તારાપણાના શહેરમાં/આજના માણસની ગઝલ


આજના માણસની ગઝલ

ટોળાની શૂન્યતા છું જવા દો કશું નથી
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી

હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી

શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી

નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ
હું ઢોલ છું, પીટો, મને કૈં પણ થતું નથી

સાંત્વનનાં પોલાં થીગડાંમાં સૂઈ ગઈ છે રાત
બીડીના ઠુંઠિયામાં કોઈ બોલતું નથી