દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૮. હવાની ગતિ


૮. હવાની ગતિ


હવાની ગતિ હંમશ હોય છે ઊંચે ચઢ્યાની,
ભારવાળી વસ્તુ નમી ભૂમિભણી જાય છે;
પ્રવાહી પદારથ તો ચાલે છે પ્રવાહ રૂપે,
એથી ઉલટું ચલાવતાં તો અટકાય છે;
તેમજ જગતમાંહી જેને જેવી ટેવ પડી,
તે તજાવ્યા વિના તેનો ઉપયોગ થાય છે;
સુણો રૂડા રાજહંસ દાખે દલપતરામ,
ગતિ એની ગોઠવીએ તેમ ગોઠવાય છે.