દિવ્યચક્ષુ/૩૦. સ્નેહસ્ફોટન

૩૦. સ્નેહસ્ફોટન


તેને માંડવ તેજનાં પુષ્પો,
તેજનું મંદિર રસનું વડું;
તેજની વેલી ઝુલાવે ઝુલો નિજ,
અંતર મારુંય ઝીલે ચડ્યું.

–લોકોક્તિ

સુધરેલી રંજનને મુખે રાધાકૃષ્ણના પ્રેમનું સાદા રાહવાળું ગીત સાંભળી પર વૈષ્ણવ ધનસુખલાલ તો રાજીરાજી થઈ ગયા. રંજન પ્રત્યે તેમને સદ્ભાવ થયો અને સુધરેલા લોકો પ્રત્યેનો સામાન્ય અણગમો સહજ ઓછો થયો.

‘રંજન ! તારા કંઠમાં તો અમૃત ભર્યું છે, અને તેમાંય ભગવાનનું નામ આવે, પછી વાત શી કરવી ? વાહ !’ ધનસુખલાલે પ્રમાણપત્ર આપ્યું.

સહુ કોઈ રંજનના ગીતથી મુગ્ધ બની ગયા હતા. અરુણ તો એ ગીતમાંથિ કંપ અનુભવતો હતો. તેને સંગીતનો પરિચય નહોતો. સારા કંઠવાળું કોઈ માનવી ગાય તો સામાન્ય મનુષ્યને ફૂરસદને સમયે તે સારું લાગે, એવી તેની સંગીત પ્રત્યે વૃત્તિ હતી. આજનું સંગીત તેને કંપાવતું હતું – તેના હૃદયમાં આહ્લાદની ઊર્મિઓ ઉપજાવતું હતું.

સ્ત્રીઓ ગાયા કરે તો કેવું ! આટલા જ માટે પ્રભુએ તેમને સંગીતભર્યો કંઠ તો નહિ આપ્યો હોય ?

પ્રભુનો વિચાર આવતાં તે જરા અટક્યો. તેના મનમાં વિરોધ જાગ્યોઃ ‘મને પણ આ ભગતડાંનો ચેપ લાગ્યો કે શું ?’

ધનસુખલાલે આગ્રહ કરી રંજન પાસે વધારે ગીત ગવરાવ્યાં. રંજનને શાસ્ત્રીય સંગીતનો શોખ હતો એ વાત ખરી; પરંતુ તેથી ગરબા, ગરબી અને ભજનો ગાવામાં તે નાનમ સમજતી નહિ. શાસ્ત્રીય સંગીતને લીધે કેળવાઈ રહેલો તેનો કંઠ સાદા ગીતમાં પણ અજબ રણકાર અને માધુર્ય પૂરતો, રંજનનાં સૂર-આંદોલનો સહુને નિદ્રામાં પણ મધુરો વિક્ષેપ ન પાડતાં. મધુર વિક્ષેપ પડયો માત્ર પુષ્પાને. અગર એમ પણ કહી શકાય કે તેને આખિ રાત સતત વિક્ષેપ રહ્યો. રાતમાં રંજને તેને પૂછયું :

‘પુષ્પા ! આ મધરાતે શું લઈને બેઠી છે?’

‘કાંઈ નહિ; મને અત્યારે ઊંઘ નથી આવતી.’

પુષ્પા કાગળ, રંગ અણે પીંછીઓ લઈ કાંઈ ચિત્ર દોરતી હતી.

રંજનને પણ ઊંઘ આવતી હોય એમ લાગ્યું નહિ. એક કલાક રહીને ફરી તેણે પૂછયું :

‘પુષ્પા ! હજી જાગે છે ?’

‘હા; આંખ મીંચાતી જ નથી.’

‘એવું શું ચીતરવા બેઠી છે ?’ એમ કહી રંજન પથારીમાંથી ઊઠી પુષ્પા પાસે આવી.

‘તને બતાવવું જ નથી !’ કહી પુષ્પાએ હસતાં હસતાં કાગળ ઉપર હાથ ધર્યો. એ હાથને ખસેડી નાખતી રંજન બોલીઃ

‘ચાલ ચાલ, જોવા દે. તારાં ચિત્રોનું તો હવે એક પ્રદર્શન ભરવું જોઈએ.’

‘કાંઈ સારું નથી. ક્યારની મથું છું પણ એ ભાવ આવતો જ નથી.’

પુષ્પાએ અસંતોષ બતાવ્યો.

