દૃશ્યાવલી/ચિકુણી અસમ

ચિકુણી અસમ

માતૃભૂમિનું સ્તવગાન કરતાં બંકિમચંદ્ર તેને સુજલા, સુફલા, શસ્યશ્યામલા કહી છે. તેમની નજર સામે એ વખતે દેશનો કયો ભૂભાગ હશે તે ચોક્કસ રીતે ન કહી શકાય. પરંતુ અનુમાન અવશ્ય કરી શકાય કે, તે કદાચ બંગભૂમિ જ હશે. સુજલા, સુફલા જેવાં વિશેષણો આ દેશના કેટલાક વિસ્તાર માટે વાસ્તવિક છે, પણ અધિકતર વિસ્તાર માટે તો કાલ્પનિક છે. કદાચ એ રૂપમાં સમગ્ર માતૃભૂમિને જોવાની એમની ઝંખનાનો એમાં પ્રતિઘોષ છે. એ ઝંખના આપણી સૌની બની રહે છે.

ખરેખરની સુજલા, સુફલા, શસ્યશ્યામલા ધરતી આ દેશમાં જોવાની ઇચ્છા હોય તો આસામ એટલે કે અસમ એ ઇચ્છાને પરિતૃપ્ત કરી શકે. અસમની આપણી જૂની ઓળખાણ કામરૂદેશ તરીકેની છે. મંત્રતંત્રના માટે. આજે પણ ત્યાંનો એક વિસ્તાર આ માટે જાણીતો છે. અસમની બીજી ઓળખાણ અંગ્રેજોના આગમન પછી થઈ. અસમ એટલે ચાના બગીચા. ચાના વિશાળ બગીચાઓમાં બરડે લાંબી ટોપલી બાંધી ચા વીણતી સ્ત્રીઓનાં ચિત્ર આપણને ચિરપરિચિત છે.

છેલ્લાં થોડાં વર્ષોથી અસમને આપણે જુદી રીતે જાણતા થયા છીએ. અસમમાં ઘૂસી આવેલા વિદેશી નાગરિકોના પ્રશ્ન ત્યાંની પ્રજાનાં આંદોલનો અને એ આંદોલનોનાં પ્રતિઆંદોલનો વિષે સતત વાંચતા રહીએ છીએ. અસમ એટલે અત્યારે ન ઊકલતી એક ભીષણ રાજકીય ગૂંચ.

આ બધી વસ્તુઓએ અસમનાં પ્રકૃત ચહેરાને ઢાંકી રાખ્યો છે. અસમનો એક અર્થ છે અદ્વિતીય. સૌંદર્ય અને સમૃદ્ધિમાં એની જોડમાં આવી શકે એવા બહુ ઓછા વિસ્તારો છે. અસમનું સાંસ્કૃતિક વૈવિધ્ય પણ અપાર છે. નદીઓ, પર્વતો, મેદાનો અને અરણ્યોનો આ મુલક છે. આસો જેવા મહિનામાં અસમના કોઈ એક ગામમાં પહોંચી જાઓ તો તરત સમજાય કે સુજલા, સુફલા, શસ્યશ્યામલા ધરણી એટલે શું.

શહેર તો બધાં શહેર. એક શહેરથી બીજું શહેર બહુ જુદું ન પડે. પણ આ દેશનાં ગામડાંએ હજી પોતાના અસલ ચહેરાને જાળવ્યો છે. ગામડાંના એ ચહેરાઓમાં ભારતમાતાનો ચહેરો જોવો હોય તો જોઈ શકાય. ભારતમાતા સાચે જ ‘ગ્રામવાસિની’ છે. દેશને ઓળખવો હોય તો જુદા જુદા વિસ્તારોનાં ગામડાં જોવાં રહ્યાં. આવું કહેવામાં કોઈ રોમૅન્ટિક ખ્યાલ નથી. આપણે જાણીએ છીએ કે ગામડામાં કલહ, કંકાસ, કુરૂપતા પણ છે, કંગાલિયત પણ છે. આમ છતાં, પેલી પ્રસિદ્ધ અંગ્રેજી ઉક્તિ યાદ કરવી રહી કે, નગર વસાવ્યું છે માણસે, પણ ગામ તો વસાવ્યું છે ઈશ્વરે.

પહેલી વાર અસમ ગયો ત્યારે ત્રણચાર મોટાં મોટાં શહેર – ડિબ્રુગડ, જોરહાટ, ગુવાહાટી વગેરે જોયાં હતાં. વિરાટ નદ બ્રહ્મપુત્ર જોયો હતો. એ વખતે અસમનું આંદોલન શરૂ થયું નહોતું. એના ભણકારા હતા. બીજી વાર ગયા ત્યારે તો અસમ રોજ રોજ છાપામાં ચમકતું હતું. એ જ દિવસોમાં ગુવાહાટી સ્ટેશનના પ્લૅટફૉર્મ પર બૉમ્બ ફૂટ્યો હતો. આ વખતે અસમિયા મિત્ર સુનીલકુમાર મારી સાથે હતા. મારી યાત્રાનો આશય અસમની વૈષ્ણવ સંસ્કૃતિને, ગ્રામીણ સંસ્કૃતિને નજીકથી જાણવી, અસમની પ્રાકૃતિક શોભા ચેતનામાં ભરી લેવી એવો કંઈક હતો.

