દિવ્યચક્ષુ/૩૭. અગ્નિસ્નાન

૩૭. અગ્નિસ્નાન

શીળા અગ્નિની ઉપર ચાલવું રે લોલ !
ફૂલ ફૂલ તો પડીને એ ફાલવું રે લોલ !
−ન્હાનાલાલ

ત્રણ કલાક પૂર્વે તો રંજને ત્યાં પૂર્ણ શાંતિ જોઈ હતી. સમજણનો ભરેલો માનવી મોટેભાગે ન સમજાય એવાં જ કાર્યો જ કરે છે. અરુણ તેની નજરે પડવાનો હતો જ નહિ ત્યારે અરુણને વીંટળાઈ વળેલી દીવાલોને નીરખવાથી શું વળે એમ હતું ? અરુણ પણ દીવાલની પર નજર નાખતો હતો; બે દિવસથી નજરે ન પડેલી રંજન તરફ તેની દૃષ્ટિ દોડયા કરતી હતી; પરંતુ તેની સ્થૂલ દૃષ્ટિને દેખાયું નહિ કે રાત્રિની શાંતિમાં રંજન તેની કેદની દીવાલોમાંથી તેને નીરખ્યા કરે છે. એ વખતે અરુણ તો જનાર્દન અને કંદર્પ સાથે હિંસા-અહિંસાની ફિલસૂફી ચર્ચતો હતો.

‘હિંસા વગર હિંદ સ્વતંત્ર ન જ થાય.’ કંદર્પે વાદ કર્યો.

‘તો ભલે એ પરતંત્ર રહે; રુધિર-રંગી સ્વાતંત્ર્ય વગર હિંદને ચાલશે.’ જનાર્દને કહ્યું.

‘એ તમારા વિચારો. પણ નવું હિંદ તો સ્વાતંત્ર્ય ઝંખી જ રહ્યું છે. અહિંસાથી મળતું હોય તો મેળવો; ન મળે ત્યારે અમને કહેજો; અમે તો હિંસાથી પણ સ્વાતંત્ર્ય મેળવવા તૈયાર છીએ.’ કંદર્પે કહ્યું.

‘હિંસા વગર સ્વાતંત્ર્ય મળ્યું હોય એમ ઈતિહાસ તો કહેતો નથી.’ અરુણે કંદર્પનો પક્ષ લીધો.

‘ઈતિહાસ તો માત્ર હકીકત લખે. એનો બોધ આપણે તારવવાનો હોય છે. ભૂતકાળમાં નથી બન્યું એ ભવિષ્યમાં પણ નહિ બને એમ કહેવું એ ઈતિહાસને અન્યાય કરવા સરખું છે.’ જનાર્દને જવાબ આપ્યો.

‘માનવહૃદયમાં એવું શું છે કે જેના ઉપર આપણે શ્રદ્ધા રાખી શકીએ ? ભય વગર કોઈ કશું આપે નહિ.’ કંદર્પે કહ્યું.

‘તું કયા ભયથી આ કેદમાં આવ્યો ? ફાંસીએ ચડવાની તૈયારી છે એમ તું કહે છે; એ તારો કયો સ્વાર્થ સાધવા ? તારો જીવ તું કોના ભયથી આપવા નીકળ્યો છે ?’ જનાદને પૂછયું.

‘ભયથી નહિ, તોપણ સ્વાર્થથી ખરો જ.’

‘શો સ્વાર્થ ?’

‘દેશને સ્વતંત્ર કરવાનો.’

‘એમાં તને શું મળશે ? તે મળતાં પહેલાં કદાચ તું ફાંસી પણ મેળવે. તારા મૃત્યુ પછી મળેલું સ્વતંત્ર્ય તને શું કામનું?’

‘મારા ભાઈઓ ભોગવશે.’

‘તારે ભાઈ છે કે ? હું તો ધારું છું કે તું તારાં માતાપિતાનો એકનો એક પુત્ર છે.’

