તારાપણાના શહેરમાં/ઝેન ગઝલ


ઝેન ગઝલ

બેઠો’તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે
ખિસકોલીના અવાજમાં ખેંચાતો જાઉં રે

ખિસકોલીના અવાજમાં ખેંચાતો જાઉં રે
મૃગજળિયા અંધકારમાં હું છટપટાઉં રે

મૃગજળિયા અંધકારમાં હું છટપટાઉં રે
‘સૂરજ નથી’ ના શ્વાસમાં મૂંગો મરાઉં રે

‘સૂરજ નથી’ ના શ્વાસમાં મૂંગો મરાઉં રે
તારા મિલનના સ્વપ્નમાં હું જીવતો જાઉં રે

તારા મિલનના સ્વપ્નમાં હું જીવતો જાઉં રે
આકાશ થઈ ઊગું, ખીલું ને ખરતો જાઉં રે

આકાશ થઈ ઊગું, ખીલું ને ખરતો જાઉં રે
બેઠો’તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે

બેઠો’તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે
ખિસકોલીના અવાજમાં… હું સંભળાઉ રે