દેવદાસ/પ્રકરણ ૧૨


૧૨

બંને ભાઈઓ દ્વિજ્દાસ અને દેવદાસ તથા ગામના અનેક જમીનદારો નારાયણ મુખરજીનો અગ્નિસંસ્કાર કરી ઘેર પાછા આવ્યાં. દ્વિજ્દાસ પોકેપોક મૂકી પાગલની માફક રડતો હતો- મહોલ્લાના લોકો તેને છાનો રાખી શક્યા નહિ. દેવદાસ શાંત ભાવે એક થાંભલાને પડખે બેઠો હતો. મોઢામાં શબ્દ નથી; આંખમાં એક બિન્દુ આંસુ નથી. કોઈ એને પકડી રાખતું નથી, કોઈ સાંત્વન આપવાનો પયત્ન કરતું નથી. મધુસૂદન ઘોષ એની પાસે જઈ જરા બોલવા ગયા હતા, “તે ભાઈ નસીબમાં-” દેવદાસ હાથ વડે દ્વિજ્દાસને બતાવી કહ્યું, “પણે.”

ઘોષાલ મહાશય ભોંઠા પડી ગયા. “હા, હા, એ કેટલો બધો શોક-” એમ બોલતા બોલતા ચાલ્યા ગયા. બીજું કોઈ પાસે આવ્યું જ નહિ. બપોર વીતી જતાં દેવદાસ અર્ધમૂર્છિત માતાના પગ આગળ જઈ બેઠો. ત્યાં અનેક સ્ત્રીઓ તેમને વીંટળાઈ બેઠી હતી. પાર્વતીના દાદી પણ હાજર હતાં. બેઠેલ સાદે તરતની વિધવા થયેલી શોકાર્ત માતાને સંબોધી તેઓ બોલ્યાં, “વહુમા, જુઓ તો, મા, દેવદાસ આવ્યો છે.” દેવદાસે માને બોલાવી : “બા !” તેમણે એક વાર માત્ર નજર નાખી કહ્યું, “ભાઈ !” ત્યાર બાદ બંધ આંખના ખૂણામાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યાં. ભેગી થયેલ સ્ત્રીઓ પણ ઘોંઘાટ મચાવી મોટે અવાજે રડી પડી. દેવદાસ માતાને ચરણે મોઢું ઢાંકી રાખી થોડી વાર પડ્યો રહ્યો. પછી ધીમે ધીમે તે ઊઠી ગયો; ત્યાંથી ગયો મૃત પિતાના સૂવાના ઓરડામાં આંખમાં આંસુ નથી, ગંભીર શાંત મૂર્તિ ! લાલ આંખો ઊંચે સ્થિર કરી જમીન પર બેસી પડ્યો. કોઈએ એ મૂર્તિ જોઈ હોત તો બી જાત ! કપાળની બંને બાજુની બંને નસો ઊપસી આવી છે, જાડા સુક્કા વાળ ઊભા થઇ ગયા છે, તપ્ત કાંચન જેવો વર્ણ કાળો મેશ પડી ગયો છે ! કલકત્તાના ઘૃણાસ્પદ આચરણ પછી આ લાંબી રાતનું જાગરણ, ઉપરાંત વળી પિતાનું મૃત્યુ ! એક વરસ પહેલાં જેમણે એને જોયો હતો તેઓ અત્યારે એને એકાએક ઓળખી શક્યા નહિ. થોડી વાર પછી પાર્વતીની બા પત્તો મેળવી બારણું ધકેલી અંદર આવ્યાં. “દેવદાસ !” “કેમ, કાકી ?” “આમ કર્યે તો ચાલશે નહિ, ભાઈ !” દેવદાસ તેના મોઢા તરફ જોઈ કહ્યું, “મેં શું