તરુરાગ અને નદીસૂક્ત/માલગુણનો આંબલો


૪. માલગુણનો આંબલો

ગોઠ ગામને પડખે જ પૂર્વ દિશામાં એક વગડો છે. લોકો એને માલગુણ કહે છે. આ માલગુણમાં સાગ, ખાખરા, સીતાફળી, કઢાઈ, કોઠી, આંબલી જેવાં ઝાડ છે. એમાં એક ઊંચા વૃક્ષોથીય દશાંગુલ ઊંચું એવું આંબલીનું ઝાડ છે. લોકો એને ‘આંબલો’ કહે છે. પુલ્લિંગનો આવો પ્રયોગ કદાચ આ વૃક્ષની કાયાની કદાવરતા ને ઉત્તુંગતાને કારણે જ પ્રચલિત થયો હશે. પૂર્વમાં જરા દૂર ઊભેલી રાજગઢની ટેકરીઓનું ને તળેટીના ક્યારડાંનું પાણી વહી લાવતા એક કોતરડાને કિનારે આ આંબલો ઊભો છે. અમે અમારા ઘરના વાડામાંથી એને જોતા, ને બરાબર યાદ છે કે જ્યારે જોઉં ત્યારે એ મને ભૂરા આકાશને અડકેલો લાગતો. આથમતા સૂર્યના અજવાળે લિપ્ત એની ટોચની ઘટામાં સુવર્ણમેઘનાં દર્શન થતાં. માલગુણ વીંધીને એ આંબલા પાસે જવાનું તો કદી બન્યું નથી, દૂરથી જ ડુંગરાની જેમ એ રળિયામણો ને કંઈક અંશે ભેદી પણ લાગ્યો છે. મારા મનમાં આજે એની આકૃતિ એટલી તો તાજી છે કે માલગુણનું નષ્ટ જંગલ ચાલીસ વર્ષ પહેલાં હતું તેવું જ ફરી ઉગાડવાની યોજના થાય તો હું તે કાળે જે વૃક્ષ જ્યાં હતું ત્યાં તે ફરી વાવી શકું ને પેલા આંબાલાને બરાબર એને સ્થાને ઊભો કરી આપું. આજે તો આ માલગુણ ખેડાઈ ગયું છે; એકાદ ઝાડવાનુંય ત્યાં નામનિશાન નથી. વનીકરણના વિધિસરના કાર્યક્રમ કરતાં આપણા ભૂખ્યા દેશમાં અ-વનીકરણનો અવિધિસરનો કાર્યક્રમ જ વધારે ચાલે એ સમજાય એવું છે. ઠીક, બધુંય પરિવર્તનશીલ, મરણશીલ છે ત્યાં વળી જંગલને તે ક્યાં રડીએ? એકાદ આંબાલાને ફરી એવો જ જીવતો જોવાની વાસના પણ લોકક્ષયકૃત્ કાળની લીલા આગળ નાદાની જ ગણાય. પણ માણસને સ્મરણનું અદ્ભુત વરદાન મળેલું છે, એટલે એ જે ગયું છે તેને પણ સ્મૃતિમાં જીવતું કરીને, સ્થળકાલને વટીને ભોગવી શકે છે. આ આંબલો પણ આજે સ્મરણમાં જ જીવતો ઊભો છે. સ્મરણ છે ત્યાં સુધી મરણ કશાનો પૂરો વિલય કરી શકતું નથી. વાતને હવે તો પાંચ પાંચ દાયકા થઈ ગયા. નાનપણનો જંગલ વચ્ચે જન્મેલો અને ઉછરેલો છોકરો આજે લગભગ વૃદ્ધ વડીલના વેશમાં હરેફરે છે ત્યારે પણ પેલા આંબલાનું સ્મરણ અને સ્વપ્ન એને છોડતાં નથી. ટચુકડા એ છોકરાંને વાડામાંથી આંબલો જોતાં કેવું કેવું થતું હશે! ક્યારેક સવારમાં એણે સડસડાટ આકાશ ચઢી રહેલા સૂરજને આ આંબલાની ડાળીઓમાં ગૂંચવાતો ને વેરવિખેર થઈ જતો જોયો છે. શિયાળાની સવારે વગડે આખે ધુમ્મસ ઓઢ્યું હોય ત્યારે આ આંબલો નાનકડી આંખોને તો બરફનો પહાડ જ લાગે. નર્મદના કબીરવડ-વર્ણનની ત્યારે ખબર નહીં, નહિતર આવું દૃશ્ય જોઈને આ છોકરો ‘ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધૂમસે પ્હાડ સરખો’ એ કાવ્યપંક્તિ બોલી પડત. ચળકતાં પાંદડાંમાં એણે અનેકવાર પાંખ ફફડાવતા સૂડાઓની કલ્પના કરી છે ને લટકતા કાતરા ખાવા મનોમન એ છેક ટોચ સુધી ચઢી ઊતર્યો છે. અરે! શમણામાં તો અનેક વાર એ પડતો પડતો રહી ગયો છે. એક ડાળથી બીજી ડાળે પહોંચવા કૂદકો મારે પણ બીજી ડાળ હાથમાં ન આવે! નીચે પડતો જાય ત્યાં તો વળી એક ડાળ પકડાતાં લટકે ને પછી સાવચેતીથી ડાળી એ આવી ભૂસકો મારીને પથ્થરિયા ભોંય ઉપર પડે! નાનપણમાં દાદા એ કહેલી અનેક વાતો સાથે પણ આ આંબલો મારા મનમાં ગૂંથાઈ-ગૂંચવાઈ ગયો છે – જાદુમંતરથી માથાનાં લટિયાં સજ્જડ બંધાઈ જાય એમ. દાદા શામળની વાર્તા કહેતા હોય કે બીજી કોઈ લોકકથા કહેતા હોય, ઝાડનો ઉલ્લેખ આવે એટલે મારા મનમાં આ આંબલો જ ઊગીને ઊભો રહે! એણે એટલાં તો ઊંડાં મૂળ નાખ્યાં છે કે આજેય એ ઉખાડ્યો ઊખડતો નથી. ઝાડ નીચે વિસામો ખાવા બેઠેલા પ્રવાસીના અંગ ઉપર એકાએક ઉપરથી લોહીનું ટીપું પડ્યું એવી વાત આવે કે તરત મારી આંખો પેલા આંબલાની ટોચની ઘેરી ઘટા ખંખોળવા માંડે! ત્યાં એને કોઈનું શબ ઊંધે માથે લટકતું દેખાય! સુદામા અને કૃષ્ણનું દ્વારકામાં ઘણાં વર્ષો પછી મિલન થતાં બંનેએ જે બાળપણના પ્રસંગો યાદ કર્યા તેનું વર્ણન પ્રેમાનંદે ‘તને સાંભરે રે? મને કેમ વિસરે રે?’ વાળા કડવામાં સરસ કર્યું છે. એ ભણતાં ભણતાં ‘પાડ્યું મોટું ખોડ’ એમ આવે એટલે ચિત્તમાં માલગુણનો આંબલો જ ચમકે. એને ઢાળીને જાણે કૃષ્ણ અને સુદામા તોફાની બનતા જતા આકાશને ચિંતાથી જોઈ રહ્યા છે. ઝબાક વીજળી આકાશમાંથી વૃક્ષ ચીતરે છે, ચીતરે છે, ભૂંસે છે, વળી ચીતરે છે ને વાયરે ચઢીને આવતા મેઘ ધોધમાર વરસી પડે છે. ને એક નથી બની એવી કથાની ને નથી જોયું એવા દૃશ્યની વાત પણ કરી લઉં! વાસ્તવમાં જે બન્યું નથી ને જોયું નથી તેને કલ્પનાએ વાસ્તવ કરતાં વધારે સાચું કરીને આજ સુધી સાચવ્યું છે. હવે એને જૂઠું કહેતાં જીવ ચાલતો નથી. વાત જાણે એમ છે કે અમારા ગામનો એક છોકરડો ને બાજુના ગામની એક છોકરી રોજ આ માલગુણમાં ઢોરાં ચારવા આવે છે. ઢોરાં ચારતાં એ બે જણાં એમની લાગણીઓને પણ એકબીજાના મનના ચરિયાણોમાં ચરવા છોડી મેલે છે. બંને આ આંબલા હેઠે ભાતભાતની લાજાળ અને ઉદ્દંડ રમતો રમે છે; આંબલા ઉપર તેઓ પકડાપકડી રમે છે; અમારા ગામનો પેલો છોકરડો કેડે ખોસેલો પાવો કાઢીને વગાડે છે. આખો આંબલો લઈને જાણે આ બે જણાં ઊડતાં ઊડતાં ઇન્દરપુરીમાં અલોપ થઈ જાય છે! આજેય વાંકોડિયા વાળવાળા અને મેલા ઠેપાડાનો કછોટો મારી અર્ધા ઉઘાડા પગ લટકાવીને ને ઘાઘરીનો કાછડો વાળી કાપડામાં કાયાને માંડ માંડ સમાવતી પાતળપેટી અને ઊંડી નાભિવાળી પેલી છોકરીને પડખામાં લઈને ટગડાળે બેઠેલો જોઉં છું. ને વળી આટલું ત્યારે તેટલું! આંબલાની વાતમાં આપણી છાની વાત પણ ભલે કહેવાઈ જતી! અનેકવાર હું પણ મારા પ્રિયજન (જેણે આ જગા કે ઝાડ કદી જોયા નથી) સાથે આ આંબલાની ડાળે આવીને બેઠો છું ને બેસું છું – શમણાંમાં સ્તો! નાના હતા ત્યારે અમને રાત્રે ખાટલામાં પડ્યાં પડ્યાં જંગલી પશુપંખીઓના જાતજાતના આવજો સાંભળવા મળે. શિયાળવાંની લાળી તો જાણે રોજનો કાર્યક્રમ; ક્યારેક ફાલુડીનું ભયજનક રુદન સંભળાય ને સવારે દાદા એને ઉલ્લેખીને અપશુકનની વાતો કરે; ક્યારેક વળી ઘુવડ છેક મોભારે આવીને ‘મૂઓ, મૂઓ’ કહી જાય! આ બધામાં વળી કોઈ વાત લાવે કે માલગુણમાં, પેલા કોતેડાની કોરે આંબલો છે ને એની હેઠળ કાલે મધરાતે બે ઝરખ લડતેલાં! આ ‘ભંગિયાની કોતેડી’ નામથી ઓળખાતા કોતર ઉપર હરિજનો મુડદાં બાળે ને આસપાસના અનેક ગામનાં મરેલાં ઢોરનો નિકાલ પણ અહીં જ થાય, એટલે હાડકાં ખાવા ઝરખડાં આવે, લડે ને એમના છીંકોટા ને દાંતિયાં ગોઠવાળાને સંભળાય. વાત સાંભળતા જ આસપાસ ભયનું જંગલ ઊગી જાય – ને વચ્ચોવચ પડછંદ, ઘનઘોર-ઘટાળો પેલો આંબલો પણ.