જેલ-ઑફિસની બારી/'ઔર કુછ?'

'ઔર કુછ?'

‘ટાટ કપડેકી સજા તુમકો!’

‘ઔર કુછ?’

‘ચુપ રહો! હાથબેડી ડાલો. લે જાવ ઈસ્કો.’

‘ઔર કુછ?’

‘ઐસા? પાંઉબેડી.’

‘ઔર કુછ?’

‘દો દિન કાંજી.’

‘ઔર કુછ?’

‘આડીબેડી.’

‘ઔર કુછ?’

‘લે જાવ યે બદમાશકો, કલ પચીસ ફટકા લગાઓ.’

દરવાજાની અંદર આજ સોમવારની સવારે આ ફટાકડાની પેટીની શી તડાફડી બોલી રહી છે, હેં ભાઈ હનુમંતસિંગ દરવાન!

હાં, હાં, આ તો કેદી નં. 4040નો સાહેબની સન્મુખ આજે ખટલો થયો છે. નં. 4040 શું આટલી બધી ખુમારીથી ‘ઔર કુછ?’ ‘ઔર કુછ?’ કહેતો સજાઓ માગતો ગયો? ને છતાં સાહેબની તપતી જતી ત્રાડોની સામે એ કેદીએ શું આટલી બધી ખામોશ ધરી રાખી? ‘ઔર કુછ’ના એના સ્વરોએ આખર સુધી પોતાનું સપ્તક બદલ્યું જ નહિ! સાહેબની આંખનાં ચશ્માંની આરપાર પણ જ્યારે ભડકા ઊઠયા હતા ત્યારેય નં. 4040ની ભારેલી ભઠ્ઠી અદીઠી અને એવી ને એવી સાબૂરીથી જલતી રહી!

એક એક ટંકના બે બે રોટલાથી પણ ભૂખ્યો રહી જતો કેદી નં. 4040 કેદમાં આવ્યો ત્યારથી જ ચક્કી પીસતાં પીસતાં એ ગમાર લૂખો આટો ફાકી જતો હતો. એક દિવસ એની આ ભયંકર ચોરી પકડાઈ ગઈ. એની નાની-શી કસૂરને માટે મુકાદમે એનું કાંડું ઝાલી, એની કાકલૂદીની અવગણના કરી, એને કાયદાકાનૂનની સમજ પણ પાડ્યા વગર જ્યારે વડા હાકેમની ખુરસી સન્મુખ ‘ખટલો’ કરી ઊભો રાખ્યો, ત્યાં સુધી એને લાજ હતી, ડર હતો, કમ્પ હતો. પણ પછી તો એણે સજાનું માપ એક વાર માપી લીધું. બીજી વાર અને ત્રીજી વારને ખટલે જ્યારે એને પૂછ્યાગાછ્યા વિના ડાકુ મુકાદમની ફરિયાદ પરથી ઉપરાઉપરી સજાઓ અપાઈ, અને મંગળવારને મંગળ મૂરતે એને ફટકા લગાવવામાં આવ્યા, ત્યાર પછી, બસ કેદી નં. 4040 ફાવી ગયો. નિહાલ થઈ ગયો.

એને ત્રિપગી ઘોડી ઉપર તદ્દન નગ્ન કરીને, લંગોટ પણ ઉતારી લઈ, એના ઢીંઢાં ઉપર જે લીલી દવા ચોપડવામાં આવી તે દાક્તર દાદાની જ બનાવેલી દવાઃ પછી લીન્ટનું ભીનું પોતું એ ફટકા પડવાની મુલાયમ જગ્યા પર લગાવ્યું તે પણ દાક્તર દાદાએ જ લગાવ્યું. પછી પેલા પહેલવાન પઠાણ મુકાદમ પાસેની બે નેતરની સોટી ભીંજવવામાં આવી તે પણ એ દાદાએ જ બનાવેલી લીલી દવામાં. પછી એ વીંઝી વીંઝીને ચગાવેલી સોટી જ્યારે એક, બે ને ત્રણ ફટકે તો પેલી લીન્ટનું પોતું ઉતરડી, ચામડી ચીરી, લોહીમાંસના ભર્યા સરોવર સમાન એ નં. 4040નાં ઢીંઢાંમાં હર ફડાકે જળક્રીડા (અરે નહિ, રક્તક્રીડા) કરવા લાગી ત્યારે પણ દાદા જ એની પાસે ઊભા રહી, એ ચીરાને તપાસી હુકમ આપતા હતા કે ‘ચલાવો! ફકર નહિ, ખમી શકશે.’

પાંચ ફટકા વટાવી ગયા પછી તો નં. 4040 સમાધિસ્થ થઈ ગયો હતો, પરંતુ પછી જે વેળા એને જાગૃતિ આવી તે વેળા એણે જોઈ લીધું કે પોતે ક્યાં હતો, અને પોતાની આ દશા કરનાર મુખ્ય માણસ કોણ હતો.

પોતે હતો ઈસ્પિતાલમાં. ત્યાં દાક્તર દાદા કેવા પ્યારથી એનાં ચિરાયેલ ઢીંઢાં પર મલમપટા કરતા હતા! ઘોડી પરથી છોડયા પછી ત્યાં ને ત્યાં પાટાપિંડી કરી એને એ નિદ્રસ્થ અવસ્થામાં જ ઝોળીએ નાખી લેવરાવી આવનાર પણ દાક્તર દાદા જ હતા. વળી, દાદાએ જ કહ્યું કે ‘દોસ્ત, આજથી આઠ દિવસ સુધી તને દૂધ ઉપર જ રાખવાનો છે.’

