તારાપણાના શહેરમાં/એ પછી : 4


એ પછી : 4

ખંડિતા ગઝલ

જે ક્ષિતિજો પર વિખેરાયા હશે
એ વિરહના ધુમ્મસી ચ્હેરા હશે

લાગણી ક્યારેય પૂરી થાય નહીં
એને માટે જે હતી…… ઇચ્છા હશે

બારણું નહિ ખોલું તો કોઈ હશે
બારણું ખોલીશ તો ભણકારા હશે

આગની તો આવી હિમ્મત હોય નહીં
જે મને બાળી ગયા, તણખા હશે

કેમ એ આવ્યા નહીં કોને ખબર?
એમને પણ કોઈ મર્યાદા હશે.