‘હું સગા ભાઈની વાત કરતો નથી; મારા દેશબાંધવો એ બધાજ મારા ભાઈ.’

‘એ તારો દેશ ક્યાંથી આવ્યો ?’

‘મારા ભાવમાંથી.’

‘જે ભાવથી તેં તારા ઘરને વિશાળ બનાવી ભારતવર્ષની હદે ભેળવી દીધું; તેમાં કાંઈ માણસો મારવા પડયાં હતાં કે?’

‘અલબત્ત નહિ. તમે શું કહેવા માગો છો તે હું સમજતો નથી.’ કંદર્પે ગૂંચવાઈને કહ્યું.

‘જનાર્દન એમ પુરવાર કરવા માગે છે કે દેશને પોતાને માનવામાં હિંસા કરવી પડતી નથી, એ ખરું; પણ એ જ પોતાના દેશને બેડીમાં પુરનાર પરદેશીઓનું શું ?’ અરુણે પુછયું.

‘હું પણ એ જ પૂછવા માગું છું; જે ભાવનાએ તારા ઘરને તારા દેશ સાથે સમ-મર્યાદિત કર્યું તે જ ભાવનાને હજી વિશાળ કરીએ તો ?’

‘કદાચ એશિયાઈ ભાવના ઉપજાવી શકીએ.’ અરુણે કહ્યું.

‘એ પગલું વાસ્તવિક છે. ભૂગોળ અને સંસ્કારના સીમાબંધનો છેક કાઢી નખાય એવાં નથી. પણ એટલું ભર્યા પછી બીજે પગલે આપણે આખી પૃથ્વીને પોતાની ન કરી શકીએ ? આપણે દેશાભિમાની થઈ એશિયાભિમાની થઈએ, તો પછી એ અભિમાનમાં પૃથ્વીને સમાવતાં વાર શી ? ગુજરાતી હોઈને આપણે હિંદી ગણાવામાં વાદ લઈએ છીએ; હિંદી હોઈને એશિયાની સંસ્કૃતિનાં અભિમાનમાં પણ આપણે ભળી શકીએ છીએ; તો માનવી તરીકેનું અભિમાન આપણને શા માટે અશક્ય લાગે છે ?’

‘તો એમ જ કહો ને કે આપણે અંગ્રેજોનું રાજ્ય આપણા ઉપર કાયમ રખાવવું !’ કંદર્પે જરા રીસથી કહ્યું.

‘હું તો એમ ઈચ્છું છું કે કોઈ કોઈના ઉપર રાજ્ય કરે જ નહિ. સહુ કોઈ રાજીથી ભેગા મળ જગતવ્યવહાર ચલાવે.’

‘તેવું આપણને કોઈ કરવા દે છે ? આપણા દેશમાં જ આપણે રાજી છીએ કે નહિ તે કોઈ પૂછતું નથી, બાકી જગતવ્યવહાર તો ક્યાં રહ્યો ?’

‘એટલા માટે તો આપણે સ્વતંત્રતા માગીએ છીએ. માગ્યું ન આપ્યું એટલે હવે તેમનું તંત્ર નિરર્થક કરી નાખવા મથીએ છીએ.’

‘તે હિંસા વગર બનવાનું નથી.’

‘એ જ હિંદે કરી દેખાડવાનું છે. હિંસા વગર એટલે દુશ્મન બન્યા વગર કેમ લડી શકાય તે હિંદ બતાવશે. એટલે માનવીના મહારાષ્ટ્રનો પાયો નખાશે.’

‘પણે શાનું અજવાળું દેખાય છે ?’ વાતમાં અરુણે વચ્ચેથી જ પૂછયું. સહુનું લક્ષ બીજી પાસ ગયું. ત્રણે ચમકીને ઊભા થયા.

