટે કૂંપળ આંગળી
પગનાં મૂળ માટી વીંધતાં ચાલે
ડબ ધબકી હ્રદય દાબડી
મોટી થાય દાબડી –
ધબકીથી હફહફે અંધારું.