દરિયાપારથી.../સ્વપ્નોનાં નાત, જાત, દેશ

સ્વપ્નોનાં નાત, જાત, દેશ

કેટલાંક વર્ષ પહેલાના શિયાળાની એક બપોરે ન્યૂયોર્ક શહેરના એક સારા વિસ્તારમાં ગાડી પાર્ક કરવાની જગ્યા હું શોધી રહી હતી. રાતે ફિલહાર્મોનિક હૉલમાં વૅસ્ટર્ન ક્લાસિકલ કૉન્સર્ટ સાંભળવા જવાનું હતું, તેથી ઘણા કલાકો ગાડી ઊભી રાખી શકાય તેવી જગ્યા શોધવાની હતી. થોડું શોધ્યા પછી એવી જગ્યા મળી ગઈ. હું ગાડી મૂકતી હતી બરાબર ત્યાં બે માણસો ફૂટપાથનું સમારકામ કરી રહ્યા હતા. બંનેએ ઠંડીને કારણે માથું ઢંકાય તેવા કોટ પહેરેલા. છતાં, મોઢાં પરથી એમની જાતિ હું ઓળખી શકી – એક ગ્રીક હતો, ને બીજો હતો ભારતીય. સ્વભાવ પ્રમાણે, અને માણસનો માણસની સાથેનો વિવેક ચુકાય નહીં તે મુજબ, હસીને મેં એને કેમ છે-કેમ નહીં પૂછ્યું – અલબત્ત, હિન્દીમાં. કડિયા-કામ કરનારા ભારતીય સાથે અંગ્રેજીમાં શું બોલવું? બધાં અંગ્રેજી બોલી જ શકે છે. તેવું હોતું પણ નથી. ઉપરાંત, ભારતીય તરીકે પહેલાં ભારતીય ભાષામાં બોલવાનું જ શરૂ થઈ જાય. એ માણસ પંજાબના કોઈ ગામડામાંથી આવેલો. કોઈ પણ રીતે. કદાચ બિનકાયદેસર. એને અહીં એક મિત્ર હતો, એમ એણે કહ્યું. બાકી કોઇ સગું-વહાલું કે કોઈ બીજા મિત્ર પણ હતાં નહીં. દેશના ગામડામાં જે કામ કરતો હતો તે જ અહીં ન્યૂયોર્કમાં પણ કરતો હતો. ને તે પણ કદાચ બિનસત્તાવાર રીતે. એ મને પૂછે, આવી મોટી ગાડી કઈ રીતે મળે? મેં કહ્યું, એ માટે અહીં ભણવું પડે. તો એ કહે, પઢને જાયેંગે તો ફિર રોટી કૈસે ખાયેંગે? પણ એ ભણે નહીં, ડિગ્રી નહીં તો ડિપ્લોમા જેટલું પણના ભણે, તો વધારે આવક આપતી નોકરી મળવાની ક્યાંથી? ને જો આવું સાવ સાધારણ મજૂરીનું જ કામ કરવાનું હોય, તો ઘરબાર, દેશ-ગામ છોડ્યાનો, ને સાવ એકલતા વહોર્યાનો અર્થ શું સર્યો? આવાં તો લાખો જન અમેરિકામાં આવી ગયાં હશે – સાધારણ કામ કરતાં હશે, દિવસના સોળ-સત્તર કલાક મજૂરી કરતાં હશે. એક વાર એક ભાઈ મળેલા. કહે, વડોદરામાં કૉલૅજમાં ભણાવતા હતા. ચાર મહિનાની ટિકિટ પર અમેરિકા આવેલા – ટ્રાય કરવા, જો સારી નોકરી મળી જાય તો. એમને આઠ કલાક ઊભાં ઊભાં છાપાં વેચવાનું કામ મળેલું. બીજા એક ભાઈ એવી જ રીતે આવેલા, તે ઇન્ડિયન રૅસ્ટૉરાઁમાં વેઇટરનું કામ કરતા હતા. પરવાનો ના હોય, સરખા અભ્યાસ-અનુભવ ના હોય, તો કેવળ આશા રાખ્યાથી કે દિવાસ્વપ્નો સેવ્યાથી જ, સારી અને સંતોષ આપનારી નોકરી મળી નથી શકવાની. અમેરિકાનું આકર્ષણ દુનિયાની બધી પ્રજાને છે. આપણા સમાજમાં મળે છે તેવા જ દાખલા બીજાં જાતિ-જૂથોમાંથી પણ મળે છે. ડિગ્રી સાથેના, અને નોકરીને લાયક લોકો અમેરિકાના જીવન-ઘટમાં ઓછી તકલીફે સમાઈ શકવાના, પણ ફક્ત કશી ભૂરકીથી ખેંચાઈને આવનારાંને અમેરિકાની ઝડપી, અતડી ને પારકી જેવી ઘટમાળ ભારે પડી જતી હોય છે. એમને તો જે હતું તે છોડવું પડ્યું છે, ને અહીં જે કાંઈ છે તે મળ્યું નથી હોતું. એમ તો અમેરિકા પાસે આપવાનું ઘણું છે. આખી