કાશ્મીરનાં સૌંદર્યસ્થળોની સ્પર્ધામાં ઊતરી શકે તેવું સૌંદર્યસ્થળ એટલે અસમ. ભુતાનની સીમાઓ મળે છે તે માનસનું અભયારણ્ય. સરહદ રેખા છે માનસ નદી. અવાક્ થઈ જવાય તેવું વનો-પહાડોનું સૌંદર્ય. થયું, આપણા લોકોને માત્ર કાશ્મીરનું જ કેમ ઘેલું છે? બરપેટાનું પ્રસિદ્ધ વૈષ્ણવતીર્થ જોયું, જ્યાં હજુ રોજ સાંજે ભાગવતી ભાગવતનો પાઠ કરે છે અનેક ભક્તોની હાજરીમાં. આ બધી યાત્રામાં રસ્તે પસાર થતાં ગામ, ખેતર, નદ-નદીઓ જોયાં.

પણ જે ગામમાં જઈને રહ્યા છે તો શિવસાગરની પાસેનું એક ઇતિહાસપ્રસિદ્ધ ગામ. ગામનું નામ કાલુગાંવ. એક રાજાની રાણી ફૂલેશ્વરીકુંવરી આ કાલુગાંવની હતી. રાણી થયા પછી તેણે આ ગામની પાદરે મોટું તળાવ બંધાવ્યું છે. નામ લક્ષ્મીસાગર. અસમમાં સરોવરો, તળાવો ‘સાગર’ નામથી ઓળખાય છે. જયસાગર, શિવસાગર એમ. અંધારું થઈ ગયે અમે ગામમાં પ્રવેશ કર્યો હતો. સુનીલનું આ ગામ. એને ઘેર સૌએ ભાવથી સ્વાગત કર્યું. સુનીલના પિતાજી મોંઘીરામ દત્ત જરા ઓછાબોલા, અતડા લાગે પણ એનાં બા લાવણ્ય-પ્રેમાળ. મને લાગે છે, ભાષાનો પ્રશ્ન હતો. સુનીલની નાની બહેનો રાજી રાજી હતી. મારે માટે જમવાનું શું બનાવવું એ પ્રશ્ન હતો. આપણે માછલી ન ખાઈએ. એટલે અતિથિનું સ્વાગત અપૂર્ણ રહી જાય. સૂઈએ તે પહેલાં કેટલાક વૃદ્ધો આવીને બેઠા. ગુજરાત પ્રદેશ વિષે પૂછવા લાગ્યા. ગાંધીજી ગુજરાતના એ ખબર. અમદાવાદની બહુ ખબર નહીં, પણ દ્વારિકા વિષે જાણે. શ્રીકૃષ્ણની નગરીને! શ્રીકૃષ્ણ એમના અસમના બાણાસુરની ઉષા – ઓખાને લઈ ગયા હતા. ગુવાહાટીમાં હજુ એક સ્થળ ‘અશ્વક્લાન્ત’ નામે બતાવવામાં આવે છે. દ્વારિકાથી ગુવાહાટી આવતાં એમના ઘોડા જ્યાં થાકી ગયા હતા. એ જગ્યા અશ્વક્લાન્ત. દેશની ભાવાત્મક એકતાનું આથી બીજું કયું ઉદાહરણ જોઈએ?

સવારમાં લાગી ગયા. આખી રાત ટુપ્ ટાપ્ ટુપ્ ટાપ્ થતું રહેલું. સવારમાં એ ટુપ્‌ટાપ અવાજનું સુનીલે રહસ્ય બતાવ્યું. એ હતું ઝાકળ. છાપરા પર પડતું હતું. આંગણામાંની કેળનાં પત્તાં પર, સોપારીના ઝાડ પર પડતું હતું. સવારમાં અસમિયા ગામ અને ઘરની રચનાનો ખ્યાલ આવ્યો. ડાંગરના ખેતરો વચ્ચે ગામ હતું. ડાંગરનાં ખેતરો તો બહુ જોયાં છે. પણ અસમની સુગંધી ડાંગર ‘જહાધાન’ અને રાતી ડાંગર ‘બરાધાન’નાં લહેરાતાં ખેતર તો અનન્ય. તેમાંય આસો માસ હતો. શરદ નવવધૂ ‘આપક્વશાલિરુચિરાનત ગાત્રયષ્ટિ’ રૂપે આ ખેતરોમાં દેખાઈ. ગામનો એક મુખ્ય રસ્તો. દરેક ઘર મુખ્ય રસ્તાથી થોડા ફૂટ અંદર. ઘર સુધી પહોંચતો માર્ગ મુખ્ય રસ્તાને જોડાતો હોય. એને ‘પદુલિ’ કહે. છૂટાં છૂટાં ઘર. ઘર એટલે એક એકમ. ઘર એક માળનાં, પણ દરેક ઘરમાં બેસવાનો ઓરડો, સૂવાનો ઓરડો, રસોડાનો ઓરડો જુદા જુદા. આંગણામાં ગાયોને બાંધવાનો ઓરડો, ડાંગર ભરી રાખવાનો ઓરડો પણ હોય. એક નાની તળાવડી હોય. તળાવડીમાં માછલીઓ હોય. સુનીલ માછલી પકડવાની બાંશીના ગલમાં કડાનું ખાદ્ય ભરાવી તળાવડીમાંથી માછલી પકડવા બેઠો. હું એની બાજુમાં બેઠો. મને સમજાયું કે માછલી પકડવાનું કામ યોગસાધના જેવી એકાગ્રતા અને મૌનની અને તેમાંય ધીરજની અપેક્ષા રાખે છે. અમારા ગલમાં એકે માછલી ન ભરાઈ. પ્રત્યેક આંગણમાં કેળનાં, નાળિયેરીનાં અને સોપારીનાં ઝાડ હોય. સોપારીને પાનની વેલ ચડાવેલી હોય. વળી ઘરની ઓસરીમાં હાથસાળ હોય હોય ને હોય, જ્યાં અસમિયા કન્યા વસ્ત્રની સાથે જ પોતાના ભાવિ જીવનનાં સ્વપ્ન વણતી હોય.

