તારાપણાના શહેરમાં/સર્વત્ર છું


સર્વત્ર છું

ક્યાંયનો નહિ તે છતાં સર્વત્ર છું
કોઈ સરનામા વિનાનો પત્ર છું

વિશ્વભર વિખરાયેલું નક્ષત્ર છું
માત્ર તારી આંખમાં એકત્ર છું

હું અનાદિ ઝંખના નિર્વસ્ત્ર છું
સત્ય છું પણ સાવ અંગત પત્ર છું

જિંદગી જેવો નનામો પત્ર છું
કૈંક અફવાઓને માથે છત્ર છું

આંખમાં મૃગજળ ભરીને શોધ નહિ
જ્યાં જઈશ, ત્યાં લાગશે અન્યત્ર છું