આ કેદીઓને સામાન્ય કોટડીઓમાંથી ખસેડી મકાનના એક ઓરડામાં રાતવાસો આપ્યો હતો. ધનસુખલાલ તથા કૃષ્ણકાંતની તેમાં ઘણી મહેનત હતી, અને નૃસિંહલાલ તથા અરુણના પિતા સરખા સરકારી નોકરોએ પણ પોતાનાં બાળકો કેદખાને આરામ પામે એવું દબાણ કર્યું હતું. એટલે ઉપરના માળે ઑફિસની બાજુમાં આવેલા હવા-અજવાળાવાળા એકાંત ઓરડામાં તેમને વસવાટ મળ્યો હતો.

એ ખાલી ઓરડાની આગળ ખુલ્લી અગાશી હતી. અને અગાશીની પાર કારાગૃહના અમલદારને રહેવાના ઓરડા હતા. અગાશીનો ભાગ જાળીઓથી બંધ હતો. ઑફિસ અણે તેમની ઓરડી વચ્ચે એક ખાલી ગલી જેવો ભાગ હતો, જે બંધ કર્યાથી આરોપીઓ કેદી બની જતા હતા. અગાશીની ઉપર પડતી એક બારીમાંથી એક ભડકો દેખાયો.

જાળી આગળ આવી ત્રણે જણે જોયું તો આછી ધૂણીમાં ઢંકાયેલો અગ્નિ થોડો ઊંચે ચડતો હતો.

‘શું બળતું હશે ?’

‘કોઈ પાસે છે કે નહિ ?’

આમ પ્રશ્નો તેમણે પરસ્પર પૂછયા. અને ત્યાં ઊભા ઊભા તેઓ જોવા લાગ્યા.

આખી દુનિયા સૂતી હતી. અગ્નિ પણ ઓલવાઈ જશે એમ તેમને આશા હતી; પરંતુ અગ્નિએ બીજી બારીએથી ડોકિયું કર્યું.

‘કોઈ નથી કે શું ?’ જનાર્દન બોલી ઊઠયા.

‘જરૂર આગ લાગી.’ અરુણે કહ્યું.

‘અરે સિપાઈ ! પહેરેગીર !’ કંદર્પ બૂમ પાડી ઊઠયો.

નીચેથી બદલાયેલા ચૉકીવાને ‘આલબેલ’ આપી પરંતુ તે કંદર્પની બૂમના જવાબમાં નહિ. એ બૂમ નીચે પહોંચે એમ હતું જ નહિ. લાકડે લાકડે કૂદતા અગ્નિએ ઉપરનીચે ફેલાવા માંડયું.

‘રસ્તા ઉપર કોઈ જોતું નહિ હોય ?’ કંદર્પ અકળાયો.

‘આખો માળ બળી જશે તોય નીચેના સિપાઈઓને ખબર પડશે નહિ. બહુ અજબ રીતે આગ લાગી છે.’ જનાર્દને કહ્યું.

‘એટલે એનો આરોપ પણ આપણે માથે જ આવશે ને ?’ તિરસ્કારપૂર્વક હસીને કંદર્પ બોલ્યો.

‘છો આવે! આખો દેશ સળગાવી મૂકવાના આરોપ આગળ એક મકાન સળગાવ્યાનો આરોપ શા હિસાબમાં ?’ અરુણે કહ્યું.

સામે મકાનમાંથી ઝીણી ચિચિયારી સંભળાઈ.

‘અરે, કોઈ છોકરું છે !’ કંદર્પ બોલી ઊઠયો. તેના મુખ ઉપર દૃઢ નિશ્ચય તરી આવ્યો. તેણે જાળીને એક ધક્કો માર્યો. મજબૂત લોખંડી સળિયા તેને ચીડવતા સ્થિર રહ્યા.

અરુણનું મુખ પણ એવું જ સખત બની ગયું. તેણે ઘેરે અવાજે કહ્યું: ‘કંદર્પ ! જાળી તૂટે તો જ આપણે છૂટી શકીએ. અંદર કોઈ બાળક રૂંધાઈ જાય છે.’