કર્યું છે, કાકી ?” કાકી તો જાણતાં હતાં, પણ જવાબ આપી શક્યાં નહિ, દેવદાસનું માથું ખોળામાં ખેંચી લઇ બોલ્યાં, “દેવતા-ભાઈ!” “કેમ, કાકી !” “દેવતા-ચરણ-ભાઈ !” છાતી પાસે મોઢું રાખી દેવદાસ પડ્યો રહ્યો. તેની આંખમાંથી એક ટીપું આંસુ સરી પડ્યું. શોકગ્રસ્ત કુટુંબના દિવસો પણ વીતે છે, આખરે સવાર થઇ, રડારોળ ખૂબ ઓછી થઇ ગઈ. દ્વિજ્દાસ બરાબર સ્વસ્થ થયો હતો. તેમનાં માતા પણ ઊઠી બેઠાં થયાં હતાં-આંખો લૂછતાં લૂછતાં રોજનું કામ કર્યે જતાં. બે દિવસ પછી દ્વિજ્દાસે દેવદાસને બોલાવી પૂછ્યું, “દેવદાસ, પિતાના કારજમાં કેટલું ખરચ કરશું ?” દેવદાસે મોટાભાઈના મોં તરફ જોઈ કહ્યું, “તમને જે ઠીક લાગે તે ખરું.” “ના, ભાઈ, માત્ર હું જ નક્કી કરું એ ચાલે નહિ. તું મોટો થયો છે. તારો મત પણ જાણવો જોઈએ.” દેવદાસે પૂછ્યું, “રોકડ કેટલું છે?” “બાપુની તિજોરીમાં દોઢ લાખ રૂપિયા છે. મારી સમજ પ્રમાણે તો દસેક હજાર રૂપિયા ખરચશું તો બહુ થશે. શું કહે છે ?” દેવદાસે પૂછ્યું, “મને કેટલા રૂપિયા મળશે?” દ્વિજ્દાસ જરા ખચકાઈ બોલ્યો, “તે તનેય અરધો અરધ મળશે. દસ હજાર ખરચતાં તારે ભાગે સિતેર હજાર ને મારે ભાગે સિતેર હજાર આવશે. “બાને શું મળશે?” “બા રોકડા રૂપિયા લઈને શું કરશે! એ તો ઘરનાં કરતાંકાવરતાં –આપણે પોષીશું.” દેવદાસ જરા વિચાર કરી બોલ્યો, “મારી બુદ્ધિ પ્રમાણે તમારા ભાગમાંથી પાંચ હજાર રૂપિયા ખરચવા અને મારા ભાગમાંથી પચીસ હજાર રૂપિયા વાપરવા. બાકીના પચાસ હજારમાંથી હું પચીસ હજાર લઈશ, બાકીના પચીસ હજાર બાને નામે જમા રહેશે. તમને કેમ લાગે છે ?” પહેલાં તો દ્વિજ્દાસ જાણે શરમાઈ ગયો. પછી તે બોલ્યો, “ઉત્તમ વાત. પણ મારે છે ને ? –સ્ત્રી, પુત્ર, કન્યા બધું રહ્યું. તેમનાં લગન કરવાં, જનોઈ દેવી- ભારે ખરચા ! તારી સલાહ જ બરાબર છે. “જરાક અટકી બોલ્યા, “તો જરાક લખી દે-” “લખવા કરવાની જરૂર પડશે ? એ કંઈ સારું દેખાશે નહિ. મારી ઈચ્છા એવી છે કે પૈસાટકાની વાત આવે વખતે એકાંતમાં જ સારી.” “એ ખરી વાત; પણ શી ખબર, ભાઈ-” ‘ભલે; હું લખી દઉં છું.” તે જ દિવસે દેવદાસે લખાણ કરી આપ્યું.

