તારાપણાના શહેરમાં/આવી ગયો હઈશ


આવી ગયો હઈશ

જ્યારે હું તારા ખ્યાલમાં આવી ગયો હઈશ
દુનિયાથી દૂર, આપમાં આવી ગયો હઈશ

આપું નહીં હું આમ કદી કોઈને વચન
નક્કી હું તારી વાતમાં આવી ગયો હઈશ

સાચે જ તારી સૂક્ષ્મ નજર હોવી જોઈએ
અમથો શું તારી આંખમાં આવી ગયો હઈશ!

લાગે છે દૂરતા સમી આત્મીયતા હવે
લાગે છે પાછો ભાનમાં આવી ગયો હઈશ

મારા વિષે તને ઘણા પ્રશ્નો થતા હશે
એ માનીને જવાબમાં આવી ગયો હઈશ