અરુણે પણ બળ કરી જાળીને ખેંચી. જાળી જરાક પણ ખસી નહિ. ત્રણે જણે જાળી ઉપર બળ અજમાવ્યું; એક-બે સળિયાને જરા વાળ્યા. પણ તેમાંથી માર્ગ કેમ બને ? બીજા બારણાંને જોરથી લાત મારી; પરંતુ સરકારી મકાનોનાં બંધ બારણાં ઝટ ખૂલે એવાં હોતાં નથી.

બાળકની ચીસ ફરી સંભળાઈ. જનાર્દન અદબ વાળી ઊભા; પરંતુ કંદર્પની ઉગ્રતા વધી ગઈ. તેણે જાળી પાસે આવી ભયંકર રીતે દાંત પીસ્યા અને બે હાથે જાળીને હચમચાવી નાખી. તે એવો જ બીજો પ્રયત્ન કરવાની તૈયારીમાં હતો, એવામાં પાસે ઊભેલા અરુણે જોરથી જાળીને ધક્કો માર્યો; જાળીનું ચોકઠું જ ભીંતમાંથી ખસી ગયું. બીજે ધક્કે જાળી નીચે પડી અને કેદીઓ બંધનમાંથી છૂટયા. કાયદાની દૃષ્ટિએ તેમણે એક વધુ ગુનો કર્યો.

બહારથી આછો કોલાહાલ સંભળાવા લાગ્યો.

‘હું અહીં જ રહીશ.’ જનાર્દને કહ્યું.

‘હા, જી. અમે જરા જોઈને પાછા આવીએ છીએ.’ અરુણે કહ્યું.

‘હા, જલદી કરો.’ એમ જનાર્દને કહ્યું અને બંને યુવકો ઓરડાની બહાર અગાશીમાં નીકળી ગયા. સામેની બારીમાંથી અગ્નિ દેખાયા કરતો હતો. એ બારીમાં કેમ પેસવું તેની યુક્તિ શોધવા એ યુવકોએ અગાશી અને મકાનની ભીંત વચ્ચે ઊભો કરેલો એક લોખંડનો થાંભલો જોયો. એ થાંભલા ઉપરથી સામેના મકાનનું જાળિયું (ventilator) પકડી શકાય એવું હતું. અરુણ થાંભલા ઉપર ચડી ગયો; તેની પાછળ કંદર્પ પણ આવી પહોચ્યો. જ જાળિયાના મોટા કાચના બારણાને બળથી ઉથલાવી તેમણે અંદર જોયું આજુબાજુ બધે જ અગ્નિ સળગી ઊઠયો હતો; માત્ર તેમની નીચે આવેલો થોડો ભાગ અગ્નિની ઝાપટમાં આવ્યો નહોતો. બંને જણ ઓરડામાં કૂદી પડયા. તેની સાથે જ એક સાત વર્ષનો ગોરો છોકરો એ બંને જણને બાઝી પડયો.

‘મને બચાવશો ?’ મીઠા દયામણા અવાજે તે બાળકે પૂછયું. તેની આંખમાં મૃત્યુનો ભય દેખાતો હતો. તે પોતાનું અડધું ભાન ભૂલી ગયો હતો. માનવીને જોઈ બાળકને આશા ઊપજી અને તેણે રક્ષણ માગ્યું.

રક્ષણ માગનારને રક્ષણ ન આપનાર માનવીની જડ જગતમાંથી ઊખડી જવી જોઈએ. બંનેનાં હૃદયમાં માનવતાનો મહાસાગર ઊભરાયો. અરુણે તેને ઊંચકી લીધો અને પાસે દેખાતી સીડી તરફ તે વળ્યો. સીડી આગળ પહોંચતાં જ તેમાંથી એક મોટી ઝાળ ભભૂકી ઊઠી, અને અરુણ પાછો હટયો.

