તારાપણાના શહેરમાં/અડાબીડ ભાન રે
અડાબીડ ભાન રે
વનમાં રહ્યાનું કેવું અડાબીડ ભાન રે
તૂટેલ વૃક્ષમાંય હું લીલેરું પાન રે
મારું તો સાવ ખાલીપણું પણ સભર સભર
તારું ભર્યા-ભર્યાપણું અઢળક વિરાન રે
ઘૂંટી લીધાં છે દૂરનાં આકાશ લોહીમાં
તારું નિકટપણુંય હવે ઓરમાન રે
તું આ વિરહના દેશમાં રસ્તો ભૂલી જઈશ
ઊઠ્યાં છે ઠેર ઠેર અહીં તારાં નિશાન રે
જીવન તો તારી અમથી અનુપસ્થિતિનું નામ
અમથું મળીને તેં કર્યું સાબિત વિધાન રે