ડોશીમાની વાતો/અપૂર્ણ

અપૂર્ણ


[આવૃત્તિ 1]

ગુજરાતની તરુણ માતાઓ!

‘ઓ બા! વાર્તા કહે ને!’ એમ ઝંખી ઝંખીને તમારાં બચ્ચાં તમને સતાવતાં હશે. નાનપણમાં દાદીને મોંયે સાંભળેલી વાર્તા તમને સાંભરતી યે નહીં હોય. કાં તો વાર્તા કહેવાની તમને નવરાશ નહીં હોય. વઢી વઢીને કે ધબ્બો મારીને તમે બચ્ચાંને સુવાડી દેતાં હશો. આ વખતે ડોશીમા ઘરમાં હોત તો કેવું સુખ થાત! કીકાકીકીને વાર્તા કીધા જ કરત. પણ અરે રે! કાં તો ડોશીમા મરી ગયાં હશે. ને જીવતાં હોય તો કજિયા કરીને તમે એમને આઘાં કાઢ્યાં હશે! ડોશીમા ટક ટક કર્યા કરે એ તમારાથી શે’ સહેવાય! હવે પસ્તાવો થાય છે? તો, લ્યો હું પણ આવું છું — ટક ટક કરવા નહીં. કીકા–કીકીને વાર્તા કહેવા. તમેય સાંભળશો ને? એક વખત તમારે પણ દાદી થવું પડશે, હોં! લિ.
તમે તરછોડેલી
ડોશીમા