તારાપણાના શહેરમાં/ખ્યાલમાં
ખ્યાલમાં
લોક સમજે છે કે ચાલું છું સફરના ખ્યાલમાં
શું કહું! નીકળ્યો છું હું તારા જ ઘરના ખ્યાલમાં
મેં ખરેખર તો સુરા કૈં આટલી ન્હોતી પીધી
પણ અસર થઈ છે વધારે તો અસરના ખ્યાલમાં
મ્હેક લીલીછમ ઉગાડી દઈશ મારા શ્વાસમાં
એમ શું પડતું મૂકું કૈ પાનખરના ખ્યાલમાં!
કોઈ પણ માની નથી શકતું હું એનો એ જ છું
શું કરી બેઠો છું એવું રાતભરના ખ્યાલમાં
કેટલાયે ખ્યાલ મનમાં ફેરવી જોયા ‘ફના’
ક્યાંય મન લાગ્યું નહીં તારા વગરના ખ્યાલમાં