‘આપણે આવ્યા તે જ રસ્તે એને લઈ જઈએ.’ કંદર્પે કહ્યું. હજી તે બની શકે એવું હતું. અગાશી ઓળંગી કેદખાનાવાળા ભાગને વળગતાં અગ્નિને વાર લાગે એમ હતું. એટલામાં જરૂર તે બાજુએથી બચવાનાં સાધનો મળી રહેશે એમ તેની ખાતરી થઈ; અરુણને પણ એ સૂચના ઠીક લાગી. તેણે કહ્યું :

‘હા, કંદર્પ ! એને જનાર્દન પાસે મૂકી આવીએ.’

‘પણ મારી મા અને મારી બહેનનું શું થશે ?’ પેલા છોકરાએ મીઠી અંગ્રેજી ભાષામાં પૂછયું.

‘તેમને પણ લાવીએ, હોં !’ અરુણે જવાબ આપ્યો. જાળિયાનું દોરડું ઝાલી કંદર્પે છોકરાને વાંસે બઝાડયો. ક્ષણભરમાં કંદર્પ ઉપર ચડયો અને બહાર નીકળી આવ્યો, અગાશીમાં ઊતરી દોડયો છોકરાને જનાર્દન પાસે લઈ ગયો. જનાર્દનને ખભે એ જ ક્ષણે કોઈ પોલીસનો સિપાઈ હાથ મૂકતો હતો. તેણે કંદર્પને જોયો. કંદર્પે જાળી પાસે છોકરાને મૂકી દઈ જનાર્દન તરફ આંગળી બતાવીને તેને કહ્યું :

‘જો પેલા ઊભા છે ને, તેમની પાસે જજે. હું તારી માતાને લાવું છું.’

‘મારી બહેનને નહિ ભૂલો ને ?’ બાળકને તેની જોડે સૂતેલી નાની બહેન સાંભર્યા કરતી અંગ્રેજી ઢબ પ્રમાણે માબાપ અને બાળકો જુદાં સુએ છે. બાળકો પાસે સૂતી આયા રિવાજ પ્રમાણે છોકરાંને ઊંઘતાં મૂકી દાદર ઊતરી છાનીમાની શૉફર કે બટલરને મળવા નીચે ગઈ હતી. એટલે આગ લાગી ત્યારે બંને બાળકો એકલાં જ હતાં. આયાને ખોળતો છોકરો ઓરડામાં જ ફસાઈ પડયો અને માને જગાડવા દોડેલી પાંચેક વર્ષની બાળકી તેનાથી જુદી પડી ગઈ હતી, તેનું સ્મરણ બાળકને થયા જ કરતું હતું.

‘તેને પણ લાવું છું.’ કહી કંદર્પ પાછો દોડયો. જનાર્દનની પાસે ઊભેલા સિપાઈઓમાંનો એક કંદર્પની પાછળ ધસ્યો; પરંતુ કંદર્પ તો ઝડપથી ક્યારનો સામેની જાળી ઉપર ચડી ગયો હતો. તે પાછો અંદર કૂદી પડયો; અને એ જ જાળિયાને અગ્નિએ ઝડપી લીધું. પાછા જવાને એક માર્ગ બંધ થઈ ગયો. દાદર તો ભડભડ સળગતો જ હતો.

અરુણની સામે એક યુરોપીય સ્ત્રી ઊભી હતી. તેણે રાત્રીને અનુકૂળ આછો પોશાક પહેર્યો હતો. તેની આંખો ફાટેલી હતી – તેના વાળ આછા વિખરાયલા હતા; તેના ગૌર રૂપાળા મુખ ઉપર માતાની ઘેલછા છવાઈ ગઈ હતી. કંદર્પ અંદર પડયો તે સાથે જ તેની પાસે દોડી જઈ ગૌરાંગિનીએ તેનો હાથ પકડયો.

‘મારો દીકરો ક્યાં ?’

