તારાપણાના શહેરમાં/ધુમ્મસ


ધુમ્મસ

પ્રતીક્ષાની રાતો ને સ્વપ્નાનું ધુમ્મસ
છે શ્રદ્ધા પાયામાં ભ્રમણાનું ધુમ્મસ

હજી ઊર્મિઓ સાવ થીજી નથી કંઈ
હજી તો છવાયું છે ઇચ્છાનું ધુમ્મસ

નહીં તો તમે કંઈ વધુ દૂર ન્હોતાં
ફક્ત વચમાં આવ્યું’તું શંકાનું ધુમ્મસ

ન કંઈ સંભળાયું ન જોઈ શકાયું
મળ્યા મૂઢ શબ્દો ને પડઘાનું ધુમ્મસ

હવે સૂર્ય નહિ આજ આંધી દઈ દે
હવા ધૂંધળી છે ને તડકાનું ધુમ્મસ

‘ફના’ આહ નાખી અરીસાની સામે
પછી જોયે રાખ્યું નિસાસાનું ધુમ્મસ