તારાપણાના શહેરમાં/છોડો


છોડો

ઇતિ સુધી નહીં પહોંચાય, અથ છોડો
કથા વચ્ચે વચ્ચે પણ છે અકથ, છોડો

પ્રતિબિંબોને પકડી શો અરથ! છોડો
અહીં ચારે તરફ દર્પણ છે, બથ છોડો

જરા અશ્વોને પાણી પાવ, રથ છોડો
નદી સાથે વહેવાના શપથ છોડો

ઇતિ સુધી નહીં પહોંચાય અથ છોડો
કહો તો બે’ક શબ્દો કહું, અરથ છોડો

હું મારાં વર્તુળોમાં ઘૂમતો રહું છું
મળી જાવાનો આપોઆપ, પથ છોડો