દલપત પઢિયારની કવિતા/તડકો પડે તો સારું

તડકો પડે તો સારું

એક કૂંડામાં ચણોઠી વાવેલી છે તે
છેક ધાબે ચડી છે!
ગામડે હતો ત્યારે
એક વાર એની કાચી સીંગો ફોલી હતી!
પછી
પરોઢના સૂર્યની પુરાઈ રહેલી ખરીઓ
ઝાલી રહી ન હતી!
થોડી વાર પહેલાં જ ઝાપટું પડ્યું છે
માટી બધી બેબાકળી બની
ઘરમાં આવી ગઈ છે...
ચંદનના ઝાડ ઉપર
કાચિંડાએ મેઘધનુષ્ય માથે લીધું
અને
તીતીઘોડાનું જોડું
થોર ઉપર ના’તું ના’તું મોટું થઈ ગયું!
ચણોઠીના વેલાને ફૂટેલી નવી ડૂંખો
લીલી સાપણો જેવી
બારીના કાચ ઉપર હલ્યા કરે છે.
રગોમાં ચોમાસું ફાટે તે પહેલાં
તડકો પડે તો સારું!