તારાપણાના શહેરમાં/સાક્ષાત્કારની હઠ


સાક્ષાત્કારની હઠ

નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં
હું સંતાયો છું તારી આંખના જોવાપણામાં

નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં
મને તું આમ જોયા કર નહીં આ ઝાંઝવામાં

નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં
નથી કૈં અર્થ દીવો બાળવા કે ઠારવામાં

નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં
તને સ્પર્શી જઈશ તારા ભીના હોવાપણામાં

નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં
લે! તારી આંખમાં ઝાકળ બનું, જો! આયનામાં