તારાપણાના શહેરમાં/ખબર પડે


ખબર પડે

કાં આશ એકવાર મળે તો ખબર પડે
કાં લાશ એકવાર મળે તો ખબર પડે

મારામાં નહિ તો આપને ગમતું ઘણુંય છે
નવરાશ એકવાર મળે તો ખબર પડે

મેં સાંભળ્યું છે આપની દરિયાદિલી વિષે
ખારાશ એકવાર મળે તો ખબર પડે

વર્ષાથી તરબતર હશે ત્યાં આપનું નગર
ભીનાશ એકવાર મળે તો ખબર પડે

મર્યાદા જાણવા ગયો તો ક્ષિતિજે કહ્યું
આકાશ એકવાર મળે તો ખબર પડે

એકાંતમાં આ કોણ મળી જાય છે મને
અવકાશ એકવાર મળે તો ખબર પડે

એના મરણ વિષે બધી અફવા શમી જશે
બસ લાશ એકવાર મળે તો ખબર પડે