જયદેવ શુક્લની કવિતા/વાડ

વાડ

વાડ.
વાડ હોય એટલે...
વાડ હોય.
થોરની,
કાંટાળા તારની
મેંદીની,
ભીંતની
કે વાડ વિનાની વાડ.
વાડ લીલી કે સૂકી,
વાડે કાળિયોકોશી, ને પતરંગો,
વાડે વાડે બંદૂકધારી.
વાડની અંદર ને બહાર
આગળ ને પાછળ
વાડ.
આકાશનેય વાડ
ને દરિયાને પણ.
વાડ હોય એટલે છીંડું હોય.
તો, ખોડીબારું પણ હોય.
વાડ ચણોઠીની આંખે તાક્યા કરે.
વાડ ક્યારેક
ઢગરાં ખુલ્લાં કરે.
‘વસ્ત્ર પર વાડ સુકાણી’ જાણી છે?
વાડે વાડે તત્ત્વબોધ
વધે કે ઘટે?
વાડમાંથી ફૂટે વિવાદ...
વાડ
જો ઉલ્લંઘી ગયા
તો પછી...
હે પ્રબુદ્ધો!
વાડ જ આપણે,
વાડ જ આપણું...
આનન્દો!