*

બીજે દિવસે બપોરે દેવદાસ નીચે ઊતરતો હતો. પગથિયા પાસે જ પાર્વતીને જોઈ આંચકો ખાઈ ઊભો રહ્યો. પાર્વતી તે મુખ તરફ જોઈ રહી હતી-ઓળખતાં જાણે એને મુશ્કેલી પડતી હતી ! દેવદાસ ગંભીર, શાંત મુખે પાસે આવી બોલ્યો, “ક્યારે આવી, પાર્વતી !” એ જ કંઠસ્વર ! આજે ત્રણ વરસ પછી મિલન ! નીચું મુખ રાખી પાર્વતીએ કહ્યું, “સવારે આવી.” “બહુ દિવસનાં મળ્યાં નહોતાં. મજામાં હતી ને ?” પાર્વતીએ માથું હલાવ્યું. “ચૌધરીમહાશય મઝામાં છે ને ! છોકરાછોકરી બધાં મજામાં ?” “બધાં મજામાં !” પાર્વતીએ જરી એના મોઢા તરફ જોઈ લીધું. પણ કેમે એ પૂછી શકી નહિ, કે તમે કેમ છો- શું કરો છો? અત્યારે એને એકે પ્રશ્ન સૂઝતો નહોતો. “દેવદાસે પૂછ્યું, “અહીં થોડા દિવસ રહેવું છે ને !” “હા.” “તો તો કંઈ વાંધો નહિ.” બોલી દેવદાસ ચાલ્યો ગયો. શ્રાદ્ધ પૂરું થઇ ગયું. એ બધું કહેવા જતાં ખૂબ લખવું પડે એટલે એમાં ઊતરવાની જરૂર નથી. શ્રાદ્ધને બીજે દિવસે પાર્વતીએ ધર્મદાસને એકાંતમાં બોલાવી, તેના હાથમાં એક સેરવાળો સોનાનો અછોડો આપી કહ્યું, “ધર્મ, તારી છોકરીને પહેરવા આપજે-” ધર્મદાસ તેના મોં તરફ જોઈ ભીની આંખો વધારે ભીની કરી બોલ્યો, “આહા ! તમને કેટલા દિવસ થયાં જોયાં નહોતાં ! બધાં સારાં છે ને દીદી ?” “બધાં સારાં છે,” પાર્વતીએ પૂછ્યું, “તારાં બાળબચ્ચાં સારાં છે ને?” “હા,સારાં છે, પારુ.” “તું મઝામાં છે ને ?” ધર્મદાસે લાંબો નિસાસો નાખી કહ્યું, “શાનો મઝામાં ? હવે તો હું યે મરું તો છૂટું ! શેઠ ગયા” ધર્મદાસ શોકના આવેગમાં કેટકેટલું કદાચ કહેત; પણ પાર્વતીએ તેને અટકાવ્યો. એ બધા સમાચાર સાંભળવા માટે એણે કંઈ હાર આપ્યો નહોતો. પાર્વતી બોલી ઊઠી, ‘એમ શું બોલે છે, ધર્મ ? તું ન હોય તો દેવદાસની સંભાળ કોણ રાખશે ?” ધર્મદાસે કપાળ ઉપર હાથ પછાડી કહ્યું, “નાનો છોકરો હતો ત્યારે તો સંભાળ રાખતો. હવે સંભાળ ન રાખવી પડે એટલે નિરાંત, પારુ !” પાર્વતી વધારે પાસે આવી બોલી, “ધર્મ, એક વાત પૂછું: સાચું કહેજે ?” “કેમ નહિ કહું, દીદી ?” “તો સાચેસાચું કહે, દેવદા આજકાલ શું કરે છે ?” “કરે છે મારું માથું અને બીજું કપાળ.” “ધર્મદાસ, ખુલ્લેખુલ્લું કહે ને !” ધર્મદાસ ફરી કપાળ ઉપર હાથ પછાડી બોલ્યો, “ખુલ્લું વળી શું કહું, દીદી ! એ તે શું કહેવા જેવું છે ? હવે શેઠ નથી, વળી દેવદાસના હાથમાં પાર વિનાના પૈસા આવ્યાં; હવે તે શું સચવાય?” પાર્વતીનું મોઢું એકદમ ઊતરી ગયું. તેણે ઊડતી વાતો થોડી સાંભળી હતી. ફિક્કી પડી જઈ પૂછ્યું, “શું કહે છે ધર્મદાસ ?” તેણે મનોરમાના કાગળમાં જ્યારે થોડુંક વાંચ્યું હતું ત્યારે વિશ્વાસ આવ્યો નહોતો. ધર્મદાસ માથું ધુણાવી કહેવા