‘વાહ ! આંખે ઊડીને વળગે એવું તો છે ! રાધાકૃષ્ણ કેવા સુંદર કાઢયાં છે. ! Orthodox fashion નથી.’

‘તારા સંગીતનું સૌંદર્ય ચિત્રમાં ઊતરતું નથી. તારું આખું ગીત મારે ચિત્રમાં આલેખવું છે; પરંતુ ચિત્રના ટુકડા પાડયા વગર બધા ભાવ આવી શકે નહિ.’

‘એ તો કાંઈ હું સમજું નહિ. હું એટલું જાણું કે સંગીત ક્ષણજીવી અને ચિત્ર ચિરંજીવી.’

પુષ્પાએ આ બે કલાનો ભેદ વિચારી જરા સ્મિત કર્યું અને કહ્યું :

‘હું નથી ધારતી કે તારાં ગીત ભુલાઈ ગયાં હોય.’

‘પણ પુષ્પા ! તું પુરુષનાં મુખ ચીતરે છે તે કોના model – નમૂના ઉપરથી ?’

પુષ્પા જરા ચમકી. પછી તેણે ભ્રમરોને જરા સંકેલી લીધી અને કહ્યું :

‘મારે તો model છે જ નહિ. કલ્પનામાં આવે તે model.’

‘તારી કલ્પનામાં અરુકાન્ત જ હમણાંના આવે છે, નહિ વારુ ?’

‘જા, જા ! તારે મશ્કરી સિવાય બીજું કામ નથી.’

‘હું મશ્કરી કરતી નથી. હું તારી આંખમાં જ એ નમૂનો જોઉ છું. તું અરુણકાન્તે ચાહે છે !’

ના કહેવી હોય તો જ આવા પ્રશ્નોના ઉત્તર સીધા આપી શકાય. સુધરેલી રંજન તો આવું સહજ બોલી શકતી; પરંતુ પુષ્પાની કેવળણી તેને સ્નેહ અને પ્રેમ જેવા શબ્દોનો ઉચ્ચાર કરતાં પણ રોકતી. એવી વાતમાં તેને અસભ્યતા લાગતી. તેણે જવાબ આપ્યો :

‘આવું આવું બોલે છે તે મોટીબહેન સાંભળશે તો તને અને મને મારી નાખશે. ચાલ, સૂઈ જા મને થાક લાગ્યો છે; હુંય પથારીમાં પડું છું.’

બંને જાણી પથારીમાં સૂતી. ઘણી વખતે જાગૃત જીવન કરતાં સ્વપ્નજીવન વધારે મધુર હોય છે. જાગૃતાવસ્થામાં આપણી ઇચ્છા ફળીભૂત થાય તો એવી વિકૃતિ પામીને કે ફળીભૂત થવાનો આનંદ તેમાંથી ચાલ્યો જાય છે. સ્વપ્નમાં ભૌતિક પ્રકૃતિની જડતા ઓગળી જાય છે, એટલે પંચતત્ત્વો આપણી ઇચ્છાને અનુકૂળ બની જાય છે. સ્વપ્નમાં પ્રકાશ સર્વદા શીળો હોય છે; પવનની લહરી સ્વપ્નશીલને તેની ધારણા પ્રમાણે ઊડવા દે છે; અને સ્થૂળ પર્વતોની દીવાલો પણ તેને માર્ગ આપે છે. અનુકૂળ સ્વપ્ન માણ્યા પછી યોગસિદ્ધિમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે.

ખરું શું હશે ? જાગૃત કે સ્વપ્ન ? અને આ જાગૃતાવસ્થા પણ કોઈ અન્ય અવસ્થાનું સ્વપ્ન હોય તો ?

રંજનને અને પુષ્પાને શાં સ્વપ્નાં આવ્યાં હશે તે તો તેમને ખબર; પણ ઉજાગરો કર્યો છતાં પણ રંજન બહુ વહેલી ઊઠી. તેણે જોયું કે પુષ્પા હજી સૂતી છે. પ્રભાતનું ઝાંખું અજવાળું જગતને પ્રાતઃસ્નાન કરાવતું હતું. એ અજવાળામાં બારીએથી ડોકું કાઢતાં રંજને એક માણસને સાઈકલ ઉપર બેસી ઘરના બારણા પાસે ઊતરતો જોયો. ઓટલે એક નોકર ઊંઘતો હતો, તેને ઉઠાડવાનો પોલીસ વિચાર કરતો હતો, એટલામાં જ રંજને ઊતરી આવી બારણું ખોલ્યું અણે પેલા માણસને પૂછયું :

‘કોનું કામ છે ?’

