દિવ્યચક્ષુ/૨૫. સુશીલા

૨૫. સુશીલા

પોષયાં દૂધે અમૃતથી અજવાળી ગોરાં !
તે વત્સ કાજ વિષ અશ્રુતણા કટોરા !

−ન્હાનાલાલ

ધનસુખલાલનું મકાન ઘણું મોટું હતું. મોટા મોટા ઓરડાવાળી હવેલીમાં ગમે એટલાં માણસો સમાય. વળી સાધનો પણ ઘરમાં પુષ્કળ હતાં. અબોટિયું પહેરી પૂજા માટે તૈયાર થયેલી સુશીલાએ પચાસેક ઘાયલ મનુષ્યો માટે ઝડપથી સગવડ કરી. એક એક ઓરડામાં ચાર-પાંચ માણસોને સુવાડયા. ડૉક્ટરની સંખ્યા પણ ધીમે ધીમે વધી. સારવાર કરવાની વૃત્તિથી તરેમ જ લોકોમાં નામ થાય એવી છૂપી ઈચ્છાથી આગેવાન ડૉક્ટર ત્યાં ભેગા થઈ ગયા.

એક ખાટલા નજીક આવતાં સુશીલા ચમકી.

‘મોટીબહેન ! શું થયું ? આટલી બધી ચમકે છે કેમ ?’ પુષ્પા પાસે જ હતી, તેણે પૂછયું.

‘મારાથી તો આ બધું નથી જોવાતું.’ તેણે આંખો મીંચી દીધી; અને જાણે એટલું પૂરતું ન હોય તેમ મીંચેલી આંખ ઉપર હાથ પણ ઢાંકી દીધા.

‘અમે બધાં છીએ, પછી તું આટલી બધી મહેનત શું કરવા કરે છે ? તું થાકી જઈશ. તારી પૂજાય બાકી રહેશે.’

પ્રભુની પૂજા કદી પૂરી થાય ખરી ? સુશીલાએ આંખો ઉઘાડી અને જાણે પૂજા બાકી હોય તેમ અસંતોષભરી આંખે તેણે એ ખાટલા તરફ પાછી નજર કરી.

ખાટલામાં સૂતેલા જનાર્દનના માથામાંથી થોડું લોહી વહી સુકાવા લાગ્યું હતું. સુશીલાની નજર તે તરફ પડી. તેણે ઉતાવળથી કહ્યું :

‘પુષ્પા ! જો ને ? ડૉક્ટરસાહેબને અહીં બોલાવી લાવ; પાટો બંધાવીએ.’

‘તમે જાઓ. હું બંધાવી દઈશ.’

પુષ્પાએ કહ્યા છતાં સુશીલાના પગ ત્યાંથી ઊપડયા નહિ. વર્ષોથી દેહકષ્ટ વેઠતી તપસ્વિનીનું આંતરધ્યાન બર્હિમુખ બની ગયું. પાસે એક નાની બાજઠ પડી હતી તેના ઉપર બેસી જઈ તેણે કહ્યું :

‘હું તો કોઈ અહીંથી ખસતી નથી; મારા પગ ભાંગી જાય છે.’

સુશીલા ખરું કહેતી હતી. તેના પગમાંથી સઘળી શક્તિ હણાઈ ગઈ હતી.

‘પાછી માંદી પડજે !’ કહી પુષ્પા ડૉક્ટરને બોલાવવા ગઈ.

સુશીલા અને પુષ્પા વચ્ચે મા-દીકરીનો સંબંધ હતો. બંને બહેનોની માતા જુદી હતી; પરંતુ કૌટુંબિક કલહના અા એક મૂળનું વિષ ધનસુખલાલના કુટુંબમાં ફેલાયું નહોતું. સુશીલાનાં અપર-માએ મરતી વખતે પુષ્પાને સુશીલાના હાથમાં મૂકી હતી. સુશીલાએ પુષ્પાને પોતાની દીકરી માફક ઉછેરી હતી.

સાથે સાથે તે બહેન પણ હતી, એટલે મોટીબહેન અને નાનીબહેન વચ્ચે એક પ્રકારનાં સહીપણાં જામ્યાં હતાં. નવીન ઢબની ઉચ્છ્ખંલતા અને અમર્યાદાને એ સંબંધમાં અવકાશ નહોતો; પરંતુ સ્ત્રીસ્વભાવમાં રહેલું મનોહર ચાપલ્ય અને વાચાળતા જૂની ઢબમાં પણ તદ્દન દબાઈ રહેતાં હતાં, એમ માનવાની ભૂલ કોઈએ કરવી ન જોઈએ. ખરું જોતાં પ્રત્યેક યુગ પોતપોતાને અનુરૂપ મોજી, છેલ અને નખરાળી રમણી ઉત્પન્ન કરે જ છે. એટલે જૂના-નવા સમયને દોષ દેવા કરતાં સ્વભાવના એ મનોહર તત્ત્વને સ્વીકારી લેવું જ વાસ્તવિક છે.