આમ છતાં એ નં. 4040 શા સારુ સાજો થયા પછી દાક્તર દાદા ઉપર જ દાંત કચકચાવીને મુક્કો ઉગામતો હતો? શું દાદાએ ચોપડેલી પેલી લીલી દવાનો હેતુ ફટકાની વેદના વધારવાનો હતો? પોતું લગાવ્યું તેથી જ શું એને પહેલે ફટકે કાળી લાય ઊઠેલી? અને કેદી પૂરા પંદર ફટકા ઝીલવા સશક્ત છે એ ખાતરીપત્રક દાક્તર દાદાએ દીધેલું એમાં દાદાનો બાપડાનો શો અપરાધ?

‘હાથમાં આવે તો ટોટો જ પીસી નાખું દાક્તરનો; છોડું નહિ. ભલે ફાંસીએ લટકાવે!’

આવા અસ્પષ્ટ બોલ નં. 4040 ના બે હોઠ વચ્ચે ફફડાટ કરી રહ્યા છે. બેવકૂફ કેદી સમજી શકતો નથી કે આમ તે શા માટે કરવામાં આવ્યું. એ મનમાં મનમાં પૂછે છે કે અલ્યા ભૈ! મને દવા કરતાં કરતાં ફટકા મારો છોઃ ફટકા મારતાં મારતાં દવા કરો છોઃ એક તરફ જલ્લાદને ઊભો રાખો છો ને બીજી તરફ ઊભા રાખો છો દાક્તરને. પહેલાં પ્રથમ જાણે કોઈ સાત જન્મોનાં વેર વાળવાં હોય તેટલા ઝનૂનથી માર મરો છો, ને પછી પાટાપિંડી કરાવો છો, પહેલાં ઘોડી પર મારો વધસ્તંભ ભજવો છો, ને પછી ઝોળી પર પોઢવાનું માન મને આપો છોઃ પહેલાં પૂરો રોટલો પણ દેતા નથી, ને પછી પાછા આઠ દિવસ સુધી દૂધનો આહાર આપો છો. તે કરતાં મને તમારી ઘંટી પીસતાં પીસતાં આટો ખાવી ન પડે તે સારુ એકાદ રોટી વધારે આપી હોત!

આ તે તમારી કેવી અદ્ભુત સમતોલનીતિ! કેટલી અદલ ઇન્સાફિયત! ધન્ય છે એ ફટકાની સજાના કો પરમ શોધક પુરુષને! પણ દાક્તર… દાક્તરનો હું ટોટો જ પીસી જઈશ. હું મૂર્છા ખાઈને ઘોડી ઉપર મારા દેહનો ઢગલો કરી પડયો હતો, ત્યારે પણ એની ઇન્સાનિયત ન પોકારી ઊઠી કે હવે આ મુડદા પર પ્રહર ન કરજો.

ભાઈ કેદી નં. 4040! તું આ દાક્તર દાદા ઉપર ગેરવાજબીપણે આટલો ઉશ્કેરાઈ જાય છે. બેભાન થયા પછી તારા પરના ફટકા એણે પૂરા કરાવ્યા તે તો ઊલટાનું સારું થયું. પાંચ જ ફટકે તને એ ત્રિપગી ઘોડી ઉપર મીઠી નીંદ આવી ગઈ. અને પછી કેટલી લજ્જત પડી તને બાકીના ફટકા ખાવાની! તારે અને ફટકાને પછી શી નિસબત હતી, યાર!

હિસાબ તો ગણ, ભૂંડા, ખરી રીતે તને તો માત્ર પાંચની જ વેદના વરતાઈ ને? એટલે કે તારું કામ તો પાંચથી જ પતી ગયું ને? બાકીના દસ તો તારા બેભાન ખોળિયા પર પડીને પૂરા થઈ ગયા. એક તો તું ખાટી ગયો, બીજું જેલવાળાની સજા સચવાઈ ગઈ. ને ત્રીજું દાક્તર દાદાને વારંવાર દયાર્દ્ર બની જઈ જેલર ઇત્યાદિની નજરે અળખામણા બનવાનું મટયું.

વળી, તારે આ બધી પૂછપરછ કરવાની જરૂર પણ શી છે, મારા ભાઈ! એક તો તને મફત આટો ફાકવા મળ્યો. પછી તને આઠ દિવસની છૂટ મળી, દૂધ મળ્યું, ફટકાની સજાનો અણમૂલ અનુભવ મળ્યો. શરીરનો કયો ભાગ વધુમાં વધુ યાતના ખમીને પાછો વહેલામાં વહેલો રૂઝ ઉપર આવી જાય છે તેનું તબીબી જ્ઞાન મળ્યું! તું ખાટી ગયો.

દાક્તર દાદાનો ટોટો પીસવાની તો તારે જરૂર જ નથી. તું નક્કી માનજે, એનો આજનો દિવસ કડવો ઝેર થઈ ગયો. એને આજે ઘેર જઈ ખાવું ભાવવાનું નથી. મરચું-કોથમીર નાખીને પતિની પ્યારી અડદની દાળ પકાવી વાટ જોતાં બેઠેલાં દાક્તરાણી આજે દાક્તર દાદાનાં નયનોનું અમી દેખવાનાં નથી. એની નાની દીકરી અરુણા-વરુણા-લતિકા કે મંજરી – જે હો તે નામની – આજ બાપના હોઠની ચૂમી પામશે નહિ. દરેક કામમાં ને સ્થાનમાં તારા ઢીંઢાના માંસના લોચા જ એની નજર સામે તરવરી ઊઠશે, ભાઈ નં. 4040! એની ખીંટી ઉપર લટકતો કાળો ઓવરકોટ આજે રાત્રીએ એને તારા, ઘોડી પર ઢળી પડેલી મૂર્છિત કલેવરનું જ સ્મરણ કરાવશે.