‘એ તદ્દન સલામત છે, બાનુ !’ કંદર્પે કહ્યું. નાનામોટા કોઈપણ અંગ્રેજને જોતાં જેના હાથ સળવળી રહેતા, અને જેના દાંત કચકચી જતા, તે કંદર્પ અત્યારે બહુ જ વહાલ અને સંભાળથી એક અંગ્રેજ બાળકને અગ્નિમર્યાદાની બહાર મૂકી આવ્યો, અને એક અંગ્રેજ માતાનું દર્દ નિહાળી વ્યાકુળ બની ગયો. તેને એમ થયું કે આ માતાનું દર્દ મટાડવા મરવું પડે તોય તે સાર્થક છે.

કુદરત સમીપ – ઈશ્વર સાંનિધ્યે – માનવી એ માનવી જ છે. તે હિંદુ બને છે, મુસલમાન બને છે, ખ્રિસ્તી બને છે, એ તેની કૃત્રિમતા છે – જો તે પરસ્પરમાં રહેલી માનવતાને ઓળખતો અટકી જાય તો.

‘પણ હવે આપણે સલામતી શોધવી જોઈએ. ચારે પાસ અગ્નિ ફેલાઈ ગયો છે. ઝડપ કરો અને મારી પાછળ પાછળ ચાલો.’ અરુણે કહ્યું.

‘મારી દીકરી ક્યાં ?’ પેલી માતાને મન દીકરોદીકરી સરખાં જ હતાં.

‘એને પણ શોધી કાઢીએ.’ કહી અરુણ આગળ વધ્યો.

આખો ઓરડો અગ્નિ અને ધુમાડાથી ભરાઈ ગયો હતો. તેને ભાગ્યે સાતેક મિનિટ થઈ હશે. પણ એટલામાં તો ઓરડો અને તેની આસપાસના ઝરૂખા બધા જ સળગી ઊઠયા હતા. જેમતેમ કરી એ ઓરડાની બહાર ત્રણ જણ નીકળી આવ્યાં. પણ જ્યાં જુએ ત્યાં અગ્નિ સહુને ડરાવતો સામો દેખાતો. એક-બે ઓરડા ખોળી વળ્યા છતાં બાળકી હાથ લાગી નહિ.

હવે કોઈ પણ સ્થળે ઊભા રહેવાય એવી સ્થિતિ નહોતી; અગ્નિએ પ્રચંડ રૂપ ધારણ કર્યું હતું. તે વીજળીવેગે આખા મકાન ઉપર ફરી વળતો હતો. પાટડીઔ, બારી-બારણાં અને ભીંતોના ભાગ આછા તૂટવા લાગ્યા હતા. બહાર પણ જબરજસ્ત કોલાહલ મચી રહ્યો હતો. નીચે ઊતરવાના રસ્તા બંધ થઈ ગયા હતા. એક ક્ષણ અરુણ અણે કંદર્પે પરસ્પરની સામે જોયું. બંનેની આંખમાં મૃત્યુના પડછાયા પડયા. અરુણે કહ્યું :

‘કંદર્પ ! તું કસરતી છે; નાસી છૂટ.’

જાઓ, જાઓ ! તમને એકલા મૂકીને ? એ ન બને !’ કંદર્પે નિર્ભયપણે જવાબ આપ્યો.

‘ત્યારે આ બાઈને કેમ બહાર કાઢીશું ?’ અરુણે પૂછયું.

‘પેલી બારી હવે બાકી છે. જોઉં, એનો ઉપયોગ થયો તો.’- કહી કંદર્પ અગ્નિરહિત એકલ બારી ઉપર ચઢયો. તેને દેખી બહાર ભેગી થયેલી હજારો માનવીની મેદનીએ પોકાર કર્યો. બંબાવાળા તે બાજુ ઝડપથી બંબો લઈ આવ્યા. એક ટોળું મોટી જાળી લઈ દોડતું આવ્યું અને બારી નીચે જાળી ફેલાવી કંદર્પને કૂદી પડવા નિશાનીઓ કરવા લાગ્યું.

