તારાપણાના શહેરમાં/મારુંય કૈંક નામ


મારુંય કૈંક નામ

તારો ભલે ને શ્વાસ ભળ્યો હો સુગંધમાં
મારુંય કૈંક નામ છે પર્ણોના કંપમાં

વીતતા સમયની સાથે વધી રહી છે તીવ્રતા
મારણ ઘૂંટાતું જાય છે ઘટનાના ડંખમાં

ડૂબી જવા છતાંય ગહનતા મળી નહીં
કાંઠા સુધી તો જાત જો વ્હેતે તરંગમાં

શ્વાસોમાં રોજ ઊઘડે છે સ્પર્શનું પરોઢ
ઊડી ગઈ છે મ્હેક તો ઝાકળના રંગમાં

ચોંકી જવાના મોહથી હું છૂટતો નથી
તું ક્યાં કદી મળે છે સૂરજના સંબંધમાં

જીવી રહ્યો છું તારી પ્રતીક્ષાના નામ પર
મારી ગણતરી થાય છે વિક્રમ સવંતમાં