દલપત પઢિયારની કવિતા/નક્કામો આ ફેરો!
નક્કામો આ ફેરો દલજી, નક્કામો આ નેડો;
કોણ રહ્યું સણસારી ભીતર, કોણ ફાડતું છેડો?
મેંદી જેવું મન ઉછેરી મલક બધીમાં મા’લ્યા,
માટીની ઇચ્છાઓ ઓથે ઘેઘૂર થઈને ફાલ્યા,
તૂટતાં પાન પવન પરબારો તોય મૂકે ના કેડો...
નક્કામો આ ફેરો...
આમ જુઓ તો સાવ અડોઅડ, આમ જુઓ તો આઘું;
પિંડ અને પડછાયા વચ્ચે પડતર જેવો લાગું;
શિખર ચડું કે શેઢો, નભનો ક્યાંય નથી નિવેડો...
નક્કામો આ ફેરો...
શ્વાસે શ્વાસે દોરી જેવું કોણ ઉમેરે છોડે?
દિન ઊગે દિન ડૂબે પંખી કયા દેશમાં દોડે?
અંતે પડાવ અણધાર્યો જ્યાં પાંગથ નહીં પછેડો...
નક્કામો આ ફેરો...