દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૮૩. રાજ મળ્યું તો શું થયું


૮૩. રાજ મળ્યું તો શું થયું

દોહરા


રાજ મળ્યું તો શું થયું, કરજો વિચાર કોય;
જાણે નીતિ રાજની, રાજબીજ જો હોય.
તજી અયોધ્યા અવધપતિ, વિચારતાં વનવાસ;
પુર બહાર મળી સૌ પ્રજા, અંતર થઈ ઉદાસ,
કરજોડી જન સૌ કહે, કોણ અમારો રાય;
પાળનાર નિશ્ચે કરી, વળતી થાઓ વિદાય.
ત્યાં બાળક રમતાં હતાં, જુદી જુદી જાત;
એકે એકે તેહને, રામે પુછી વાત.
તુજને સોંપું રાજ તો, કેમ કરે તું રાજ;
સુણી બોલ્યા પ્રત્યેક તે, અહીં લખું છું આજ.

હજામ બોલ્યો


મનહર છંદ

સોનાનો સજાયો ને સલાડીએ સોનાની કરૂં,
ચાંદીનો તો ચીપિયો કરાવીને વતાં કરૂં;
નરેણી લટકાવું લૂમખાં હીરામોતીનાં,
ખોટું નહિ વચન આ કહું છું ખરેખરૂં;
કાતર ને કાંસકો કરાવું ઊંચા કુંદનનો,
કોથળી તો કીનખાબની વિશેષ વાવરૂ;
મળે રાજગાદી તો આ ખાદીનો રૂમાલ ખોઈ,
ઉમદા એકાદી સાલ પથરણે પાથરૂં.

નટ બોલ્યો

કુકડાં ને કૂતરાં ભલાં ભલાં ભેળાં કરીયે,
પાડા ને ગધેડા પણ ભાર વિના પાળીએ;
નાચીએ ન કુદીએ ન રાખીએ લગાર લાજ;
ગોઠમાં ને ગમતમાં દિન રાત ગાળીએ;
ઊંચી આંખો રાખી રોજ ચાલીએ ચૌટામાં ચાહી,
નીચાં વેણ કરી શીદ ભૂમિ ભણી ભાળીએ
મળે રાજપાટ તો ઉચાટ ચિત્તના તજીને,
છરાં મૂકી છાંડી, છતે રૂપૈઆ ઉછાળીએ.

ભિખારી બોલ્યો

ગોળની કરાવું ગાડી સાકરનો સુખપાલ,
ખાડની તો ખુરશીમાં બેઠા ગીત ગાઈએ;
પેંડા ને પતાસા ખાસાં હાર કરી હૈયે ધરૂં,
કચેરીમાં બેઠા બેઠા ખાંતે ખાંતે ખાઈએ;
રાંડો બે રાખીને પાસ ચૌટા વચ્ચે ચાલ્યા જૈએ,૧
નદીને કિનારે નિત્ય નગ્ન થઈ ન્હાઈએ;
ન્હાઈએ તો ન્હાઈએ કે કદીએ ન ન્હાઈએ;
પોતે પૃથ્વીપતિ પછી કેના બાપની છે પ્રભા,
સુજે તેમ કીજીએ શા માટે શરમાઈએ.

વાણિક બોલ્યો

દરબાર ખાતે દેશદેશમાં દુકાનો કરી,
સંપડાવી વિશેષ નાણું તો સરાફીએ;
ચાલે નહિ તેટલા જ રાખીએ ચાકરીઆત,
લગાર લગાર તો પગાર સૌના કાપીએ;
કવિ ગુણી પંડિત કે આવે કોઈ આશા ધરી,
કોઈને કદાપિ એકે દમડી ન આપીએ;
મળે મન રાજ તો હું કાજ એવું મોટું કરૂં,
થાપણ કરોડ બે કરોડ કરી થાપીએ.

બ્રાહ્મણ બોલ્યો

બ્રાહ્મણ કહે જો ભલા ભાગ્યથી હું ભૂપ થાઊં,
મેનામાં બેસીને રોજ જાઊં ભિક્ષા માગવા;
મોટા મોટા વરા કરી હુંજ વખણાઊં અને,
બ્રાહ્મણ બીજાનાં અભિમાન લાગું ભાગવા;
વાડીયોમાં તૂંબડાના વેવા વવરાવું અને,
દરભના પૂળા તો અનેક રાખું આગવા;
આવ શત્રુ ભોજ તેને આપું હું આશીર્વાદ,
બ્રાહ્મણ જાણીને તે તો લાગે પગે લાગવા.

દોહરા

સર્વજને સુણીને કર્યો, મન નિશ્ચય મજબૂત;
રાજબીજ જે હોય તે, રાજ્ય જોગ્ય રજપૂત