તારાપણાના શહેરમાં/જવા પહેલાં
જવા પહેલાં
પ્રસંગો થાક ઉતારી જશે અવસ્થાનો
સંબંધ ફીણના ગોટા થઈને ઊડવાનો
લખાતું રહેશે વિરહની હવામાં તારું નામ
અને હું અક્ષરોમાં ગૂંચવાતો રહેવાનો
પવન ઉઠાવી જશે લાગણીના પડછાયા
ફરીથી આંખમાં તડકો ભરાઈ રહેવાનો
અરીસો ફોડશે તારા અભાવનો સૂરજ
હું કાચ કાચમાં કિરણ બનીને ઊગવાનો
સમયના ઠંડા ઝરણમાં વહીશ તું જ્યારે
તને હું સ્થિર પ્રતિબિંબ થઈ વળગવાનો