સુશીલાની માતા ગુજરી ગયા પછી ધર્મિષ્ઠ ધનસુખલાલને લગ્ન કરવાનો બિલકુલ વિચાર જ નહોતો; પરંતુ પેઢી ચાલુ રાખવાની તૃષ્ણાએ એમના નિશ્ચય ઉપર વિજય મેળવ્યો. પેઢી પુરુષવંશથી જ ચાલુ રહી શકે એવી જગતના મોટા ભાગની અનેક યુગથી ચાલતી આવેલી ભાવના હાલ જાગૃતિ પામાતા સ્ત્રીત્વને મહા અન્યાય ભરેલી લાગે એ સમજી શકાય એવું છે; પરંતુ એ ભાવના અત્યાર સુધી સ્વીકારાયલી છે, અને તેને સનાતન સત્ય માની અનેક સ્ત્રીપુરુષોએ પોતાના જીવનક્રમ ઘડયા છે, એક ભૂલવું ન જોઈએ. પુત્રરહિત પત્નીએ પેઢી ચાલુ રાખવા, પોતે થઈને પોતાની હયાતીમાં જ પતિને બીજી પત્ની અપાવ્યાના દાખલા હિંદુ સંસારમાંથી જોઈએ એટલા મળી આવશે.

એટલે ધનસુખલાલની ભાવનાને વર્તમાન સમયે તિરસ્કારી કાઢવા કરતાં તે ભાવના પાછળ રહેલા સામર્થ્યને સમજી લેવું જોઈએ. બીજી વાર પરણનાર પુરુષ ત્રીસ વર્ષનો હોય, ચાળીસ વર્ષનો હોય, પચાસ વર્ષનો હોય કે સાઠ વર્ષનો હોય, તોપણ તેને એકસરખી રીતે વખોડી કાઢી ફજેત કરનાર વૃત્તિ તે સમયમાં એટલી જાગૃત થઈ નહોતી. એટલે સ્મિત સાથે સ્વીકાર પામતી માનવનિર્બળતા અને આવશ્યકતા તરીકે ધનસુખલાલનાં બીજી વારનાં લગ્ન સમાજે જરા પણ વાંધો ઉઠાવ્યા વગર માન્ય કર્યાં. ધનસુખલાલની દ્વિતીય પત્નીને પણ એમ ન લાગ્યું કે તેના ઉપર મહાદારુણ દુઃખ તૂટી પડયું છે.

તેનું નામ સુમતિ હતું.

તેની અને સુશીલાની ઉમર વચ્ચે પાંચ-છ વર્ષનો ફેર હતો. સુશીલા બાર-તેર વર્ષની હતી ત્યારે તેનું લગ્ન થયું. વીસ-બાવીસ વર્ષ સુધી કૌમારવ્રત પાળતી યુવતીઓના ઝડપથી આવી પહોંચતા યુગમાં સુશીલાનાં લગ્નને જરૂર બાળલગ્ન કહી શકાય. પણ તે સમયમાં તો બાર વર્ષની મર્યાદા વધારે ગણાતી. સુશીલા એક-બે વખત સાસરે પણ જઈ આવી. તેનો પતિ કૉલેજમાં ભણતો હતો, અને સારી કારકિર્દીની આગાહી આપતો હતો; પરંતુ તે ગ્રૅજ્યુએટ થાય તે પહેલાં તો તેને કાળે ઝડપી લીધો. સુશીલા બિચારી વિધવા થઈ. તેના બિચારાપણા ઉપરથી અઢળક આંસું પડયાં, અનેક નઃશ્વાસ નખાયા, પરંતુ તે જ ક્ષણથી તેની ઉપર વણમાગ્યા ચૉકીપહેરા પણ બેસી ગયા ! પરિણીત અવસ્થામાં સુશીલાનું ચારિત્ર્ય એ માત્ર તેની કાળજીનો વિષય હતો; કેટલેક અંશે તેના પતિ અને પિતાની કાળજીનો વિષય હતો; પરંતુ તે વિધવા થઈ એટલે તેની સૃષ્ટિમાં સમાતાં સઘળાં માનવીઓએ તેના ચારિત્ર વિષે કાળજી રાખવા માંડી. તે કેમ બેસે છે, કેમ બોલે છે, શું ખાય છે, ક્યાં જાય છે, એ બધી ઝીણીઝીણી વિગતો જાણવાની સમાજને જરૂર લાગી. દુઃખી પિતાએ તે દિવસથી કાળી પાઘડી પહેરી અને મિષ્ટાન વર્જ્ય કર્યું; સુશીલાને ધાર્મિક પુસ્તકો વાંચવા તરફ દોરી અને ધર્મકાર્ય, દેવસેવા, પૂજાપાઠ અને વ્રત-ઉપવાસ તરફ તેનું લક્ષ જાય એમ ખાસ પ્રયત્ન આદર્યો.