‘હું ચેતવણી આપવા આવ્યો છું. અરુણ, કંદર્પ અને જનાર્દન ઉપર પકડહુકમ નીકળ્યા છે.’

‘તમને કોણે મોકલ્યા ?’

‘મેજિસ્ટ્રેટ સાહેબે. પોલીસ અત્યારે જ હુકમ લઈ ગઈ છે, અને સૂર્યોદય થતાં તે બજાવશે.’

‘મેજિસ્ટ્રેટ હુકમ આપે અને પાછા ખબર પણ આપો ?’

‘કોઈને કહેશો નહિ. અરુણ અને મેજિસ્ટ્રેટ બંને મિત્રો છે. એ તો માત્ર ખબર આપી કે જેથી બધા તૈયાર રહે.’

આટલું બોલી પેલો માણસ સાઇકલ ઉપર ચડી પાછો ફર્યો.

રંજન ઉતાવળી ઉતાવળી ઘરમાં આવી, અને અરુણ જે ઓરડામાં સૂતો હતો તેમાં ગઈ. અરુણના મુખ પર અસ્પષ્ટ સ્મિતની છાયા રમતી હતી. એ પણ કોઈ આહ્લાદપ્રેરક સ્વપ્ન નિહાળતો હોય તો ? એને જગાડવો શી રીતે ? બૂમ પાડીને ? ઢંઢોળીને ? બીજું કોઈ હોત તો રંજન જરૂર તેમ કરત; પરંતુ સ્મિતમાં રમમાણ થયેલા અરુણના મુખને જાગ્રત કરવા એક કુમળો ઉપચાર રંજનને જડી આવ્યો.

રંજને ખાટલા પાસે ઘૂંટણ ઉપર બેસી નીચે વળી અરુણના બિડાયેલા હોઠ ઉપર ચુંબન કર્યું. અને ઝડપથી ઓરડામાં ચારે પાસ નજર નાખી. ઓરડામાં બીજું કોઈ ન દેખાયું.

અરુણનું સ્મિત વધારે પ્રફુલ્લ થયું. તેનો આનંદ વધારે ગાઢ બન્યો, અને આસાએશથી તેણે આંખ ઉઘાડી; પરંતુ આંખ ઉઘાડતાં બરોબર તે ચમકીને બેઠો થઈ ગયો. સ્વપ્નને જાગ્રત દશામાં ચીતરાતું નિહાળી તેનું મન આશ્ચર્યચકિત થઈ ગયું ખાટલા ઉપર હાથ ટેકવી જમીન ઉપર ઘૂંટણે બેસી પોતાને નિહાળતી રમતિયાળ રંજન સાચી કે સ્વપ્નમય ?

તેણે પોતાની આંખ ઉપર હાથ ફેરવ્યો. તેને સ્વપ્ન આવ્યું હતું એ પણ ખરું અને તે હવે જાગ્રત થયો છે એ પણ ખરું. સ્વપ્નમાં તે રંજનને નિહાળતો હતો એ પણ ખરું અને જાગ્યા પછી પણ સ્વપ્નમાં જેમ બેઠી હતી તેમ જ રંજનને બેઠેલી જુએ છે એ પણ ખરું. ત્યારે ચૂમ્યું કોણ ? સ્વપ્ન-રંજન કે જાગૃત-રંજન ?

અગર સ્વપ્નનો છેડો આવતાં જાગૃતિના પ્રથમ પ્રસંગને સ્વપ્ને જતાં જતાં પોતાનામાં ખેંચી લીધો હતો તો ? એવું કેટલીક વખત બને છે પણ ખરું !

‘કેમ ચમકો છે ?’ રંજને લટકભેર પૂછયું. રંજનની લટક અરુણના હૈયામાં કોતરાઈ ગઈ.

‘અમસ્તો જ.’

‘જાગતાં પહેલાં તો હસવું આવતું હતું ! તમારું કોઈ સ્વપ્ન મેં ભાગ્યું કે શું ?

