દિવ્યચક્ષુ/૨૭. સમાજનાં બલિદાન

૨૭. સમાજનાં બલિદાન

હાં રે મ્હને ઝેરી નાગોએ ડંખ દીધો,
હો સંત હાવાં કેમ ઉતારશો એ ઝેર ?
હાં રે મ્હને ઘેરી સચોટ બાણ વીંધ્યાં.
હો સંત ઘાવ ઉરના રુઝાવશો શી પેર ?

−ન્હાનાલાલ

હિંદુ સંસાર તપાસશે કે કેટલી વિધવાની માતાઓએ એવા વિચાર નહિ કર્યા હોય ! કદાચ બહુ ઝીણવટ અને સ્પષ્ટતાથી ઘણી માતાઓ આ દલીલો ન કરે; પરંતુ એટલું તો ચોક્કસ કે એકેએક માતા આવી પરિસ્થિતિમાં પોતાની પુત્રીને અણધાર્યું રક્ષણ આપે છે. પુત્રીનું પાપ એકે એવું નથી કે જે માતા માફ ન કરી શકે.

અને પાપીને કહેવાની ધૃષ્ટતા કરનાર કયો માનવી જગતમાં સર્જાયો છે ? જેણે જીવનભર પાપ કર્યું ન હોય તે પાપીને પથરો મારે ! કોઈ પથરો ઉપાડવા તૈયાર છે ?

પાપીને તિરસ્કારવાનો ઘમંડ કરનાર મહાપાપી છે. જેમ જેમ સુશીલાના વર્તનનો વિચાર સુમતિને આવતો ગયો તેમ તેમ તેને એમાં ક્ષમાયોગ્ય તત્ત્વો જણાવા લાગ્યાં. કેટલેક દિવસે તેણે પેલા ગુનેગાર વિદ્યાર્થીને પણ ગાળો દેવી મૂકી દીધી.

પ્રસંગ પડતાં બિન-અનુભવી યુવતી પણ વ્યવહારદક્ષ બની જાય છે. રડી થાકીને પડેલી સુશીલાનું માથું ખોળામાં લઈ બેઠેલી સુમતિ ઉપાયો ખોળતી હતી. સહેલામાં સહેલો ઉપાય શો ? સુશીલાને ઝેર આપી મારી નાખવી ?

‘હાય હાય ! એના કરતાં હું ઝેર ન પીઉં ?’

આ ઉપાયોના વિચાર કરતાં જ થથરી ઊઠેલી સ્નેહાળ સુમતિ વધારે બળથી સુશીલાને ચોંટી. તેણે સુશીલાને કપાળે હાથ ફેરવવા માંડયો. પાછળથી નાની પુષ્પા રમતી રમતી આવી, માને ગળે વળગી પડી ને બોલી :

‘બા ! મને ખોળામાં નહિ બેસાડ ?’

‘કેવી અદેખી છે ! સુશીલાને સુવાડી છે તે વેઠાતું નથી, ખરું ?’ સુમતિએ અડધું ઠપકા તરીકે, અડધું હાસ્ય તરીકે પુષ્પાને કહ્યું.

બાળકો પ્રેમમાં વિભાગ સહી શકતાં નથી. પુષ્પાએ કહ્યું :

‘પણ મોટી બહેન કાંઈ મારા જેવડાં છે તે ખોળામાં સૂએ ?’ માના ખોળામાં સૂએ ?’ માના ખોળા તરફ ઘસારો કરતી બાળકીએ કરેલી દલીલનો જવાબ આપવો મુશ્કેલ હતો. બાળકોની દલીલ ઘણીખરી અનુત્તર જ રહે છે.

‘લે ભાઈ ! તું ખોળામાં સૂઈ જા.’ સત્યાગ્રહીને માર્ગ આપવાનું સુશીલાએ વાસ્તવિક ધાર્યું.