પુત્ર મેળવવાની ઈચ્છાએ કરેલા દ્વિતીય લગ્ને ધનસુખલાલને પુત્ર આપ્યો નહિ. તેઓ ખરા સ્વભાવના, કડવી જીભવાળા; પરંતુ સહૃદય સજ્જન હતા. પુત્રની આશા રાખી તેનાં સ્વપ્નો સેવતાં પતિપત્નીએ જોયું કે ઈશ્વરે તેમને પુત્ર નહિ; પરંતુ પુત્રી આપી હતી. પુષ્પાનો જન્મ થતાં ધનસુખલાલ અને તેમનાં પત્ની સુમતિને આછો અસંતોષ થયો; પરંતુ શરૂઆતની દિલગીરી ઓસરી ગઈ; ધાર્મિક ધનસુખલાલે ‘પ્રભુને ગમ્યું તે ખરું’ એમ કહી સંતોષક ધારણ કર્યો; અને પુષ્પાની માતાએ તો એક-બે દિવસમાં પુષ્પા માટે પુત્ર સરખી મમતા કેળવી. ધીમે ધીમે બંનેએ પુષ્પાને પોતાની લાડકી બનાવી.

પુષ્પા લાડકી બની ગઈ તેથી કાંઈ સુશીલા પ્રત્યેના પિતૃસ્નેહમાં જરાકે ઓછપ આવી નહિ. સુભાગ્યે પુષ્પાની માતા ઘણી સમભાવ હતો. મોટા મલાજાવાળાં અને જૂની ઢબની રહેણીમાં અભિમાન માનનારાં કુટુંબો પણ ઘણી વખત સુધરેલાં કુટુંબો સરખાં જ એકલાં પડી જાય છે; બંને પ્રકારને સામાન્યતા સાથે સંપર્ક ઘણો ઓછો રહે છે; એટલે પુષ્પાની માતાને સુશીલા સાથે સહીપણાં થયાં અને ઓરમાન મા-દીકરી કોઈપણ જાતના ક્લેશ-કંકાસ વગર શાંતિથી રહેવા લાગ્યાં.

સુશીલા વિધવા થઈ તેનું તેની ઓરમાન માને ઘણું દુઃખ થયું. સુશીલાના રસસંબંધની કલ્પનાઓ કરી હસતી અને હસાવતી માતાનું હાસ્ય બંધ થઈ ગયું. દીકરીને જરા પણ ઓછું ન આવે એમ કરવાનો તેનો સતત પ્રયાસ હતો; સુશીલા તે જોઈ શકી. તેને પોતાની અપર-મા અને બહેન પ્રત્યે વધારે ને વધારે વહાલ આવવા માંડયું.

આપણાં ધર્મશાસ્રો સંસ્કૃતમાં લખેલાં હોય છે. ધાર્મિક જ્ઞાનની વૃદ્ધિ કરવા માટે સંસ્કૃતનો અભ્યાસ આવશ્યક છે. ધનસુખલાલની એવી ઈચ્છા થઈ કે સુશીલા સંસ્કૃત ભણે તો સારું; તેની માતાએ પણ તે એકલી ન પડે એ અર્થે સંસ્કૃત શીખવવા નિશ્ચય કર્યો અને સાથે સાથે સુશીલામાં પણ સંસ્કૃત શીખવાની વૃત્તિ જાગૃત કરી. એક પ્રખ્યાત આધેડ વયના વિદ્વાન શાસ્ત્રી પાસે પોતાના જ ઘર આગળ સુશીલાને સંસ્કૃતનું શિક્ષણ મળે એવો ધનસુખલાલે બંદોબસ્ત કર્યો. વાર-તહેવારે આવતા શાસ્ત્રીને રોજ આવવાનો પ્રસંગ પ્રાપ્ત થયો.

