ટોળાં અવાજ ઘોઘાટ/૧૯ –શેાધ-૩

શેાધ-૩

મારા મનોભાવની આકાશ, સમુદ્ર, પર્વત કે આ અહીં કાગળ પર સરકતી કીડીને કંઈ કશી જાણ નથી. આ સર્વને હું જોઉં છું પણ એમની સાથે દૃશ્ય-દ્રષ્ટા સિવાયનો મારો કોઈ સંબંધ નથી. અમે અલગ છીએ એકબીજાથી અને એવા જ અલગ છીએ સ્વજનો અને મિત્રો. મારા સ્વજન કે મિત્રના મનમાં પ્રતિ પળે શું શું ચાલી રહ્યું છે કે મારા મનમાં– પળેપળ ઝીણું મોટું સતત પ્રવાહી અનિરુદ્ધ અખંડ, નીરવ નીરવ બીજાને તો લાગે, પણ સતત અથડાતું પછડાતું કર્કશ કર્કશ – પ્રવાહી જે ચાલી રહ્યું છે તેનો વિનિમય ખાસ કશો જ થતો નથી, થઈ શકતો નથી. સ્વજન કે મિત્ર વિશેની મારી ‘સમજણ’ આકાશ, પર્વત, સમુદ્ર અને કીડી વિષેની સમજણ જેવી જ સાવ અધૂરી અધૂરી, ઉપરછલ્લી બલકે સાવ સદંતર ખોટ્ટી હશે. એટલે એમનાથી પણ હું સાવ અલગ – અને એમનાથી જ માત્ર નહીં મારાથી પણ હું સાવ અલગ; નખશીખ આ રહસ્યમય મારા દેહની અંદર ક્રિયા-પ્રક્રિયાઓ ચાલી રહી છે – તે કંઈ મેં મારી આંખથી કદી જોઈ નથી. મને ઘણી વાર કુતૂહલ થયું છે મારી હોજરીમાં વસતા અંધકારને જોવાનું. અંધકાર જ હશે ને મારા અંદરનાં બધાં પોલાણોમાં ? એ કેવું વિચિત્ર અને રહસ્યમય કહેવાય કે મારાં આંતરડાં, ફેફસાં, હોજરી, કીડની, હૃદય, મગજ આ બધાંની સતત ચાલતી અંદરની એકધારી અતિશય ઝીણવટભરી ક્રિયા-પ્રક્રિયા હું જોઈ શકતો નથી ! અરે આ આમ તો ‘મારા’ કહેવાતા સંકુલ યંત્રતંત્રના કમઠાણનો હું કંઈ સર્જક નથી. એને ચાલુ કે બંધ કરવાની કોઈ ચાંપ મારા હાથમાં નથી. આવતી કાલે ‘મારું માથું’ દુખશે એમ હું કહી શકતો નથી. હું એ પણ કહી શકતો નથી કે મારું હૃદય – ધબકવાનું ક્યારે બંધ કરશે. સાચું કહું તો મારે જોવું છે મારું હૃદય આમ હથેલીમાં લઈને; કેમ કે એ મારું છે. મારા ઘરની સામે એક મોટો પથ્થર પડ્યો છે એમ ને એમ વર્ષોથી– હું એને રોજ જોઉં છું. અમારે કોઈ કશો સંબંધ નથી છતાં મારે એને રોજ જોવાનો ? અને મારું ધબક ધબક ધબકતું હૃદય હંમેશા આમ ઢંકાયેલું જ રહેવાનું મારી દૃષ્ટિથી દૂર ? આજે મારી ચામડી પર ઊપસી આવેલું આ ચકામું હું આશ્ચર્યથી જોઈ રહું છું– અને મીઠી મીઠી ચળને કારણે ચામડી વલૂરું છું. પણ આ ચકામું અચાનક મારી ચામડી ઉપર કેમ ઊપસી આવ્યું ? મારી જ ચામડી અને મારું જ ચકામું છતાં એનું આમ આકસ્મિક આગમન મને પરમ રહસ્યરૂપ લાગે છે. મને એક વાર