‘ના ના, તું સૂઈ રહે. હમણાં કાંઈ કરાર વળ્યો છે તે પાછી રોઈ પડીશ.’ સુમતિએ સુશીલાને સુવાડી રાખતાં જણાવ્યું.

‘મોટી બહેન રડતાં હતાં ? એવડાં મોટાંથી ખોળામાં સૂવા માટે રડાય ?’

આશ્ચર્ય પામી પુષ્પાએ પૂછયું. પુષ્પાને શી ખબર કે માનો અંક તો મરતાં સુધી મીઠો લાગે છે ? બંને જણને હસવું આવ્યું.

‘જા, થોડી વાર રમી આવ.’ સુમતિએ કહ્યું.

‘બા ! આપણે એમ કરીએ તો ? મોટી બહેન તારા ખોળામાં બેસે, અને હું મોટી બહેનના ખોળામાં બેસુ !’ પુષ્પાએ કહ્યું.

મહાન પ્રશ્નોના ઉકેલ બાળકોને સોંપ્યા હોય તો મુત્સદ્દીઓ કરતાં વધારે સારી રીતે ઉકેલી શકે. સુશીલાને પુષ્પા ઉપર વહાલ ઊભરાયું. તેણે પોતાનું દુઃખ ભૂલી તેને પોતાની પાસે ખેંચી લીધી.

સુમતિના મનમાં એક ચિત્ર ખડું થયું. સુશીલાને પોતે ખોળામાં બેસાડે, અણે સુશીલા પુષ્પાને ખોળામાં બેસાડે ? માતાનું વાત્સલ્ય એ અખૂટ અને અનંત ઝરો છે. એક માતા અનેક પેઢીઓના પરિવારની માતા છે. તેનું વિશાળ વાત્સલ્ય એ બધી પેઢીઓને તાત્ત્વિક રીતે ખોળામાં જ સમાવે છે.

‘સુશીલાને તો કાંઈ થાય જ નહિ.’ માતાએ નિશ્ચય કર્યો.

ત્યારે હવે બીજો શો રસ્તો ? સુશીલાના અજન્મા બાળકને જતું કરવું પડે જ. કેવી રીતે ?

સમાજ જેને કંલક કહે છે તેમાંથી બચવા માનવી કેટલાં બીજાં કલંકો વહોરી લે છે ! જગતમાં ધસતા આવતા બાળકને આવતાં પહેલાં જ ઝેર દેવાય છે; એ ઝેરની સામે થઈને પણ તે જન્મે તો તેને ગળે ટૂંપો દેવાય છે ! સુમતિને પુષ્પા યાદ આવી. પુષ્પાને કોઈ ફાંસો દે તો ?

સુમતિની આંખ ફાટી ગઈ. પોતાનો જીવ ભલે જાય પણ પુષ્પાને તો કાંઈ જ થવા ન દેવાય ! તો પછી સુશીલાના બાળકને પણ કેમ મરવા દેવાય ? એ બાળકનો શો અપરાધ ? પુષ્પા જીવવાને પાત્ર કેમ ? અને સુશીલાનું બાળખ મરવાને પાત્ર કેમ ? લગ્નની છાપ એકને રક્ષે છે; એ છાપ સિવાયનાં બધાં જ બાળકો મરવાને પાત્ર છે ! એ કયો ન્યાય ?

‘સુશીલાના બાળકને પણ કાંઈ થાય નહિ.’ સુમતિએ નિશ્ચય કર્યો. સ્ત્રીનો નિશ્ચય એ શક્તિનો નિશ્ચય છે. હસતી, રમતી, બિનઅનુભવી સુમતિ એકાએક અનુભવી અને દક્ષચતુરા બની ગઈ, તેનામાં ડહાપણ આવ્યું, કપટ આવ્યું, કુટિલતા આવી, જુઠાણું આવ્યું. તેણે પતિને અને જગતને છેતરવાનો જબરજસ્ત પ્રયત્ન આદર્યો. સુશીલાને તેણે સફાઈથી સાચવ્યા કરી. લોકોને – ઘરમાં માણસોને પણ – શક ન પડે એવી રીતે યોગ્ય વખતે તે તેને દેવદર્શને લઈ જતી, અગર માંદી પાડતી. પતિને ભોળવીને તેની આંખ આગળથી સુશીલાને દૂર રાખ્યા કરતી. સુશીલાને તો સુમતિ પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ જ હતો; તે પોતાની ભયંકર હાલત સમજી ગઈ હતી.