દુનિયા નહીં તો શા માટે ખેંચાય એના તરફ? એક યાદી કરવી હોય તો સહેલાઈથી થઈ શકે, પણ એ બધી શક્યતાઓ અને ઉપહારોની સમગ્રતાને દર્શાવવા એક શબ્દ-પ્રયોગ પ્રચલિત થયેલો છે, ને એ છે “અમેરિકન ડ્રીમ”. એનું ગુજરાતીકરણ પણ સહેલાઈથી જ થઈ તો શકે – “અમેરિકી સ્વપ્ન”, પણ એમાંથી એનું અર્થ-ઘટન એકદમ અસરકારક રીતે ફલિત થતું લાગતું નથી. વિશ્વમાં સર્વત્ર અને સર્વ પ્રજામાં એ જ અંગ્રેજી શબ્દ-પ્રયોગ વપરાય છે. આ “ડ્રીમ”ને ઝંખવાનો હક્ક દરેકને છે, પણ એનાં ભય-સ્થાનોનો ખ્યાલ દરેક જણ કરતું હોતું નથી. આ “ડ્રીમ” જેટલું સત્ય છે, ને શક્ય છે, તેટલું જ એ છળ જેવું, ને મૃગજળ જેવું છે. આટલું પણ જે જાણતાં હોય તે એના ફાયદા ને ગેરફાયદા વિષે સભાન રહેવાનાં. બાકીનાં “આ રહ્યું, આ દેખાય” કરતાં નિરર્થક ભાગતાં રહેવાનાં. વળી, દૈવની વક્રતા એવી હોય છે કે એક તરફ એ આપે છે, તો બીજી તરફથી એ માગી લેતું હોય છે. અમેરિકન ડ્રીમની પણ આવી બે બાજુઓ છે – એક તરફ ભૌતિક સાધનોની પ્રાપ્તિ છે, તો બીજી તરફ વધતી જતી ઉપાધિ હોય છે. ક્યારેક ને ક્યારેક, કશી ને કશી કિંમત ચૂકવવી પડતી હોય છે. ઘણાંને માટે આ સુખનું સ્વપ્ન નથી રહેતું, પણ ભયાનક યાતના બની જાય છે. જેમને આ દેશ જન્મથી મળેલો છે તેમને માટે આ શબ્દ-પ્રયોગ રોજના ચલણનો છે, પણ એ ઉદ્ભવ્યો જ બહારના લોકોના સંદર્ભમાં, ને એ લોકો માટે આ શબ્દ-દ્વય એક લોભમય, મોહમય કલ્પન ઊભું કરે છે. આ ઉદ્ભવ, ખરેખર તો, અમેરિકાનાં જાહેર માધ્યમોને આભારી છે, એમ કહી શકાય. અમેરિકન ડ્રીમ જેવું કશું સાચેસાચ ના પણ હોય. વળી, સ્વપ્ન શું અંગત ના હોય? આખા ને આખા દેશને, અરે -આખી દુનિયાને લાગુ પડવા માંડ્યું હોય તેવું તે કાંઈ સ્વપ્ન હોય? ઉપરાંત, એનો સીધો મેળ ભૌતિક સંપત્તિ સાથે બેસાડવામાં આવે છે. અમેરિકાને પણ દિલ છે, દિમાગ છે, ઈતિહાસ છે, નૈતિક મૂલ્યો છે – એનો વિચાર કરવામાં આવતો નથી. જે સુખ આપે છે એના પ્રતિ ફરજ પણ છે, તેનો ખ્યાલ કોઈ કરતું નથી. સરેરાશ દેશાંતરિત લોકો વિચારે છે, “આ ક્યાં આપણો દેશ છે?”, ને અમેરિકા પ્રત્યે વફાદારી કે માન-આદર રાખવા જેટલી તકલીફ લેતા નથી. જરૂરી સમજણ તો એમાં છે, કે ધન સાથે દાન હોય, પ્રાપ્તિ સાથે તૃપ્તિ હોય, આકાંક્શા સાથે આનંદ હોય, ઊંચાઈ સાથે ઊંડાણ હોય, સમૃદ્ધિ સાથે સંતોષ હોય. ને સાચે જ જો મનની અંદર શાંતિ મળી હોય તો સુખ ને સંપત્તિ મળ્યાં છે, એમ કહેવું પડે. બધું મળી ગયાનું ભાન હોય, વધારે કશું નથી જોઈતું એવી જાણ હોય, તો આ સ્વપ્ન સાકાર થયું ગણાય. જીવ્યાનું સ્વપ્ન, જાણ્યાનું સ્વપ્ન, મેળવ્યાનું સ્વપ્ન, માણ્યાનું સ્વપ્ન. આવું બને તો પછી એને કોઈ ઉપજાવી કાઢેલા નામથી નહીં બોલાવવું પડે. તો પછી એનો સંદર્ભ કેવળ ઉપરછલ્લો ભૌતિક નહીં રહે. ને તો પછી કદાચ બીજા દેશો પણ પોતપોતાનાં નામ અને જીવન-રીતિ સાથે એ શબ્દ જોડશે. કેવો સરસ લાગશે એ સાર્થક શબ્દ-પ્રયોગ. “ ............ ડ્રીમ.”