તારાપણાના શહેરમાં/તો!
તો!
હું થઈ જઈશ પરાગ, જો ઝાકળ બનીશ તો
ધુમ્મસની જાળમાં જ ફસાઈ જઈશ તો!
કોઈ મને ઉઠાવી જશે તારા શહેરમાં
અધવચ્ચે ઊંઘમાંથી હું જાગી જઈશ તો!
તારાં વહાણ આવવાનો થઈ જશે સમય
ને હું જ એકાએક વમળ થઈ જઈશ તો!
સ્વપ્નોમાં શું નું શું ય ભરી નીકળ્યો છું હું
તું તારી ગેરહાજરી વિષે પૂછીશ તો!
હમણાં તો અલવિદા કહી છુટ્ટા પડી જશું
રસ્તામાં ક્યાંક હું તને પાછો મળીશ તો!