સારામાં સારો રસ્તો એ હતો કે સુશીલાને વિદ્યાર્થી સાથે પરણાવી દેવી; તેમ ન થાય તો અમાન્ય રીતે જન્મતા બાળકનો સ્વીકાર કરવો એ બીજો સ્પષ્ટ રસતો; પરંતુ એ બંને સ્પષ્ટ અને સારા રસ્તા સમાજે વિકટ બનાવી દીધા હતા. સલાહ આપવી સહેલી છે; તેનું પાલન સલાહ આપનાર માટે પણ મુશ્કેલ છે. વાંકેચૂંકે રસ્તે જવું પડે, કપટ અને જૂઠાણાનો આશ્રય લેવો પડે. પાપને જરા પણ ન ઓળખે એવાં કુમળાં હૃદયને વેશ ભજવવા પડે, એ સમાજવ્યવસ્થા ઉપર જ્વાળામુખીનો રસ ફરી વળવો જોઈએ !

પરંતુ તેમ થાય નહિ ત્યાં સુધી સુમતિ બીજું શું કરે ? વિચારો કરી, ઉપાયો યોજી, થાકી ગયેલી સુમતિના મુખ ઉપર શ્યામતા આવી; તેના વાળમાં આછી શ્વેત લકીર જણાવા લાગી.

બહુ સમયથી ધનસુખલાલને વ્યાપાર અને યાત્રા નિમિત્તે થોડા માસની સફરે સુમતિએ મોકલી દીધા; પુષ્પાના જન્મ વખતે બોલાવેલી દાયણને તેણે પૈસા આપી પોતાની કરી લીધી; એકાદ જૂના નોકરને વિશ્વાસમાં લઈ પૈસા વડે તેનું મુખ બંધ કર્યું; અને વણમાગ્યા બાળકનો જન્મ થતાં તેને ચોધાર આંસુના પ્રવાહ વચ્ચે જગતના એક અંધારા ખૂણામાં વહેવરાવી દીધો. અપર-મા સગી મા કરતાંય વધારે વહાલસોયી નીકળી. સુશીલાની તબિયત થોડા દિવસ સારી નહોતી એ વાતની ખબર સુશીલા સારી રીતે હરતીફરતી થઈ ત્યારે જ લોકોને પડી.

માતૃત્વ અને પિતૃત્વ સરખા નિકટના સંબંધ બીજા કોઈ હોતા નથી. કુદરતના એ આવરણરહિત સંબંધો સૂર્યચંદ્ર સરખા સ્પષ્ટ અને સનાતન છે; સમાજે સ્વીકારેલી ઢબનાં લગ્નથી તે સંસ્કારિત થયા ન હોય તોપણ !

સુશીલાએ એક દિવસ પૂછયું :

‘મા ! એનું શું કર્યું?’

સુશીલા હવે સુમતિને મા કહી એકવચનથી જ સંબોધતી હતી. સુમતિ સમજી ગઈ કે એ કોનો ઉલ્લેખ કરે છે.

‘એ વાત જ ન કરીશ. કશું બન્યું જ નથી એમ માનીને સઘળું ભૂલી જા.’ સુમતિએ સલાહ આપી.

‘ભૂલવા મથું છું, પણએક વખત જોયેલું મોં ભુલાતું નથી.’

‘જન્મતા બાળકનું ઘાટઘૂટ વગરનું મુખ મા સિવાય બીજા કોઈને ગમે એવું – સાંભરે એવું હોતું નથી.’