અગાશીમાંની નીચે પડતું મૂકવાનો વિચાર આવેલો, દારુ અને ભાંગના મિશ્ર નશા પછી ! વિચાર આવેલો અને એમ થયેલું કે કશી જ રોકઠામ વગર હમણાં આ મારું શરીર ઊંચકાશે પલંગ પરથી અને અગાશીના કઠેડા પર ચડી નીચે પટ્- એ વખતે ભય નહોતો કેવળ કોઈ તટસ્થ હતું. આવતા વિચારની નોંધ લેતું હતું પણ વિચાર અને શરીરને– જાણે કંઈ કશો સંબંધ જ ન હોય એમ– શરીર જરા પણ સળવળ્યું નહીં ઊભું થયું નહીં, કઠેડા પર ચડ્યું નહીં અને નીચે પડ્યું નહીં. મન થયું કે આ વિચાર ઊપસ્યો આમ સ્પષ્ટ સુરેખ અને છતાં શરીરથી કેમ એ સાવ અલગ સંબંધરહિત છે ? આવું વિચારતાં વિચારતાં વળી અન્ય અસંખ્ય, આ ક્ષણે યાદ પણ નથી એવા, વિચારો સરકી આવેલા. ટૂંકમાં આ હું જ મને એટલો બધો રહસ્યમય લાગુ છું–; અને વળી ‘મને’ એટલે કોને ? ‘કોને ?’ એવો પ્રશ્ન જેને જાગ્યો તેને વિશે પણ આ ક્ષણે તટસ્થ નોંધ લેનારું જે કંઈ બિનંગત છે તે અંગત નથી. તેને આ અંગ સાથે પણ સંબંધ નથી. અને એ બિનંગતને પણ હું પામી શકતો નથી. પણ ‘પામી શકતો નથી’ એમ કહેનાર આ ‘હું’ કોણ છે ? અને ‘હું’ વિશે જિજ્ઞાસા પ્રગટ કરનારો કોણ છે ? અને આ છેલ્લો પ્રશ્નકર્તા કોણ છે ? આમ આ ગૂંચવાયેલી ગરબડભરી ‘જાત’ સાથે પણ જેનો સંબંધ નથી એને શોધવા મથું છું– એમ લખ્યા પછી– આ શોધવા મથનાર કોણ છે ? એવો પ્રશ્ન પછી અનુત્તર મૌન– અધૂરા કાવ્ય જેવું ધૂંધળું ધૂંધળું અને છતાં વાક્યરચનાના વ્યાકરણનિયમો પાળતું આ કાવ્ય, આ જાત અને એ બધાથી અલગ હું અને ‘હું’ વિશે સભાન કોઈ અન્ય અને ત્યાં પણ અંત નહીં. કોઈ સતત અલગ થઈને સરકતું જાય છે પાછળ ને પાછળ ફોટા પડે છે ક્લિક– પણ છબિ મૂકીને કોઈ સરકતું જાય છે છબિને જોઈ શકતું તટસ્થ સાવ અલગ, સાવ ભિન્ન, આગળ ને આગળ, વેગળું. જે છે તે તો જડ નિષ્કંપ છબિ– પર્વતની, આકાશની, સમુદ્રની, કીડીની, મિત્રની, સ્વજનની, જાતની– અવાજ કર્યા વગર સલૂકાઈથી કોઈ સરકી જાય છે અલગ થઈને મારા શબ્દો પર પડતાં, પડીને તરત ઊડી જતાં પગલાંની પાછળ પાછળ અનિદ્ર ઉજાગર હું એકશ્વાસે અનુસરું છું એને પકડવા. પણ એ તો સતત આમ હાથવેંતમાં હોવા છતાં અલગ એકધારો સરકતો જાય છે – મારા શબ્દોની પીઠ પરથી; અને હું રહી જઉં છું સતત પાછળ ને પાછળ જડ નિષ્કંપ છબિ જેવો અલગ, એકલો, ભિન્ન મારા શબ્દોની પીઠ જેવો ગતિહીન, જડ મારી શોધ જેવો સ્થિર. (જુલાઈ-સપ્ટેમ્બર : ૧૯૭૮)