અમે ગામમાં આંટો મારવા નીકળ્યા. એ વખતે ગાઢ ધુમ્મસને ચીરતો તડકો પથરાતો હતો. ખેતરોની જેમ પ્રત્યેક ઘર પણ લીલુંછમ. એક ઘરના આંગણામાં તરુવા કદંબનું વૃક્ષ જોયું. ગામની આથમણી બાજુએ પહોંચ્યા ત્યાં સુધીમાં તો ગામના જે સૌ વડીલ, તરુણ મળ્યા તેમનું અભિવાદન ઝીલતા ગયા. સુનીલની બધાની સાથે મૈત્રી. મારો સૌને પરિચય કરાવે. થોડી વાતચીત થાય. એમની સાથેની વાતચીતથી લાગે કે વિદેશી નાગરિકોના પ્રશ્ને સૌ કેટલા બેચેન છે.

ગામમાં એક ગૃહસ્થને ત્યાં શ્રાદ્ધનો પ્રસંગ હતો. અમે ત્યાં પણ ગયા. એ રીતે અસમિયા જનસમાજમાં જરા ભળવાનું થયું. ગામની આથમણી દિશામાં શરૂ થયું જંગલ. જંગલ વચ્ચે નદી. સુનીલ કહેઃ આ છે અમારી ‘નામદાઙ્’ (નામ = પાણી અને દાઙ્ = લાલાશ પડતું. એટલે કે મટમેલા પાણીવાળી નદી તે નામદાઙ્). અસમની નદીઓના પટ સાંકડા, પણ વહે ઊંડી, પાણીથી ભરી ભરી નદી પર વાંસના પુલ, જેને તેઓ ‘સાંકો’ કહે છે. પુલ એટલે આડાઊભા વાંસમાત્ર. આપણે ચાલવા જઈએ તો નીચે પાણીમાં જ. પણ મેં જોયું કે અહીંના લોકો તો એ રેખાંકન જેવા પુલ પરથી સડસડાટ ચાલ્યા જાય છે.

નદીને પેલે પાર વળી લહેરાતાં હતાં ખેતર, નદીકાંઠાની ઝાડી વચ્ચે અમે ચાલતા હતા. નદી ગામની પરિક્રમા કરીને વહે છે. સ્તબ્ધ બપોર હતી. ઝાડી વચ્ચે નદી ચૂપચાપ વહી જતી હતી. સ્થળ નિર્જન. એમાં હું અને સુનીલ ધીમે ધીમે વાતો કરતા ચાલતા હતા. સુનીલ કહેઃ અંદરના વિસ્તારોનાં અસમનાં ગામ લગભગ આ રીતનાં હોય છે. મને થયું: કેટલું સુંદર! જેમ બંગાળીઓ બંગાળને ‘સોનાર બાંગ્લા’ કહે છે તેમ અસમને અસમિયા લોકો ‘ચિકુણી અસમ’ એવા લાડથી નવાજે છે. ચિકુણી એટલે સુંદર. ખરેખર સુંદર.

આપણી ઝંખનાનું, આપણી કલ્પનાનું ગામ. એ કલ્પનામાં થોડીય અધૂરપ ન રહી જાય એટલા માટે જ જાણે વૃક્ષછાયામંડિત નદીકિનારેથી ઝાડી વચ્ચેની પગથીને મારગે એક કિશોરી આ વેળાએ પણ ઘડો લઈ નદીએ પાણી ભરવા આવી રહી હતી!

આ સમગ્ર મનોરમ ચિત્રમાં હવે અમે પણ ચિત્રવત્ હતા.

[૧૦-૨-૮૫]