જયદેવ શુક્લની કવિતા/પ્રથમ વર્ષા : નવા ઘરમાંથી

પ્રથમ વર્ષા : નવા ઘરમાંથી

ચપટી
ઝરમર
          ઝર... ઝર...
          ઝ... ર... મ ...ર
વૃક્ષ પર, ઘાસ પર,
વાડના તાર પર,
પીળી માટીના રસ્તા પર,
ધાબા પર.
દરજીડો
ઝરમર લઈ
સીવતો જાય
માળો.
હવા
કાળિયોકોશી બની
હાંફે.
ટપક્‌
ટીપાં ને ઝરમર
ઝીલી
ખૂણે સંતાય
પૃથ્વી.
જાંબુડિયું મોરપિચ્છ આકાશ
ટહુકે,
ચમકે
ટપકે
બોદું અગાશી પર.
કાનમાં
ઘરના પતરાંના છાપરા પર
માથું નમાવી દોડતાં
લવારાં જેવી વર્ષા
બરકે...
છત
ટપકે
ટપક્‌
ફપ્‌...