‘મને કશું જ પૂછૂશ નહિ. થોડી અક્કલ લાવે તો સારું.’ સુમતિને પોતાને પણ એ બાળકનું સ્મરણ દુઃખી બનાવતું હતું.

‘એનું શું કર્યું એટલું જ કહે; પછી હું વધારે નહિ પૂછું.’

‘એને જીવતો મૂક્યો છે. બસ ?’

પરંતુ માતૃત્વમાં ‘બસ’ શબ્દ છે જ નહિ. થોડે દિવસે સુશીલાએ ફરી વાત ઉપાડી :

‘મા ! તું ચિડાય નહિ તો એક વાત પૂછું.’

એ પ્રસંગને ભૂલવાને ભુલાવવા મથતી સુમતિ સમજી ગઈ. તેણે આંખ કાઢી સમજાવી દીધું.

‘ખબરદાર, જો એ વાત કાઢી છે તો ? તારામાં ભાન ક્યારે આવશે ?’

સુમતિ મા બની ગઈ હતી; પરંતુ તે સાથે બહેનપણી મટી નહોતી. માનું વહાલ જ અસહ્ય હોય છે; માના ગુસ્સાને કોઈ જ ગણતું નથી.

‘એમ કાંઈ સમજ રાખ.’

‘ફક્ત એટલું જ કહે કે એને ક્યાં મૂક્યો છે ?’

‘મને ન પૂછીશ; મને કશી જ ખબર નથી !’

છતાંય તેણે ટુકડે ટુકડે હકીકત મેળવી કે જન્મતાં બરોબર એ બાળકને એક ટોપટામાં વ્યવસ્થિત રીતે સુવાડી તેમાં સારી રકમ મૂકી તેને છાનેમાને ગામ બહારના એક ભાગમાં પેલી દાયણ મૂકી આવી હતી.

એ કયો ભાગ હશે ? સુશીલાને પ્રશ્ન થયો; પરંતુ તેનો જવાબ હરગિજ સુમતિએ આપ્યો નહિ.

‘એનું શું થયું હશે ? ‘નામરહિત એ બાળકની ભ્રમણામાં પડેલી સુશીલાએ વળી એકવાર પૂછયું.

‘પ્રભુ એનું રક્ષણ કરે. આપણે જેને મારવા બેસીએ તેને પ્રભુ તો જરૂર બચાવે જ.’

‘એમ ? ત્યારે એ જીવતો હશે ?’

‘હા.’

‘મારાથી જોવાય નહિ ?’

‘જા અહીંથી વેગળી ! જરા લાજતી નથી ?’

શ્શ્શ્શ્મા તરફથી વધારે હકીકત નહિ મળે એવી ખાતરી થતાં સુશીલાએ પેલી દાયણને ફોસલાવવા માંડી. દાયણને સખત હુકમ હતો કે તેણે સુશીલાને કશી જ હકીકત કહેવી નહિ. પરંતુ સુશીલાએ એ આજ્ઞાનું બળ વિનવણીથી અને પૈસાથી ઓછું કરી નાખ્યું. મહામુસીબતે સુશીલાને તેણે બીતાં બીતાં ન ચાલે એટલી હકીકત કહી. તેમાંથી સુશીલાને જણાઈ આવ્યું કે ગામને પાદરે આવેલ એકાંતમાં બાળકને મૂકવા જતાં રસ્તામાં અંત્યજવાસના અંધારા ગૌણમાર્ગનો તેણે ઉપયોગ કર્યો હતો. આખે રસ્તે કોઈ મળ્યું નહિ; પરંતુ અંત્યજવાસની એક શેરી આગળ આવતાં જ કોઈ દૂરથી આવતું દાયણને દેખાયું. ગભરાટમાં એ બાળકને ટોપલા સહ ત્યાં જ મૂકી તે નાસી આવી. એથી આગળ તેને કશી જ ખબર નહોતી.

