તારાપણાના શહેરમાં/એ પછી : 2


એ પછી : 2

પ્રોષિતભર્તૃકા ગઝલ

તારા જવાનું જ્યારે મને સાંભરે રે લોલ
આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ

જે આવવાનો કોલ તેં રોપ્યો હતો અહીં
વડવાઈ થઈને ઝૂલી રહ્યો છે હવે રે લોલ

બે ચાર પગલાં ચાલું જો હું તારી યાદમાં
એકલતા રસ્તો થઈ મને સામી મળે રે લોલ

તારા વિનાનો મારો આ ભીનો ઉજાગરો
કૂવાની જેમ અર્ધો ભરેલો રહે રે લોલ

પરદેશીનું સ્મરણ તો ફક્ત આજની જ હૂંફ
કાલે ફરી બરફના સૂરજ ઊગશે રે લોલ