લાગ્યો, “આહાર નહિ, નિદ્રા નહિ-માત્ર શીશેશીશા દારૂ ! ત્રણચાર દિવસ લગી ગમે ત્યાં પડયા રહે –ઠેકાણું નહિ ! કેટલા પૈસા ઉડાવી દીધા-સાંભળીએ છીએ, કેટલા હજાર રૂપિયાનાં, કહે છે, એને ઘરેણાં ઘડાવી આપ્યાં છે !” પાર્વતી પગથી માથા સુધી કંપી ઊઠી, “ધર્મદાસ, આ બધું સાચું છે ?” ધર્મદાસ પોતાની મેળે કહેવા લાગ્યો; “તારી વાત કદાચ એ સાંભળશે- એક વાર એને મના કરી દે ! કેવું શરીર કેવું થઇ ગયું?- આવી રીતે રહેશે તો કેટલા દિવસ જીવશે? કોને વાત કરું? મા, બાપ, ભાઈ- એમને તો આ વાત થાય નહિ !” ધર્મદાસ વારંવાર માથું ફૂટી બોલ્યો, “એમ થાય છે કે માથું પછાડી મરી જાઉ, પારુ ! હવે જીવવા મન નથી.” પાર્વતી ઊઠી ગઈ. નારાયણબાબુના મરણસમાચાર સાંભળી તે દોડી આવી હતી. તેણે વિચાર્યું હતું. આ વિપદને વખતે દેવદાસ પાસે જવું જોઈએ. પણ તેનો આટલો લાડકો દેવદા આવો થયો છે ! કેટકેટલું યાદ આવવા લાગ્યું- એનો કંઈ પાર નથી. જેટલો ધિક્કાર દેવદાસ ઉપર વરસાવ્યો તેના કરતાં હજારગણો ધિક્કાર તેણે પોતાને દીધો. હજાર વખત એને થયું કે હું હોત તો શું આમ બની શકત ? પહેલાં એણે પોતે પોતાના પગ ઉપર કુહાડી મારી હતી. પરંતુ એ કુહાડી તો હવે એના માથા ઉપર આવી પડી. તેના દેવદાદા, આવા થઇ જાય છે.- આમ ને આમ ખલાસ થઇ જાય છે, અને પોતે પારકાનો સંસાર સુખી કરવા ઊંચી નીચી થઇ રહી છે ! પારકાંને પોતાનાં સમજીને તે હંમેશા ભોજન પીરસે છે, અને તેનું સર્વસ્વ આજે ભૂખે પેટે મરે છે ! પાર્વતીએ પ્રતિજ્ઞા કરી, - આજે પોતે દેવદાસને ચરણે માથું પછાડી મરશે. *

હજુ સંધ્યા થવાને થોડી વાર હતી. પાર્વતી દેવદાસના ઓરડામાં દાખલ થઇ. દેવદાસ પથારીમાં બેઠો બેઠો હિસાબ જોતો હતો. તેણે આંખો ફેરવી જોયું તો પાર્વતી ધીમે ધીમે બારણું બંધ કરીને જમીન ઉપર બેઠી. દેવદાસ મોં ઊંચું કરી હસ્યો. તેનું મોઢું ઉદાસ પરંતુ શાન્ત હતું. એણે એકદમ ગમ્મત ઉડાવતાં કહ્યું, “અત્યારે જો હું તારા પર આળ ચડાવું તો !”

પાર્વતીએ લજ્જાભરી, નીલ કમળ સરખી બે આંખો એકવાર તેની તરફ ફેરવી બીજી જ ક્ષણે નીચી કરી નાખી. ક્ષણમાં એણે સમજાવી દીધું કે એ શબ્દો તેના હૃદયની અંદર સદાને માટે શૂળની જેમ ભોંકાઈ રહેલા છે. હજી શું બાકી છે ? કેટલી બધી વાત કરવા એ આવી હતી ! બધું ભૂલી ગઈ ! દેવદાસ આગળ તે બોલી શક્તિ નહિ. ફરી દેવદાસ હસી પડ્યો, બોલ્યો. “સમજ્યો છું, હું સમજ્યો છું. શરમ આવે છે ને?” તોપણ પાર્વતી બોલી શકી નહિ. દેવદાસ કહેવા લાગ્યો, “એમાં વળી શરમ શી? બે જણાં ભેગાં મળી છોકરવાદી કરી નાખે- આ જો, જોઉં- એમાંથી કેવો ગોટાળો થઇ ગયો ! ગુસ્સે થઇ તું ફાવે તેમ બોલી. મેં પણ તારા કપાળ ઉપર આ ચાઠું પાડી આપ્યું. કેવું