વૈષ્ણવની દીકરીથી ઢેડવાડામાં કેમ જવાય ? એ ગૂંચવણભર્યા પ્રશ્નનો નિકાલ કરવા સુશીલા મથી રહી. તેણે એ સમયનાં પાછલાં વર્તમાનપત્રો કાઢી વાંચવા માંડયાં, કારણ એ પ્રમાણે રખડતાં મુકાયલાં, જીવતાં કે મરેલાં બાળકોની ખબર વર્તમાનપત્રો દર વખત આપ્યા કરે છે; પરંતુ વર્તમાનપત્રોની એ દિવસોની હકીકતમાંથી કાંઈ પણ વાત મળ નહિ.

પિતા શહેરસુધરાઈમાં સભ્ય હતા; પરંતુ ઢેડ઼ અને ભંગી લોકોના લત્તા જુદા હતા, એ ઉપરાંત સુધરાઈના સંબંધે વધારે માહિતી આપી નહિ. વળીસુધરાઈને ઢેડ લોકો સાથે નહિ; પરંતુ ભંગી સાથે વધારે સંસર્ગ હોય એટલી ચોકસાઈ થઈ. તેથી સુશીલાને સંતોષ થાય એમ નહોતું.

અંત્યજવાસમાં જવાય શી રીતે ? કોઈ કોઈ વખતે ફરવા જતાં તેને અંત્યજમહાલ્લામાં જવાનું અતિશય ખેંચાણ થઈ આવતું; પરંતુ ગાડીવાનને તે શું કારણ આપી શકે? એ મહોલ્લો આવતાં જ તેને અટકી જવું પડતું.

અંત્યજોના ઉદ્વારની વાત વૈષ્ણવ ઘરમાં થાય એવી નહોતી. એક વખત હિંમત કરી સુશીલાએ ધનસુખલાલને કહ્યું :

‘આ બિચારા અંત્યજોને બહુ અન્યાય થાય છે. ઊંચ વર્ણે કાંઈ કરવું જોઈએ.’

સુમતિએ તાકીને સુશીલા સામે જોયું ધનસુખલાલે કહ્યું :

‘એ ફેલમાં તું ન પડીશ. સુધરેલાઓ ઘણા પડયા છે તે ઢેડ સાથે ખાશેપીશે એટલે ઢેડ સુધરી જશે, આપનાથી એ ભ્રષ્ટવેડા ન થાય.’

કોઈ ન સાંભળે એમ સુશીલાએ નિશ્વાસ નાખ્યો. ઢેડને અડકી ભ્રષ્ટ થઈ જતા પિતાનો દૌહિત્ર ઢેડના જ ઘરમાં ઊછરતો હશે તો ?

પોતાના ઘર પાસેથી જતી હલકી કોમની સ્ત્રીએ સાથે વાત કરવા સુશીલા તત્ત્પર રહેતી; પરંતુ પોતે ઢેડ છે એમ કોઈ સ્ત્રીએ કહ્યું નહિ. એક દિવસ થોડી મજૂરણો ઘર આગળ લાકડાં નાખવા આવી; ઘણું ખરું એવી મજૂરણો ઘરમાં પેસીને લાકડાં નાખતી. આ મજૂરણોએ ઘર બહારના આંગણામાં લાકડાં નાખ્યાં. સુશીલાએ કહ્યું :

‘અહીં કેમ નાખો છો ? ઘરમાં નાખો.’

‘અમારાથી ઘરમાં પેસાય ?’

‘કેમ નહિ ?’

‘અમે તો ઢેડ઼ છીએ.’

ઢેડનું નામ સાભળી સુશીલા ચમકી. ‘કોળી, ભોઈ વગેરે જાતમાંથી મજૂરણો મળી આવે છે. આજે ઢેડ કેમ ?’ તેણે પૂછયું. દુકાનદારની સાથે બીજી મજૂરણોને તકરાર થવાથી તેણે અંત્યજ કોમમાંથી સ્ત્રીઓને મજૂરી માટે બોલાવી હતી.

