તારાપણાના શહેરમાં/ક્ષિતિજ સુધી જઈને


ક્ષિતિજ સુધી જઈને

પ્રસંગો પાંદડાંના ઢગમાં બાળતા રહીએ
પરિસ્થિતિના ધુમાડાને ઘૂંટતા રહીએ

હવે અવાજનું ઊંડાણ તું ય જાણે છે
તને ગમે તો જરાવાર બોલતા રહીએ

ફરીથી સ્થિર થઈ જાશે જળ સરોવરનાં
ફરીથી આપણે પથ્થરને ફેંકતા રહીએ

થીજી ગયો છે હવે પ્રેમ પણ અતીતની જેમ
સમયની જેમ ચલો આપણે જતા રહીએ

‘ફના’ ચલોને આ પગલાંને મૂકવા જાવું છે
જરા ક્ષિતિજ સુધી જઈને આવતા રહીએ