થયું?” દેવદાસના શબ્દોમાં શ્લેષ અથવા તો મશ્કરી લેશમાત્ર નહોતાં. પ્રસન્ન હસતે મુખે ભૂતકાળની દુઃખકથા એણે ઉકેલી હતી, પરંતુ પાર્વતીનું હૃદય ચિરાઈ જવા લાગ્યું. મોઢે લૂગડું ડાબી, નિસાસો રોકી રાખી, મનમાં મનમાં તે બોલી, “દેવદાદા, આ ચાઠું જ મારી સાંત્વના છે. એ જ મારી પૂંજી છે  ! તમે મને ચાહતા હતા- એટલે જ દયા કરીને, મારો બાલ્ય ઈતિહાસ આ લલાટમાં લખી આપ્યો છે. એ મારે મન શરમ નથી, કલંક નથી; એ તો મારી ગૌરવની સામગ્રી છે !” “પારુ  !” મોઢા ઉપરથી લૂગડું ખસેડ્યા વિના પાર્વતીએ કહ્યું, “કેમ?” “તારા પર મને બહુ ચીડ ચડે છે-” એ વખતે દેવદાસનો કંઠસ્વર બદલવા લાગ્યો, “બાપુ નથી, આજે મારે કેવા દુઃખના દાડા ! પણ તું હોત તો શી ચિતા હતી ! મોટાં વહુને તો તું જાણે છે. અને મોટાભાઈનો સ્વભાવ પણ ક્યાં તારાથી છાનો છે? કહે જોઉ. માને માટે હું આ વખતે શું કરું ? અને મારુંય શું થશે, મને કશી સમજ પડતી નથી. તું હોત તો નિશ્ચિત થઇ- બધું તારા હાથમાં નાખી દઈ-આ શું, પારુ ?” પાર્વતી ડૂસકું ખાઈ રડી પડી. દેવદાસે પૂછ્યું, “રડે છે કે? તો હવે નહિ કહું.” પાર્વતીએ આંખો લૂછતાં લૂછતાં કહ્યું, “કહો.” દેવદાસે ક્ષણવારમાં ગળું સાફ કરી લઇ કહ્યું “પારુ ! તું તો જાણે ખૂબ પાકી ગૃહિણી થઇ ગઈ છે ને !” હૃદય ઉપર કાબૂ રાખી પાર્વતીએ ઓઠ કરડ્યો, તે મનમાં મનમાં બોલી, “ધૂળની ગૃહિણી ! શીમળાનાં ફૂલ તો વળી દેવસેવામાં કામ આવતાં હશે !” દેવદાસ હસી પડ્યો. હસીને બોલ્યો, “ખૂબ હસવું આવે છે. હતી તો તું આવડી અમથી- મોટી થઇ ગઈ ! મોટું ઘર, મોટી જમીનદારી, મોટાં મોટાં છોકરાં અને વળી ચૌધરી મહાશય- બધું જ મોટું- ખરું ને, પારુ?” ચૌધરીમહાશય પાર્વતીને બહુ આનંદનું પાત્ર હતા; તેમની યાદ આવતાં જ તેને હસવું આવતું, એટલે જ આટલા દુઃખમાં પણ એને હસવું આવ્યું. દેવદાસ કુત્રિમ ગાંભીર્ય ધારણ કરી બોલ્યો, “એક ઉપકાર કરી શકીશ?” પાર્વતીએ મોં ઊંચુ કરી પૂછ્યું : “શો?” “તારા દેશમાં સારી કન્યા મળે કે ?” પાર્વતી ઘૂંટડો ગલી જઈ ખાંસી ખાઈ બોલી, “સારી કન્યા ? શું કરશો ?” “લાવીને લગન કરીશ. એક વાર સંસારી થવાની ઈચ્છા થાય છે.” પાર્વતીએ ડાહ્યા માણસની માફક કહ્યું. “ખૂબ રૂપાળી ?” “હા, તારા જેવી” “અને ખૂબ ડાહીડમરી ?” “ના, ખૂબ ડાહીનું કામ નથી-પણ જરાક દુષ્ટ-તારી માફક મારી સાથે ઝઘડી શકે એવી.” પાર્વતી મનમાં મનમાં બોલી, “એ તો કોઈનાથી નહિ બંને, દેવદાદા; કેમ કે, એમાં તો મારી માફક સ્નેહ રાખવો જોઈએ.” પછી તે મોટેથી બોલી, “મારામાં તે શું બળ્યું છે ? મારા જેવી તો હજારો તમારે ચરણે આવીને ધન્ય બને.” દેવદાસ કૌતુક કરી, હસતાં હસતાં બોલ્યો, “હમણાં તરત એક