દલપત પઢિયારની કવિતા/મને મહીસાગર છાંટો!

મને મહીસાગર છાંટો!

કોઈ
કોદાળાની મૂંદર મારો
મારા માથામાં!
કોશવાળું હળ ચલાવો
મારી છાતી ઉપર!
હું ખેતર ભૂલવા લાગ્યો છું!
મારે જુવારનો વાઢ રંગોમાં ઝીલવો છે
આ લીલી તુવેરની ઓર મને અડતી નથી!
મારી આંખો
કરકરિયા પથ્થર જેવી થઈ ગઈ છે!
ગોફણમાં ઘાલીને ફેંકી દઉં એમ થાય છે!
રમત રમતમાં
જે નાના છોડની મેં ડૂંખો ટૂંપી કાઢી હતી
તે રાયણ, આંબલી
આજે કેટલી મોટી થઈ ગઈ છે!
એની આખી ઉંમરને બથ ભરવાનું
મને મન થાય છે.
પણ
એટલા સાચા હાથ હું ક્યાંથી લાવું?
અહીં જાણે
મને કોઈ ઓળખતું જ નથી!
પંજેઠી ખેંચીને બનાવેલી પાળીઓ
સીધીસટ્ટ બસ, પડી રહી છે,
પાટલા ઘોની જેમ!
મને કોક પકડવા આવે એની રાહ જોઉં છું!
આ નેળિયું પણ
કશી નોંધ લીધા વગર ચાલ્યું જાય છે, નદી તરફ
મારા આખા ડીલે
ઝરડાંવાળી વાડો સોરાય તો સારું!
મારું શરીર ઠંડું પડી રહ્યું છે...
મને કોઈ, મહીસાગર છાંટો!