દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૯૪. માખીનું બચ્ચું


૯૪. માખીનું બચ્ચું

(દોહરા)


માખી બોલી મુખ થકી, પ્યારા બચ્ચા પાસ
જઈ આવું હું જ્યાં સુધી ઊડીશ માં આકાશ

ઊકળે છે ઉનામણો, જે તે પાસે જાય
સૂકે ફરતાં ચોટ તો જીવનું જોખમ થાય

એમ કહી એ તો ગઈ બચ્ચું બુદ્ધિ બાળ
દિલમાં ડાહપણ ડોળવા તે લાગ્યું તત્કાળ

ઘરડાં તો વાતો ઘણી કરે વધારી વહેમ
ઊડી ફરતાં આટલે કહો મરીશ હું કેમ?

એમ કહી ઊડી ગયું પહોંચ્યું પાણી પાસ
અંજાઈ એમાં પડ્યું વળતી થયું વિનાશ

બોલ્યું મરતાં બોલ તે જે ચાલે આ ચાલ
માને નહીં માબાપનું તો એના આ હાલ