સંસ્કૃતનું જ્ઞાન સર્વદા મનુષ્યને સાત્ત્વિક બનાવે છે, એમ માનવાની ભૂલ ઘણા કરે છે. આપણાં ધર્મશાસ્ત્રાો સંસ્કૃતમાં છે, એ વાત ખરી; પરંતુ શૃંગારથી તરબોળ બનેલું સાહિત્ય પણ સંસ્કૃતમાં છે એ વાત ઘણા ભૂલી જાય છે. ભર્તૃહરિનાં નીતિશતક અને વૈરાગ્યશતક શીખવાનું શરૂ કરનારને તત્કાળ ખબર પડે છે કે એ જ ગુટકામાં એ જ કવિનું શૃંગારશતક પણ ખુલ્લું મુકાયેલું છે. નીતિશતક પૂરું કરતાં પહેલાં વિદ્યાર્થી વગરશીખવ્યે શૃંગારશતક અર્થ સાથે વાંચી જાય છે. વિરાગની સાથે વિકારપોષક તત્ત્વો પણ સંસ્કૃત સાહિત્યમાંથી મળી આવે છે.

અને સંસ્કૃત સાહિત્યજ્ઞોની રસિકતા કોઈપણ દેશના શોખીનો કરતાં ઓછી નથી. શુદ્ધ-અશુદ્ધ ઉચ્ચારો વડે ચીપીચીપીને તત્ત્વના વિવરણ કરતા પંડિતની રસિકતા અંગ્રેજી ભણેલા સુધરેલની રસિકતા કરતાં ઓછી વંઠેલી હોતી નથી.

શાસ્ત્રીજી મધ્યવયી હતા. જગત એમ માનવાની ભૂલ કરે છે કે વયના વધવા સાથે રસિકતા ઓછી થતી જાય છે. આ માન્યતાનું જૂઠાણું સઘળા મધ્યવયીઓ જાણે છે; પરંતુ રસિકતાની સાથે અનુભવ મળતો હોવાથી મધ્યવયી પુરુષો અનુભવના બળથી રસિકતાને સંતાડી રાખે છે. અને જગતનો પોતાનો માટેનો ભ્રમ ચાલુ રહે એવી ગૂઢ રીતે રસિકતાનો ઉપયોગ કરે છે.

શાસ્ત્રીજી સંસ્કૃત શીખવતાં શીખવતાં અતિશય લટકાળા બનતા ચાલ્યા. એક દિવસ પુષ્પાની માતાએ ધનસુખલાલને કહ્યું :

‘આ શાસ્ત્રીને ઘરમાંથી કાઢો. એની પાસે સુશીલાને નથી શીખવવું.’

‘કારણ ?’

‘હું કહું તેમ કરો ને. !’

‘કારણ વગર હું તેને ન કાઢું.’

‘અરે એ બહુ નઠારો છે !’

‘નઠારી તો તું હોઈશ. બિચારા પવિત્ર બ્રાહ્મણને શા માટે વગોવે છે?’ આવતા બંધ થઈ ગયા, અને તેમને સ્થાને કૉલેજમાં ભણતો એક વિદ્યાર્થી સંસ્કૃત શીખવવા આવવા લાગ્યો. ધનસુખલાલે કૉલેજમાં એક પ્રોફેસરને મળી, છોકરીને સંસ્કૃત શીખવે એવો ચારિત્ર્યશીલ વિદ્યાર્થી માગ્યો. તેમને લાગ્યું કે આવા વ્યવહારપટુ ઘડાયલા શાસ્ત્રી કરતાં ઊગતો છોકરો વધારે સભ્ય નીવડવો જોઈએ.

અને થયું પણ તેમ જ. એ વિદ્યાર્થી ઘણો જ શરમાળ હતો. શરૂઆતમાં તેને લગભગ પોતાની જ ઉંમરની યુવતીને સંસ્કૃત શીખવતાં ઘણો જ સંકોચ થયો. આખો વખત તેને ક્ષોભ થયા કરતો; તે ભાગ્યે જ નીચેથી ઊંચે જોતો હતો. પુષ્પાની માતા પણ વખતોવખત તેની પાસે બેસી શીખવાનો ડોળ કરતી હતી. તેણે તો આ શરમાળ છોકરાની વાત નીકળતાં કહ્યું પણ ખરું :

‘સુશીલા ! આપણા આ નાના માસ્તરસાહેબ તો કોઈ છોકરી કરતાંયે વધારે શરમાળ છે.’

