દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૪. હાથી તણું બચ્ચું


૪. હાથી તણું બચ્ચું

મનહર છંદ

હાથીતણું બચ્ચું હોય પણ જો રાજાએ તેને,
કૂતરું કહ્યું તો પછી કૂતરું તે કૂતરું;
બરફનો બેટ બની તરી આવે ઉદધિમાં,
રાજા કહે રૂ તર્યું, તો રૂ તર્યું તે રૂ તર્યું;
ઉત્તમ કન્યાને ગણી કાઢી જો અનુત્તમમાં,
ઉત્તમ ન થાય જોડું, સૂતર્યું તે સૂતર્યું;
રાજા અધિરાજ ખુદાવંદ સુણો ખંડેરાવ,
મોતીતણું નીર તે તો ઉતર્યું તે ઉતર્યું.