રંજને સ્વપ્ન ભાંગ્યું નહોતું. તેણે તો સ્વપ્ન જાગૃત સાથે જોડયું હતું ! એ ખરું કે ખોટું ? અરુણને સમજણ પડી નહિ. અરુણ રંજનને ચાહે એ બને ? તે રંજનને ચાહતો હતો એવો તેને કેટલાક દિવસથી વહેમ હતો; એ વહેમ દિવસે દિવસે દૃઢ બનતો ગયો. રંજને ધ્વજ રોપ્યો સાંભળ્યું ત્યારથી તેની નજર આગળથી રંજન ખસતી જ નહિ. ગઈ રાત્રે તેનું ગીત સાંભળી, ગીત ગાતાં ગાતાં તેના મુખ ઉપર રમી રહેલી સૌંદર્યરેખાઓ નિહાળી, તેને રંજનની ઘેલછા લાગી. આખી રાત રંજનનાં જ સ્વપ્ન તેને આવ્યાં કર્યાં, એ જ રંજન આખી રાત સ્વપ્નમાં સાથે રહી, પાછી જાગૃતાવસ્થામાં પણ સામે જ બેઠી છે ! એ સ્વચ્છદી છોકરી કોઈને પણ ચાહે ખરી ? કોઈને ચાહે પરંતુ અરુણ સરખા ફકીરને ચાહીને એ શું કરે ?’

‘હજી ચમક નથી મટી ? હું તો હજી વધારે ચમકાવનારો સંદેશો લાવી છું !’

અરુણે વિચારમાં પડી જવાબ ન આપ્યો એટલે રંજને પાછું પૂછયું. એ શો સંદેશો લાવી હશે ? આથી વધારે ચમકાવનારું શું હશે ? અરુણે જવાબ આપ્યો :

‘ચમક તો કશી નથી… પણ…તમે શો સંદેશો લાવ્યાં છો ?’

‘તમારે માટે વૉરંટ નીકળ્યું છે.’ રંજને કહ્યું.

‘ઓહો ! એ જ ને ? હું તો તેની રાહ જ જોતો બેઠો છું.’ અરુણને એ સંદેશામાં કાંઈ મહત્ત્વનું લાગ્યું નહિ.

‘ત્યારે હું જનાર્દન અને કંદર્પભાઈને પણ સંદેશો પહોંચાડું. સૂર્યોદય થતાં બરોબર બજશે. હવે તૈયારી જ છે !’ રંજન એટલું કહી ઊભી થઈ.

પોતાની પાસેથી રંજન જાય એ અરુણને ગમ્યું નહિ. પકડહુકમની વાત સાંભળી તેનું હૃદય જરાય હાલ્યું નહિ; પરંતુ તે પહેલાંની મૂંઝવણ તેને હજી અસ્થિર બનાવી રહી હતી. રંજને એકબે ડગલાં ભર્યાં એટલામાં અરુણે પૂછયું :

‘મને જગાડયો, ખરું ?’

‘હા; કેમ ?’

‘હું તે વખતે જાગતો હતો ?’

રંજનના મુખ પર રાતા શેરાડા પડયા. ઊંઘતા માણસને જગાડવાના અનેક ઉપાયો છે. કયા ઉપાયથી અરુણને જગાડયો તે જાણવાની અરુણને શી જરૂર ? કે પછી જાગતા સૂઈ રહેલા અરુણે રંજનને ચૂમતા પકડી હતી ?

‘મને શી ખબર ? મને લાગ્યું કે તમે ઊંઘમાં હસતા હતા.’

‘પણ જગાડયો શી રીતે ?’

રંજનને ખાતરી થઈ કે અરુણને ચૂમી લીધી હતી તે અરુણ જાણતો હતો. તે ક્ષણભર વિલાઈ ગઈ; માથેથી છેડો ખસી ગયો હતો તે તેણે માથા પર ઢાંક્યો – જરા આગળ પડતો ઢાંક્યો અને એક હાથની બંગડી બીજા હાથે સહેજ ફેરવી.

એકાએક હૃદયધબકારાને અટકાવી પોતાની સ્વાભાવિક ઉચ્છ્ખંલતા પાછી ધારણ કરી રંજને જવાબ આપ્યો :

‘તમે ચોટ્ટાઈ શીખવા માંડી, ખરું ? જાણીને પૂછવું છે ? અંહં. જુઓ મેં તમને આમ જગાડયા હતા !’

કહી દૂરથી તેણે આંગળી હોઢ ઉપર મૂકી બુચકારો બોલાવ્યો. સાથે સાથે તેણે મુખના અર્ધભાગ આગળ લુગડાનો છેડો તાણી લીધો અને ત્યાંથી ઝડપ કરીને પાછી ચાલી.