દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૫૮. અદબ


૫૮. અદબ


સુણો સમજુ સકળ નરનારીઓ,
વધે માણસમાં જેમ માપ, અદબ શીખો એટલી.
સારી અદબ જો રાખવા શીખશો;
થશો ઉક્તિ પંક્તિના આપ.
સારું મનુષ્ય આવે ઘેર આપણે;
“આવોજી!” કહી કરીએ સલામ.
ઊભાં થઈને આદરમાન આપીએ;
પછી પૂછીએ હોય જે કામ.
કાંઈ કારણે પરઘેર જો જાઓ;
ઊભાં રહેજો જઈ ઘર બહાર,
રજા માગી પછી ઘરમાં પેસજો;
રહેજો મન દેખો તેટલી વાર,
છાની વાત કરે જ્યાં માણસ મળી;
વણ તેડ્યાં ન જઈએ ત્યાંય,
વણ બોલાવ્યાં વચમાં ન બોલીએ;
કડવું કથન ન કાઢીએ કાંય,
વાંસો ઉદર ઉઘાડાં ન રાખીએ;
ઉંચે ઘાંટે ન કરિયે ઉચ્ચાર,
છેડો વસ્ત્રનો મુખ આડો રાખીએ;
આવે બગાસું કે ઓડકાર,
સભામાં બહુ સંભાળી બેસીએ,
જેવો આપણો હોય અધિકાર.
મોટ જનને ઉઠી માગ આપીએ,
નીતિશાસ્ત્રનો એ છે આધાર.
કોઈ ધનના, વિદ્યાના કે અમલના;
અધિકારથી મોટા મનાય.
તેની માન મરજાદા ન તોડીએ;
તોડ્યે જરૂર બેઅદબી જણાય,
પૂછે મત તો પોતે મત આપીએ;
અતિ આગ્રહમાં નથી સ્વાદ,
માને નહિ તો ત્યાં ચુપ રહી બેસીએ;
વડા સાથે ન વદિયે વિવાદ,
કોઈના કરમાંથી ચીઠી કે ચોપડી;
ખેંચી લઈએ ન વાંચવા કામ,
લેવી હોય તો માગીને લીજીએ,
આપે તો લઈ કરિયે સલામ,
કોઈને ટુંકારે કદિ ન બોલીવીએ;
હોય દીન કે ઘર કેરો દાસ,
ઘરમાં નાનાં મોટાં સઉ માણસે;
એમ કરવો અદબનો અભ્યાસ,
“ફરમાવો” “બિરાજો.” “ભોજન કરો”
એવા અદબના શબ્દ અનેક,
સારા માણસે તે શીખી રાખવા;
વળી શીખવો વચન વિવેક,
હસીએ નહિ ખડખડતે મુખે;
કોઈ સાથે ન લડિયે લડાઈ;
કોઈ કડવાં વચન કહે ક્રોધથી;
સુણી ચુપ રહીએ શરમાઈ,
મર્મ વચનનાં બાણ જે મારવાં;
કહીયે નાદાન જનનું તે કામ,
ક્ષમા રાખે તે તો મોટું માનવી;
તેને લોક વખાણે તમામ.
હોય અદબ તો ઉત્તમ જાતમાં;
હલકી જાતમાં અદબ ન હોય,
જેના ઘરમાં અદબ દલપત કહે;
સૌથી સુખિયાં તે માણસ સોય.