દક્ષિણાયન/કર્ણાટકમાં


કર્ણાટકમાં

અમારા દક્ષિણ હિંદના પ્રવાસનો પ્રારંભ જોગના ધોધથી થવાનો હતો. ત્યાં પહોંચવા માટે હરિહર સ્ટેશનની ટિકિટ કઢાવીને જ્યારે પૂનાની ગાડી બદલી ત્યારે જ લાગ્યું કે હવે ગુજરાતમાંથી બહાર નીકળી ગયા. આપણે ગુજરાતમાં નથી એ ભાન પૂના છોડ્યા પછી જાગૃત થવા માંડે છે. ગુજરાતી ભાષા સંભળાતી બંધ થાય છે અને ઊંચી ટેકરીઓ ઉપર સવાર થઈને રસ્તો કાપતી આગગાડીમાંથી આજુબાજુનો પ્રદેશ એની વિશેષતાથી આપણને આકર્ષી રહે છે. સહ્યાદ્રિ ઘાટને પશ્ચિમે પડેલી કોંકણની લીલીછમ પટીને સમાંતરે પણ તેની દૃષ્ટિ બહાર સૂકા પ્રદેશમાં આપણે ચાલીએ છીએ. નાની નાની પણ લાંબી ટેકરીઓ વિસ્તૃત સપાટ જમીન ઉપર બધી દિશામાં વેરાયેલી પડેલી હોય છે. ક્યાંક ક્યાંક લીલાં ચોસલાં જેવાં ખેતરો અને દૂરથી રમકડાં જેવા લાગતા બળદો અને ખેડૂતો આપણું ધ્યાન ખેંચે છે. સ્ટેશનો લગભગ સૂનાં હોય છે. બહુ જ થોડા માણસો ઊતરે ચડે છે અને મીટર ગેજની ગાડી ઉતારુઓના અને માલના ડબ્બાની લાંબી લંઘાર ખેંચતી ટેકરીઓમાં માર્ગ શોધતી મોટી ઇયળ જેવી વાંકીચૂંકી વાંકીચૂંકી ચાલી જાય છે. દૃશ્યો બદલાયા કરે છે. ક્ષિતિજ દેખાયા જ કરે છે. ઝાડોનાં લૂમખામાં ભરાઈ બેઠેલાં ગામડાં ભાગ્યે જ દેખા દે છે. ટેકરીઓ અને તેની પરથી ગબડી ગયેલા તોતિંગ પથ્થરો તોફાની બાળકનાં રમકડાં પેઠે ગમે ત્યાં ગમે તેમ વેરાયેલા પડેલા છે. હજી જાણે પરિચિત પ્રદેશમાં જ છીએ. સ્ટેશને મોસંબી અને નારંગી વેચવા આવતી સ્ત્રીઓની મરાઠી ભાષા ખાસ અતડી લાગતી નથી. સૂનાં અને સૂકાં સ્ટેશનો પસાર થતાં જાય છે. પાણીની તાણ દેખાઈ આવે છે. સ્ટેશનો પર પાણીના નળ નથી હોતા. સ્ટેશનના એક ખૂણા પર નાનકડું પીપ તેના પર पीने का पानी હિંદીમાં, અંગ્રેજીમાં અને સ્થાનિક ભાષામાં લખીને ગોઠવેલું જ દેખાય છે. અમે સવારે હરિહર સ્ટેશને જાગ્યા ત્યારે અમારી આસપાસની મરાઠી ભાષા અલોપ થઈ હતી. ઉત્તર કર્ણાટકમાં અમે આવી પહોંચ્યા હતા. મૈસૂરનું રાય અહીંથી જ શરૂ થયું. તેના શિમોગા જિલ્લાની હદમાં અમે પ્રવેશ્યાં. મોટરના ડ્રાઇવરો હિંદી ફેંક્યે રાખે, મુસલમાનો સહેલાઈથી ઉર્દૂ બોલે; પણ એ ભાષાને અહીં બધા ‘મુસલમાની’ કહે છે. બાકી મોટરના ટિકિટ આપનાર તેમ જ બીજા સામાન્ય દુકાનદારો અંગ્રેજીમાં ચલાવ્યે રાખે છે. અહીંનો ખેડૂત કે આમવર્ગ હિંદી-ઉર્દૂ કાંઈ સમજે નહિ. માણસો આપણા જેવા જ. પહેરવેશ, હલનચલન બધું સરખું. અલબત્ત, સ્ત્રીઓનો પોશાક જુદો હોય છે; પણ ભાષા તો બધાંની તદ્દન જુદી જ. ‘રાઇટ!’ કહીને મોટરના ટિકિટ વહેંચનારે ગાડી ચલાવવાને રજા આપી અને શિમોગા જવાને મોટર ઊપડી. લગભગ ૪૫. માઈલ જવાનું. ગુજરાતના સપાટ પ્રદેશમાંથી આવનારને આ મુલક ઘણો વિવિધતાભર્યો લાગે. લીલોતરી તો ઠેરઠેર વેરાયેલી. પુષ્કળ વૃક્ષો અને પૃથ્વીની સપાટી ઊંચીનીચી. મૈસૂર રાજ્યનાં કેટલાંક સમૃદ્ધ જંગલો આ બાજુ છે. જંગલોની ભાગોળ અહીંથી શરૂ થાય છે. આમ તો આખું મૈસૂર રાજ્ય ૧૫૦૦ થી પ૦૦૦ ફીટ સુધીની વિવિધ ઊંચાઈની ભૂમિ પર આવેલું છે. એનું આખું ભૂતળ સમુદ્રના તરંગિત પૃષ્ઠ જેવું સર્વત્ર મનોરમ વિવિધતાથી ભરેલું છે. પણ જંગલવાળા પ્રદેશોમાં તો આ તરંગિત ભૂમિને તે પરની વૃક્ષરાજિ વિશેષે રમણીય કરી મૂકે છે. રસ્તાની બંને બાજુએ મોટાં અને ઘટાદાર ઝાડો ગોઠવાઈ ગયેલાં છે. અમે જેમ જેમ આગળ જતા ગયા તેમ તેમ એ વૃક્ષરાજિની શોભા સધન બનતી ગઈ. પ્રતિપદે કુદરતની સમૃદ્ધિ વધતી જતી હતી; પણ માણસની સમૃદ્ધિ ઘટતી દેખાવા લાગી. માણસો અને ઢોર બધાં દીન અને દરિદ્ર દેખાયાં. મકાનો નીચાં, રસ્તા ધૂળિયા અને છોકરાં અને મોટાં જાણે ન છૂટકે વસ્ત્રો પહેરતાં હોય તેવાં. આ સૌમાંયે વધારે આકર્ષક નીવડ્યા તો અહીંના બળદ, એમની અનાકર્ષકતાથી. આ અનાકર્ષકતા – વિરૂપતાનો વાસ તેમનાં શીંગડાંમાં હતો. ગુજરાતના જેવો ઊંચો અને પુષ્ટ બળદ તો ક્યાંય દીઠો જડ્યો જ નહિ. પણ બળદ ઠીંગણા અને દુર્બળ અને શીંગડાંનું જે ગૌરવ ગુજરાતના બળદોનું છે તે તો કોઈમાં પણ ન મળે. અહીંના બધા બળદનાં શીંગડાં ચપટાં, વાંકા ચીપિયા જેવાં. સંગીતકાર આલાપ-તાનનો હજી આરંભ કરતો હોય તેમ જમીનના ચડાવઉતાર હજી ક્યાંક ક્યાંક જ આવતા. ઢોળાવ ઊતરવાનો હોય ત્યારે ડ્રાઇવર એન્જિનને પેટ્રોલ આપવું બંધ કરતો અને મોટર એનો ધર્ધર અવાજ બંધ કરી જાણે નાના છોકરા પેઠે લપસવા લાગતી. આ બાજુ બધી મોટરોનો રંગ પણ લીલો જ છે. લીલા વનમાં ફરતાં ફરતાં એનો રંગ પણ જાણે લીલો ન થઈ ગયો હોય! સામેથી આવતી અથવા દૂરના વળાંક પાછળ અલોપ થઈ જતી મોટરો જાણે જંગલમાં વસતું પ્રાગૈતિહાસિક કાળનું – ઘર ઘર જેટલી મોટી ગરોળીઓના જમાનાનું કોઈ પ્રાણી ન હોય! તેવી લાગતી હતી. આવાં વૈચિત્ર્યો જોતાં અમે શિમોગા પહોંચ્યા. સોપારીના એક પ્રખ્યાત વેપારીને ત્યાં અમારો ઉતારો હતો. એ શ્રીમાનનું નામ કેટલીક વાર ગોખ્યું ત્યારે જ યાદ રહ્યું. હવે તો માણસોનાં નામો, સ્થળોનાં નામો બધાં નવીન જ હોવાનાં અને નવીનતા ઘણી વાર વિચિત્રતાનું રૂપ લઈને જ આવે છે. અમારા યજમાનનું નામ હતું શ્રી પુટ્ટનંજપ્પા. એ ભાઈ જાણે મીઠાશનો જ અવતાર હતા! મને થયું અમારી ઉમ્મરના આ મિત્રે આટલી અકાળ સૌમ્યતા ક્યાંથી મેળવી હશે! અમે મુસાફરીમાંથી