પરંતુ એવા શરમાળ હૃદયમાં ભારે અગ્નિ રહેલો હોય છે. એ વિદ્યાર્થીનું ચારિત્ર્ય કંચન સરખું નિર્મળ હતું; તેનાં સંસ્કાર ઉચ્ચ કોટિના હતા; તેના વિચાર ક્રાંતિકારી હતા; તેનાથી અન્યાય સહન થઈ શકતા નહોતા; માનવીની નિષ્ઠુરતા નિહાળી તેનું લોહી ઊકળી આવતું; માનવીની મૂર્ખતા તેને પ્રજાળી મૂકતી. વિદ્યાભ્યાસ કરતો એક ઉચ્ચ આદર્શવાળો વિદ્યાર્થી જે વિચારની કક્ષાએ પહોંચે તે વિચારની કક્ષાએ તે પહોંચેલો હતો. આખા સમાજને ઉખાડી નાખી તેની પુનર્ઘટના કરવાની તેને જરૂર લાગતી હતી.

તેની સાંસારિક સ્થિતિ તેને દબાવી રાખતી હતી. તે ગરીબ હતો. તે ઓછામાં ઓછું બોલતો. એટલે આખી કૉલેજમાં તે શાંત વિદ્યાર્થી તરીકે જાણીતો હતો; પરંતુ કોઈ કોઈ વખત તેના અંગત મિત્રો આગળ તેનો હૃદય-અગ્નિ વાણી દ્વારા પ્રગટી નીકળતો ત્યારે સહુ કોઈ દિંગ બની જતા. તે ખાનગીક મિલકત ઉપર ભારેમાં ભારે કટાક્ષ કરતો; લગ્નની સંસ્થામાં સમયની મૂર્ખાઈ ઉપર ભયંકર પ્રહારો કરતો; રાજ્યશાસનના સ્વાર્થ પ્રત્યે તે તિરસ્કાર પ્રગટ કરતો અને ધર્મને માળિયે ચઢાવી દેવા જેવા નિરુપયોગી સામાન જેવો ગણતો. અને બીજી જ ક્ષણે તે મિત્રો સાથે એક વહાલસોયા બાળકના સરખું નિર્દોષ અણસમજભર્યું વર્તન કરતો. સહુ કોઈ તેને બાળક ગણતા, અને તેની વિચારવિચિત્રતાઓને બાળકની અસ્થિર વિચારસંકલના સરખી ગણી તેમાંથી આનંદ મેળવતા.

એવા યુવક તરફ સુશીલાને સમભાવ થાય એમાં નવાઈ નહોતી. તેની માતાને પણ એ છોકરો ઘણો ગમતો.

એક દિવસ ધનસુખલાલે આવી ગુસ્સામાં કહ્યું :

‘આવા નાદાન છોકરા મારે ન જોઈએ. કાલથી તમારા સંસ્કૃત શિક્ષકને રજા આપી દઈશ.’

‘એટલું બધું શું છે ?’ સુમતિએ પૂછયું.

‘લોકો કેવી વાતો કરે છે તે જાણો છે ?’

‘લોકો તો નવરા રહ્યા. તેમને શું? બિચારો છોકરો નીચેથી ઊંચું જોતો નથી !’

લોકોએ વાત શરૂ કરી દીધી હતી. શાસ્ત્રીમાં સમાજ ખામી જોઈ શક્યો નહિ. કારણ સમાજ સામે તેઓ પવિત્ર પુરુષ તરીકે જાણીતા થયા હતા; પરંતુ આ અજાણ્યો છોકરો ઇચ્છવા યોગ્ય નથી. એમ સમાજે નિશ્ચય કરી દીધો. એટલું જ નહિ; પોતાના નિશ્ચયની ધનસુખલાલને ખબર પડે એવી વ્યવસ્થા પણ કરી દીધી.

સુશીલાનું હૃદય સમાજના આવા અન્યાયને લીધે તે વિદ્યાર્થી પ્રત્યે વધારે મૃદુ બન્યું. જેની મના હોય છે તે પહેલું થાય છે, એવા નિયમ માનવીના ઉત્પત્તિકાળથી ચાલતો આવેલો છે. સુશીલા અને પેલો વિદ્યાર્થી પરસ્પરથી વધારે નજીક આવવા લાગ્યા; સુમતિને આ ગુપ્ત આકર્ષણની ખબર પડી નહિ.