જનાન્તિકે/છવ્વીસ


છવ્વીસ

સુરેશ જોષી

સાચો સહૃદય તો સાહિત્યનો રાજભોગ આરોગે, માંદા માણસની પથ્યાપથ્યની ચૂંધી એને ઝાઝી ન નડે. આથી કેટલીક વાર કોઈક સ્વદેશાભિમાની કે પ્રાંતાભિમાની વકરીવિફરીને એમ કહે છે કે આપણું તો કશું તમને ગમતું જ નથી, પરદેશનું જોઈને મોહી પડો છો, ત્યારે એ રોષથી ખૂબ દાઝી જવાય છે. એ રોષમાં નરી ગરમી છે, પ્રકાશ જરાય નથી. આપણા સાહિત્યના ઇતિહાસને આ તબક્કે સાહિત્યના ઉત્પાદનનું પ્રાચુર્ય દેખાય છે, પણ સમૃદ્ધિ વધી નથી. ઉમાશંકર-સુંદરમ્‌ના જમાનામાં કવિતા લખાતી તેથી વિશેષ કવિતા આજે લખાય છે, નવલિકાની તો વાત જ ના પૂછશો! મૂછનો દોરો સરખો ન ફૂટ્યો હોય તે પહેલાં ત્રણ ત્રણ નવલકથાઓ નામે ચઢાવી બેઠાં હોય એવા લેખકો ય છે. આ પરિસ્થિતિનું નિદાન વિવેચને કરવું જોઈએ. મને લાગે છે કે સાહિત્યની સાહિત્ય તરીકે સાધના આ મોટાભાગના લેખકો કરતા નથી. એમને ગોવર્ધનરામની, કેથેરીનની એન. પોર્ટરની યાદ અપાવવાનો કશો અર્થ નથી. આપણે જે લખીએ તે લખાણ બને, સાહિત્ય હમેશા ન પણ બને એટલી સાદી વાત સમજવા બેસવા જેટલી પણ ધીરજ એમનામાં નથી.

પણ આ નવા લેખકોને જ શા માટે દોષ દેવો? સાહિત્યને સાધનાને બદલે વ્યવસાય બનાવી દેવાનો અપરાધ કાંઈ એ લોકોએ જ કર્યો છે એવું નથી. પ્રતિષ્ઠિત નવલકથા લખનારાઓ, એવું જ નથી કરી રહ્યા? વર્તમાનપત્રો ભારે ખાઉધરાં હોય છે. એઓ ઘણી વાર આખા ને આખા સર્જકોને ભરખી જાય છે. સર્જકને અઢળક દ્રવ્યનો થોથર બાઝે છે. એ પોતાના વૈપુલ્યની સીમામાં જ કેદ થાય છે. પોતાની જ ચરબીની કેદમાં પુરાઈને મંદપ્રાણ બની જનાર સ્થૂળકાય વ્યક્તિના જેવી એની દશા થાય છે. આબોહવાનાં સૂક્ષ્મ પરિવર્તનો એ નોંધી શકતો નથી. આથી એ વર્તમાનને છોડીને ભૂતકાળ તરફ વળે છે જીવનને છોડીને ઇતિહાસનો આશ્રય લે છે. રૂઢિસિદ્ધ પાત્રોનું આલંબન લે છે. એની મૌલિકતાને ઝાઝો અવકાશ રહેતો નથી. એનું લહિયાપણું ઝાઝું લેખે લાગે છે. એના આ લખાણનો સરવાળો એની ચેકબૂકમાં ચાર કે પાંચ આંકડાની રકમથી મંડાય છે.

પ્રતિષ્ઠિતો આ માર્ગે વળી ચૂકે છે ત્યારે બીજું એક અનિષ્ટ ઊભું થાય છે. પોતાની નિર્બળતાનો બચાવ કરવા માટે એઓ નવા લેખકોનો દોષ કાઢી શકતા નથી, એટલું જ નહીં, કેટલીક વાર એમને સામે ચાલીને થાબડે પણ છે. ધીરસ્તત્ર ન મુહ્યતિ – આવી સ્થિતિમાં પણ ધીર રહી શકે એવા વિવેચકની ખાસ જરૂર વરતાય છે. પ્રતિષ્ઠિતોની પ્રતિષ્ઠા બરડ બની ચૂકી હોય છે ત્યારે એને ટકોર મારવાનું સાહસ કોઈ કરતું નથી. એમનો ભ્રૂભંગ ને વાણીના રોષપુરુષ કાકુ જે જીરવી શકે તે જ આવી પરિસ્થિતિમાં કશુંક કરી છૂટે.