ટોળાં અવાજ ઘોઘાટ/૨૩- અને ચૂપકીદી
૨૩- અને ચૂપકીદી
તાણ, ખેંચ, આંકડી, લાગણીનો અચાનક ઊભરો ઓચિંતો ધસારો, પૂર, રેલ. પેચ કે સ્ક્રૂના જેવો મગજમાં એક ગતિમાન વળાંક અને પછી હાસ્ય. હસી હસીને પેટ ફાટી જાય તેવું હાસ્ય. એકદમ ધસી આવેલા વરસાદનું કરા સાથેનું તોફાન. પછી ફુવારો, દદૂડો, ધાર. ચારે બાજુ મકાનો આવ્યાં હોય એવી નગરની જગ્યામાં છાપરાં ઉપર ઘોડદોડ. કચડ કચડ બધું, ભચડ ભચડ બધું. અને પછી ઊંજણને અભાવે, મજાગરામાંથી નીકળતા ચૂં ચૂં કર્કશ અવાજ જેવા રુદનની એકધારી ખખડતી પાતળી પટ્ટીઓનું બહાર આવવું — અને ફરી પાછું એ લાંબી લાંબી એકધારી ચૂં ચૂં કર્કશ અવાજ કરતી ખખડતી પાતળી પટ્ટીઓનું ગળા દ્વારા ગળાની અંદર ગળાઈ જવું અને ચૂપકીદી.