દલપત પઢિયારની કવિતા/સાંજ ઢળે......

સાંજ ઢળે......

સાંજ ઢળે,
પંખી માળે વળે,
ટેકરીઓ ઉપર ગામ મારું
અંધારે ઓગળે!

વડ બધા
આખા વગડાનો ઘેરાવો બાંધી
મહીસાગરમાં છુટ્ટા ના’વા પડે!
ભાઠું ભીનું થતું થતું
નાભિનો ગઢ ચડે...

પછી
કંકુના થાળમાં અજવાળેલો
સૂરજ નીકળે
છેક
ભળભાંખળે!