તારાપણાના શહેરમાં/પ્રાચીન છું


પ્રાચીન છું

મિલનની ક્ષણોમાં હજી લીન છું
સમયથી વધારે હું પ્રાચીન છું

અમસ્તા જ સંદર્ભ ઊપજાવ નહિ
અમસ્તો અમસ્તો જ ગમગીન છું

આ રસ્તો જ વાંકોચૂકો જાય છે
મને ના કહો કે દિશાહીન છું

હવે દર્પણો છેતરી નહિ શકે
હવે તારી ઇચ્છાને આધીન છું

ગઝલનો કદી ભોગ લીધો નથી
ભલે ને હું શબ્દોનો શોખીન છું

ફરી આપ આવો તો ઢંઢોળજો
મિલનની ક્ષણોમાં હજી લીન છું