થાકેલ હોઈશું એમ માની કલાકો સુધી અમને એમણે અમારા ઓરડામાં આરામ લેવા એકલા જ બેસી રહેવા દીધા! ભોજન વગેરેમાં અમારી ખાસ જરૂરિયાતો શી એમ તેમણે પૂછતાં અમે એમને જણાવી દીધું કે તમારી રીતે જ તમે અમારું સ્વાગત કરજો. એ દિવસનું પહેલું ભોજન અમારે માટે નવીનતાઓનું જ પીરસણ હતું. બધી વાનીઓ આપણી જ – છતાં ભાત સિવાય એકે વાનીની બનાવટ આપણને મળતી ન આવે. બટાટા, વેંગણ, ભાજી, અથાણાં બધું જુદી રીતે બનાવેલું અને રોટલી-ચપાટી એ તો સૌમાં શિરોમણિ જેવી હતી. એનું ચપાટી નામ જ યોગ્યતમ છે. આ વાનીને આ પ્રદેશમાં ઘઉંના ગુલ્લાને ગમે તે રીતે ચપટ કરી નાખી બનાવવામાં આવે છે. વણતાં વણતાં તેના ત્રણ ખૂણા તો થાય જ – અને બીજા ઉપખૂણાઓ મરજી મુજબ વધઘટે. એની જાડાઈની, અસમાનતાની કે વિષમતાની તો સરખામણી જ નથી અને આ તો અમને મહેમાનોને આપવામાં આવેલી ચપાટી એટલે ઉત્તમોત્તમ જ માની લેવાની! પણ એમાં નવાઈ કશી નથી. ચપાટી અહીંનો ખોરાક જ નથી. અમારા ભોજનમાં સૌથી વિશેષ આકર્ષક તત્ત્વ તો અમારો પીરસનાર હતો. કાછડી વિનાનું પંચિયું અને અર્ધી બાંયનું ખમીસ પહેરી તે પીરસતો હતો. પાતળું નાક, સાંકડા હોઠ અને અણીદાર ચિબુકમાં અને ગૌર વર્ણમાં તે ફૂટડો લાગતો હતો; પણ તેના માથા ઉપર કોઈ પણ સુકેશીને શરમાવે તેવો અંબોડો જોયો ત્યારે નવાઈ લાગી. તેના હાથ પર વળી પાતળી સોનાની બંગડી જેવું હતું. આ છોકરી તો નથી? અરે રામ, પણ આ તો જુઓ! એ અંબોડાની નીચે તો બૉમ્બે હૅર કટિંગ સલૂને કાપ્યા હોય તેવા ફર્સ્ટ ક્લાસ કાપેલા વાળ હતા અને એ સુકર્તિત ગરદન ઉપર અંબોડો! હું ક્ષણેક તો મુગ્ધ બન્યો, મૂઢ બન્યો. પૂછ્યું. બધા હસી પડ્યા. એ તો અહીંની ફૅશન છે! સનાતનતા અને નૂતનતાનો આવો સુંદર સુભગ મેળ તો આ તરફનું માનસ જ ઉપજાવી શકે! આપણા જુવાનોએ તો નરી નૂતનતા જ સ્વીકા ૨ી છે અને ઘરડાંઓએ નરી સનાતનતા જાળવી છે; પણ એ બંનેનો મેળ અહીંના જુવાનો કરી રહ્યા છે.’અલબત્ત, આ છોકરો તો એ કાપેલા વાળ અને તે પર બેઠેલો અંબોડો – એ બંનેથી સુરૂપ જ લાગતો હતો. પણ આવી ફૅશન તો અમે જેમ દક્ષિણમાં નીચે જતા ગયા તેમ વધુ ને વધુ જોવા મળી. જમીક૨ીને સાંજે ફરવા નીકળ્યા. શહેરની દક્ષિણે વહેતી અલ્પજલા તુંગાનાં દર્શન કર્યાં. અહીંથી થોડેક અંતરે દક્ષિણેથી વહી આવતી ભદ્રા અને આ તુંગા મળી બંને થોડેક દૂર ઉત્તરમાં તુંગભદ્રા બની જાય છે. પશ્ચિમે દૂર દૂર અહીંથી અદૃશ્ય એવા જોગના ધોધનાં પાણીમાં પોતાનાં કિરણોને રમાડતાં રમાડતાં આથમતો અને અનેક ટેકરીઓને માથે કૂણી કૂણી ટપલીઓ દેતો દેતો સૂરજ ક્ષિતિજની પાર ઊતરી ગયો.