દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/મારા બાપના દાદાને તો

મારા બાપના દાદાને તો

મારા બાપના દાદાને તો કોઈએ જોયાનું ઓસાણ પણ નથી
છતાં એમની તલવાર હજી સચવાયેલી રહી છે
આમ તો ધાર વિનાની
તોય મૂઠમાં કોરેલી ફૂલપાંદડીની ભાતણી ઝાંખી આછી દેખાય
મ્યાનનાં રેશમચામડાની ચીંથરેહાલ વફાદારી
પછવાડે ઢંકાયલા ડાઘ લોહીના કે કાટના
કોણ જાણે?
કાટ ખાતી તલવારની તો કોઈનેય લાજ આવે
ને લોહી ચાટતીની કોને ન આવે?
આ તલવાર છે એની જ મને તો લાજ આવે છે
એય સાચવી રાખેલી

મારા દીકરાને દાદા કહેનારાં
ક્યારેક સંભારશે
કે એના બાપની કલમ
ક્યાંક સચવાયેલી રહી હશે
જ્યારે જંગલો કે તળાવ કે ખિસકોલીઓ કે આઘેથી ઊડીને આવતાં પંખી
કાટ ખાધેલા કાગળના વેરાન પટ પર
આછાં ઝાંખા સૂકા ડાઘ જેવાં વળગી રહ્યાં હશે
ત્યારે કોઈને ઓસાણ પણ નહીં હોય
કે કલમથી કવિતા લખાઈ હશે.
કવિતા એટલે શું એમ કોઈ પૂછતું પણ નહીં હોય

છતાં કલમ પકડી કલમ ચીતરી
કોઈ ફરીથી પહેલી વાર
ક લખે
ત્યારે કહેશે કદાચ કે મારા બાપદાદાની મને લાજ આવે છે
?


‘પરબ’, ઑગસ્ટ ૨૦૦૭