ડોશીમાની વાતો/15. લક્ષ્મી

15. લક્ષ્મી


એક ગામમાં એક કજિયાળી બ્રાહ્મણી રહેતી. એને બે દીકરી. મોટીનું નામ રાણી. રાણી બહુ જ ખરાબ; એની મા જેવી જ કજિયાળી. નાનીનું નામ લક્ષ્મી. લક્ષ્મીનું જેવું નામ એવા જ એના ગુણ.

પણ મા તો લક્ષ્મીને દેખી જ શકે નહીં. રાણી પોતાના જેવી ખરી ને, એટલે એ માને વહાલી લાગે. લક્ષ્મી બિચારી કામ કરીને તૂટી મરે, રાણી કુભારજા જેવી, તદ્દન કુબડી. આખો દિવસ પગ ઉપર પગ ચડાવીને ઘરને ખૂણે બેઠી રહે. લક્ષ્મી નાની તોયે બહુ મહેનતુ છોડી. રાંધણું કરે, સંજવારી કાઢે ને પરોઢિયે ઊઠીને એક મોટી ગાગર હાથમાં લઈને પાસેના ઝરણામાં પાણી ભરવા જાય. એક દિવસ લક્ષ્મી પાણી ભરવા ગઈ હતી. ત્યાં એક ડોશી આવી. ડોશી કહે, “બેટા! મને થોડુંક પાણી દઈશ? મને બહુ તરસ લાગી છે”. ડોશીનાં મેલાં મેલાં લૂગડાં; બિચારી વાંકી વળીને ચાલે. લાકડીનો ટેકો દેતી જાય. એ જોઈને લક્ષ્મીને બહુ દયા આવી. ઝટ ઝટ જઈને સારું પાણી ભરી આવી. ને પાણી ડોશીને પાયું. પણ એ કાંઈ ડોશી નહોતી. એ તો એક પરી હતી. પાણી પીને એણે કહ્યું, “માડી, તું બહુ ડાહી દીકરી છે. તને વરદા. આપું છું કે તું જ્યારે જ્યારે બોલીશ ત્યારે તારા મોઢામાંથી હીરામોતી ઝરશે”. પાણી ભરીને લક્ષ્મી ઘેર આવી. મા એને વઢવા મંડી કે “નભાઈ, ક્યાં હતી અત્યાર સુધી?” લક્ષ્મી બોલી કે “મા! મા! એક ડોશી —” આટલું બોલતાં બોલતાં તો એના મોઢામાંથી ટપ ટપ કરતા હીરામોતી ઝરવા લાગ્યા. બ્રાહ્મણી તો થંભી ગઈ. એક વાર લક્ષ્મી સામે જુએ ને બીજી વાર હીરામોતી સામે ટાંપે. એ તો બોલવા જ મંડી કે ‘ઓય, ઓય, ઓય!’ પછી લક્ષ્મીએ એ ડોશીની વાત કહી. એ સાંભળીને બ્રાહ્મણી બોલી, “માડી રે! સાચે સાચ શું એવું? તો રાણીને કાલ મોકલીએ. રાણી! એ બેટા રાણી! ઝટ ચાલ તો! આમ તો જો!” ત્યાં તો રાણી આવી. મા કહે, “કાલ તું પાણી ભરવા જાજે. જોજે હો, એ ડોશીની સાથે કજિયો કરતી નહીં”. બીજે દિવસે પરોઢિયું થયું નહીં ત્યાં તો રાણીને ગાગર આપીને ઝરણામાં મોકલી. રાણી તો તદ્દન માંદા જેવી, એને કાંઈ પાણી ભરવાનું મન નહોતું. એને તો હીરામોતી જોઈતાં હતાં. જઈને જ્યાં ગાગર ભરે, ત્યાં તો પેલી ડોશી આવીને ઊભી. ડોશી બિચારી હાંફતી હાંફતી કહે કે “માડી! થોડુંક પાણી દઈશ?” રાણી તો ખિજાઈને બોલી, “તારા બાપનું કાંઈ માગે છે? આઘી જા, ડોકરી!” પેલી તો ડોશી નહોતી, પરી હતી. એણે રાણીને વરદાન દીધું કે, “જા, તું બોલીશ ત્યારે તારે મોઢેથી એરુ ને વીંછી ઝરશે!” રાણી ઘેર ગઈ ત્યાં તો મા દોડતી દોડતી આવી. કહે કે “બેટા, શું થયું?” રાણી તો ખીજમાં ને ખીજમાં કહે કે “શું રાખ થાય?” આટલું બોલી ત્યાં તો કાળા કાળા એરુ–વીંછી એના મોઢામાંથી ખરવા લાગ્યા. જરાક બોલે ત્યાં એરુ–વીંછી ખરે. મા દીકરીએ નક્કી કર્યું કે આ લક્ષ્મીનાં જ કામાં. બેય જણી લક્ષ્મીને મારવા જાય ત્યાં તો આડી આવીને પરી ઊભી રહી. પરી કહે કે ‘હું જ એ ડોશી! આ બેય છોડીઓને તેમની પોતાની કરણીનાં ફળ મળ્યાં છે. તમારે ઘેર કાંઈ લક્ષ્મી શોભે? એમ કહીને તે લક્ષ્મીને પોતાને દેશ તેડી ગઈ.