કંદર્પે અંદર જઈ કહ્યું :

‘આપણે બધાંય બચી જઈશું. બારીમાંથી કૂદી પડીએ.’

‘પહેલાં તમે કૂદી પડો.’ અરુણે યુરોપીય બાઈને કહ્યું.

‘મારી દીકરી વગર ? ના, ના. હું તો એની જોડે જ બળીશ.’ માતાએ કહ્યું.

‘જુઓ, હવે વાત કરવાનો પણ વખત નથી. ઈશ્વરની મરજી હશે તો તમારી દીકરી બચશે; પરંતુ તમે અહીં રહેશો તેથી તમે તેને બચાવી શકવાનાં નથી. ઊલટું…’

‘ના ના ના ! હું અહીંથી નહિ ખસું !’ માતાએ ઘેલછાના આવેશમાં કહ્યું; પરંતુ એટલામાં જ તેની આંખમાં જરા સ્થિરતા આવી. તેણે ઘણા જ આર્જવથી કહ્યું :

‘પણ ભાઈ ! તમે કોણ છો ? તમે કેમ જતા નથી ? તમે બચો; જાઓ.’

‘તમને મૂકીને અમારાથી ખસાય નહિ. જો તમે અહીં રહેશો તો આપણે ત્રણે બળી મરીશું. તમે અહીંથી ખસશો તો આપણે ત્રણે બચી જઈશું.’ અરુણે કહ્યું :

‘ના ના; મારે લીધે ત્રણ હત્યા શું કરવા થવા દઉં ? ચાલો, હું કૂદી પડું છું’ -કહી તે ઝડપથી બારી પાસે આવી. બારી ઉપરથી તેણે નીચે જોયું અને તેને પાછી પોતાની દીકરી યાદ આવી.

‘ઓ, ઓ ! હું તને મૂકીને ન જાઉં !’ એમ કહીને બારી ઉપર તે બેસી ગઈ.

અગ્નિ એ બારીને પણ વળગવા ઝઝૂમતો હતો. સમય રહ્યો નહોતો. કંદર્પે મન કઠણ કર્યું અને પેલી યુરોપીય સ્ત્રીની પાસે આવી તેને બળપૂર્વક હડસેલી, તે પડી. પરંતુ પડતાં પડતાં ભયગ્રસ્ત બાઈના હાથની ઝાપટ કંદર્પના પગને વાગી. કંદર્પે સમતોલપણું ખોયું; તે પણ બાઈની પાછળ પડી ગયો.

પડતાં પડતાં તેણે બૂમ મારી :

‘અરુણભાઈ ! જલદી.’

અને બંને જણ નીચેની જાળીમાં ઝિલાયાં અને અથડાયાં.

જેવો અરુણ બારીએ પગ મૂકવા જાય છે તેવી જ તેણે પાછળ ચીસ સાંભળી. હવે ? ધુમાડામાં કાંઈ સૂઝતું નહોતું. ચીસ પાસેપાસે જ સંભળાઈ; એમ ને એમ કેમ જવાય ? તે પાછો ફર્યો. તેનો શ્વાસ ગૂંગળાયો; તેની આંખ મીંચાઈ ગઈ. તેણે ગૂંગળાટને નહિ; મીંચાયેલી આંખ બળપૂર્વક ઉઘાડી તે આગળ ધસ્યો. તે કેટલે ધસ્યો તેનો ખ્યાલ પણ રહ્યો નહિ.

એકાએક તેના દેહને કશું અથડાયું.

‘ઓ મા ! એ તો હું !’ કોઈ નાનકડા બાળકનો કાલો અવાજ આવ્યો.

અરુણે ધુમાડામાં હાથ ફેલાવી. તે બાળક ઊંચકી લીધું. એ જ પેલી બાળકી! કોણ જાણે ક્યાંથી આ ઓરડામાં આવી ગઈ. અગ્નિએ ભડકો કરી આખા ઓરડાને ઝળાંઝળાં બનાવી દીધો. બાળકીએ બીકમાં પોતાનું માથું અરુણની છાતી ઉપર નાખી દીધું. તેને લાગ્યું કે તે કોઈ પરાયા માણસના હાથમાં છે.

