તારાપણાના શહેરમાં/અભિસારિકા ગઝલ


અભિસારિકા ગઝલ

સાજણ તારી વાટમાં બંધનનો વિસ્તાર
આકાશ ઊગ્યું આંખમાં, પગમાં ઊગ્યા પ્હાડ

પગમાં ઊગ્યા પ્હાડ નીકળું નદી થઈને
અધવચ્ચે રોકે મને પડછાયાનાં ઝાડ

પડછાયાનાં ઝાડ સ્હેજ પણ વ્હેમાયે નહિ!
એમ તળેથી સરકતાં વહ્યે જાઉં એકધાર

વહ્યે જાઉં એકધાર ભિન્ન સંજોગો વચ્ચે
પળભરમાં કાંઠે વસે પરિસ્થિતિનું ગામ

પરિસ્થિતિનું ગામ પારદર્શક છે આખું
મને બચાવી નીકળું લઈ શબ્દની આડ

લઈ શબ્દની આડ, તને શોધું દરિયામાં
મોજાંઓ કહેતાં ફરે, તું છે દરિયાપાર