‘તમને કેટલી મજૂરી મળશે ?’ તેણે વાત શરૂ કરી.

‘આટલો ભાર વહી લાવીએ ત્યારે અડધો આનો દુકાનદાર આપે.’

‘એટલામાં શું પૂરું થાય ?’

‘ફેરા વધારે કરીએ. ઘરમાં સાળ ચાલે છે અને થોડુંઘણું મરદ કમાય.’

‘એટલું બસ થાય છે ?’

‘હા; માડી ! બીજું શું કરવું, પૂરું ન થાય તોયે ! ગરીબનાં છોકરાંને કાંઈ ટાઢતડકો લાગવાનો છે ?’

‘તારે કાંઈ છોકરાં છે કે ?’

‘ભગવાને છોકરો એક આપ્યો છે.’

‘મોટો હશે.’ મજૂરણની ઉંમરનો ખ્યાલ કરી સુશીલાએ પૂછયું.

‘ના રે ભા ! ત્રણેક માસનો થયો.’

‘અને એટલામાં તું મજૂરી એ નીકળી ?’

‘છોકરો મારો તો ખરો, પણ એ મારી દીકરીનો દીકરો છે. અણે અમારે શું ? અમે બેચાર દહાડે કામે વળગીએ.’

‘તારી દીકરી પાસે એ નથી રહેતો ?’

‘મારી દીકરી તો નથી.’ આંખમાં આંસુ લાવી એ અંત્યજ સ્ત્રી બોલી, ‘દીકરી હોત તો છોકરો મારે ઘેર શાનો આવત ?’

‘તારો છોકરો મને ન દેખાડે ?’ બીતાં બીતાં સુશીલાએ પૂછયું.’

‘અમારાં છોકરાંમાં, બા ! શું જોવાનું ? એ તે કાંઈ રૂપાળાં છે ?’

‘તારો કિસન તો રડયો નજર લાગે એવો છે.’ બીજી સ્ત્રીએ કહ્યું, ‘કોઈ દહાડો બહાર તો કાઢતી નથી.’

‘એવું કાંઈ નથી; આ બા જેવાં પુણ્યશાળીની નજરે પડે તો છોકરાનો મનખો સુધરી જાય.’

‘ત્યારે જરૂર આજે લેતી આવજે.’

‘હું ભગતને કહી જોઈશ. એમને બહુ વહાલો છે.’

‘ભગત કોણ ?’

‘મારા ઘરમાં છે તે. એમને કૂથલી ગમે જ નહિ. મજૂરી કરવી, ભગવાનનાં ભજન ગાવાં અને હમણાંનો આ કિસનને રમાડવો. ભગવાનનું નામ લેવાય એ માટે એનું નામ કિસન પાડયું.’

‘તારો વર ભજન પણ ગાય છે ?’

‘હા બા ! એનાં ભજન સાંભળીને તો કંઈકે દારૂમાંસ છોડયાં. બહુ જગાએ ધના ભગતને બોલાવે છે.’ બીજી સ્ત્રીએ ભગતનું વધારે ઓળખાણ આપ્યું.

‘ત્યારે તો જરૂર આજે ધના ભગતને મોકલજે. સાથે છોકરાંને પણ મોકલજે; હું ઝભલાં આપીશ.’

આમ ધના ભગત અને કિસનને સુશીલાનો પરિચય થયો. કિસનને જોતાં પહેલાં જ તેણે માની લીધું કે એ જ પોતાનો દીકરો; જોયા પછી તેને દીકરા તરીકે માનવા સુશીલા વધારે લલચાઈ.

ભજન સાંભળવાને બહાને સુશીલા અંત્યજ ભક્તને બોલવાતી તેમાં ધનસુખલાલે કાંઈ ભારે વાંધો લીધો નહિ. ઓટલા નીચે બેસીને ભગત ભજનો ગાતા, અને ઓટલે કે છજે બેસી ધનસુખલાલ સુધ્ધાં ભજનો સાંભળતા. ધીમે ધીમે ભગતને ઓટલે બેસવાનું માન મળ્યું.