અરુણ બાળકીને લઈ બારી તરફ દોડયો. તેની પાછળ અગ્નિએ પોતાના વિશાળ ફણા ફેંકી. તે સહજમાં ઝડપાતો રહી ગયો. અગ્નિએ વધારે બળ વાપરી શકાય એ અર્થે પોતાની ઝાળ જરા પાછી ખેંચી અને અરુણ બારીએ પહોંચી ગયો.

પરંતુ અગ્નિનું તાંડવ સર્વવ્યાપી બની ગયું હતું. એ બારી ઉપર પણ અગ્નિ નાચતો હતો. બીજો માર્ગ હતો જ નહિ. એ ક્ષણમાં એ અગ્નિ ઉપરથી અને અંદરથી ધસી આવશે એમ અરુણની ખાતરી હતી. બને એટલી સંભાળથી તે બારી ઉપર ચડયો. ધૂમ્રનો એક ભયંકર ગુબ્બારો તેની પાછળ ધસી આવ્યો અને બારસાખ ઉપર નાચતા અગ્નિએ પોતાની જાળ લંબાવી.

અરુણે મસ્તક ફેરવી લીધું. તેનાથી ઝાળ સહન ન થઈ. તેણે આંખ મીંચી દીધી અને બાળકીને દબાવી. તત્કાળ તે ભાન ભૂલ્યો; તેના પગ લથડયા અને તે ઢળી પડયો.

આખા બારીમાંથી અગ્નિનો અંબાર લટકી રહ્યો. સુરભિ ચીસ પાડી બેભાન બની; પરંતુ જનતાથી તો ચીસ પણ પડાઈ નહિ. સ્તબ્ધ બનેલો સમુદાય બે ક્ષણ બેભાન રહ્યો.

અભાન અવસ્થામાં પડેલી એક સ્ત્રી જાગી. તેને કંદર્પે અને એક ગોરાએ ટેકો આપ્યો હતો. એ યુરોપિયન બાઈનો પતિ અગ્નિપ્રાગટયની બૂમ સાંભળી પોતાના રહેઠાણ તરફ આવ્યો હતો. તેણે પોતાની પત્નીને પડતી નિહાળી, અને જાળી બહાર કાઢી તેને ટેકો આપી તે ઊભો હતો.

તે બાઈ જાળી તરફ દોડી; તેની દીકરી જીવતી હતી; પરંતુ તે એકા-એક બૂમ પાડી ઊઠી :

‘અરે, અરે ! ઝડપ કરો. આ તો બહુ દાઝયા છે. એમને દવાખાને લ્યો.’

ધનસુખલાલ અને કૃષ્ણકાંતની મોટરો ભીડમાં આગળ વધી છેક અગ્નિ સન્મુખ આવી હતી. બેભાન અરુણને ઊંચકી સહુએ મળી મોટરમાં સુવાડયો.

અંગ્રેજ પોલીસ-અમલદાર પણ તેને ઊંચકાવવામાં સામેલ થયો. તેની પત્ની છોકરીને હાથમાં ઉપાડી મોટર પાસે ઊભી ઊભી અરુણને નિહાળી રહી હતી. મોટર ચાલી અને તેની આંખમાંથી આંસુધારા વહી રહી. તેણે પોતાના પતિને કહ્યું :

‘આ બે હિંદીઓએ અમને બચાવ્યા !’ પાસે જ એક પોલીસનો સિપાઈ ઊભો હતો. તેણે કહ્યું :

‘પણ સાહેબ ! આ તો આપણા કેદીઓ ! એ ભાગી જાય છે.’

નાનકડી અંગ્રેજ છોકરી ઘૂરકી ઊઠી :

‘ચૂપ, હરામખોર ! કોને કેદી કહે છે ?’