સુશીલાએ હવે જગતવ્યવહારને સમેટી લઈ ઈદ્રિયોના નિગ્રહમાં જ મન પરોવવા માંડયું. તેમાંયે આ પ્રસંગ પછી ચારેક વર્ષે સુમતિ ગુજરી ગઈ.

‘સુશીલા ! તું છે એટલે મને મરતાં દુઃખ નથી થતું.’

‘કોણે કહ્યું કે તને મંદવાડ નહિ મટે ? એવું એવું ધારી બેસીશ નહિ.’ સુશીલાએ માતાને ધમકાવી.

‘હું સમજું ને ! હશે, એ વાત જવા દે. પણ હું તને કહી રાખું છું. આજ નહિ ને ચાર વર્ષે હું ન હોઉ તો પુષ્પા સાચવજે. તને સાંભરે છે તે દિવસે એણે કહ્યું હતું તે ? ત્યારથી એ તો તારે ખોળે જ છે.’

પુષ્પાને સુશીલા જ સંભાળતી હતી. મા કરતાં મોટી બહેનની માયા તેને વધારે થઈ ગઈ હતી. છતાં સુમતિએ મરતી વખતે પુષ્પાની ભાળવણી કરી. સુમતિ જતાં સુશીલાના જીવનમાં કડક વૈરાગ્યે પ્રવેશ કર્યો. દેહદમન અને આત્મસંયમ ઉપર તેણે ભવિષ્યનું જીવન રચ્યું. તે તપસ્વિની બની ગઈ. પરંતુ માનવમૃદુતાના અખૂટ ધોધ માત્ર બે વ્યક્તિઓનાં સ્મરણ અને દર્શન થતાં વહી જતાં : એક પુષ્પા અને બીજો કિસન.

વળી લગભગ ભુલાઈ ગયેલો પેલો શિક્ષક-વિદ્યાર્થી દેવ માટે નિર્માયલાં પુષ્પચંદનની સુવાસમાંથી ક્વચિત્ પ્રગટી નીકળતો, અને દેવને સ્થાને ધ્યાનના કેદ્ર તરીકે ગુપચુપ બેસી જતો.

બે વર્ષ ઉપર જનાર્દન નામના એક સાધુચરિત પુરુષે શહેરમાં આશ્રમ સ્થપ્યો એવી હકીકત સશીલાએ વર્તમાનપત્રોમાં વાંચી અને લોકોને મુખે સાંભળી, ત્યારે તેને વિચાર આવ્યો કે કાંઈ નહિ તો પુષ્પાને એ આશ્રમ સાથે સંબંધમાં આવવા હરકત ન કરવી જોઈએ. તે કોઈ કોઈ વખત જનાર્દનને જોવા પણ ઇચ્છા રાખતી; પરંતુ પુરુષવર્ગ પ્રત્યેના અસાધારણ તિરસ્કારને લીધે તેણે એ ઇચ્છાને બળથી દાબી રાખી, પરંતુ જ્યારે એ જનાર્દન ઘવાઈને તેના ઘરમાં આવે તે પ્રસંગે પણ તેને ન જુએ એટલી માનસિક સ્થિરતા તેને સિદ્ધ થઈ નહોતી. તેણે જનાર્દનને ખાટલા ઉપર બેભાન સ્થિતિમાં જોયો અને ઓળખ્યો. એ જ પેલો શિક્ષકવિદ્યાર્થી ! તેનું નામ પણ જનાર્દન હતું તે સુશીલા કદી કેમ ભૂલે ?

સુશીલાના પગ ત્યાંથી ખસી શક્યા નહિ. કેમ ખસે ? પંદર પંદર વર્ષથી નિદ્રા અને ધ્યાનને સ્ખલિત કરતું મુખ ફરી દેખાયું – ઓળખાયું – પછી પગમાં બ્રહ્માંડનો ભાર ન લાગે તો બીજું શું થાય ?