તો લાવી આપ, દીદી.” “દેવદાદા, સાચે જ તમે લગ્ન કરશો ?” “આ કહ્યું તો ખરું.” માટે એ એણે ખુલ્લેખુલ્લું કહ્યું નહિ, કે પાર્વતી સિવાય આ જીવનમાં બીજી કોઈ સ્ત્રી માટે તેને વૃતિ થશે નહિ. “દેવદાદા, એક વાત કહેશો ?” “શી?” પાર્વતી પોતે સ્વસ્થ થઇ બોલી, “તમે દારૂ પીતાં કેમ શીખ્યા ?” દેવદાસ હસી પડ્યો; બોલ્યો, “પીવા માટે તે શું કશું શીખવું પડતું હશે ?” “એમ નહિ તો ટેવ પડી શું કરવા?” “કોણે કહ્યું ? ધર્મદાસે ?” “ગમે તેણે કહ્યું, વાત ખરી છે ને ?” દેવદાસે છેતરપિંડી કરી નહિ; કહ્યું, “થોડીક ખરી !” પાર્વતીએ થોડીવાર સ્તબ્ધ થઇ, બેસી રહી પૂછ્યું, “અને કેટલા હજારના ઘરેણાં ઘડાવી આપ્યાં છે, હેં ?” દેવદાસ હસીને બોલ્યો, “આપ્યાં નથી; ઘડાવી રાખ્યાં છે. તું લઈશ ?” પાર્વતીએ હાથ લંબાવી કહ્યું, “આપો. આ જુઓ, મારે એક્કે ઘરેણું નથી.” “ચૌધરીમહાશય તને આપતા નથી ?” “આપ્યાં હતાં; મેં બધા એમની મોટી છોકરીને આપી દીધાં.” “તને જરૂર નહિ હોય.” પાર્વતીએ માથું ધુણાવી મુખ નીચું કર્યું. એ વખતે સાચે જ દેવદાસની આંખોમાં આંસુ આવતાં હતાં. દેવદાસ અંતરમાં સમજી શક્યો હતો કે થોડા દુઃખમાં સ્ત્રીઓ પોતાના ઘરેણાં ઉતારી આપી દે નહિ. પરંતુ આંખમાં પાણી દબાવી રાખી, ધીમે ધીમે તે બોલ્યો, “ખોટી વાત છે તે, પારુ ! કોઈ સ્ત્રીના પ્રેમમાં હું પડ્યો નથી, કોઈને પણ ઘરેણાં આપ્યાં નથી.” પાર્વતી ઊંડો નિસાસો નાખી અંતરમાં બોલી, “એ હું માનું છું.” બહુ વાર લાગી બંને જણાં ચૂપ બેસી રહ્યાં. પછી, પાર્વતી બોલી, “પણ પ્રતિજ્ઞા કરો, હવે દારૂ પીશો નહિ.” “એ ન બને. તું શું પ્રતિજ્ઞા કરી શકશે કે મને હવે એક પણ વાર તું યાદ કરીશ નહિ ?” પાર્વતી બોલી નહિ. એ વખતે બહાર સંધ્યાનો શંખધ્વનિ થયો. દેવદાસે ચકિત થઇ બારીની બહાર જોઈ કહ્યું, “સાંજ પડી હવે, ઘેર જા, પારુ !” “મારે નથી જવું. તમે પ્રતિજ્ઞા લો.” “એ નહિ બને મારાથી.” “કેમ નહિ બને ?” “બધા જ શું બધું કામ કરી શકે ?” “ધારે તો જરૂર કરી શકે.” “તું મારી સાથે આજે રાતે નાસી જઈ શકે ?” પાર્વતીનું હૃદય જાણે એકાએક ધબકતું બંધ થઇ ગયું, અજાણપણે અસ્પષ્ટ રીતે તેનાથી બોલાઈ ગયું, “એમ તે બને ?” દેવદાસે પથારી ઉપર જરાક ખસીને બેસી કહ્યું, “પાર્વતી, બારણું ઉઘાડી નાખ !” પાર્વતી જરાક ખસી, બારણે પીઠ દઈ નિરાંતે બેઠી, બોલી, “પ્રતિજ્ઞા લો.” દેવદાસ ઉઠી ઊભો થઇ ધીરભાવે કહેવા લાગ્યો, “પારુ, બેળેબેળે પ્રતિજ્ઞા લેવરાવવી શું સારી છે કે એથી ખાસ લાભ થાય છે ?આજની પ્રતિજ્ઞા કદાચ કાલે ન ટકે- મને શા માટે એવો મિથ્યાવાદી બનાવે છે?” પાછો બહુ વખત નિઃશબ્દ વહી ગયો. એટલામાં ક્યાંક કોઈ ઓરડાની ઘડિયાળમાં ટન્ ટન્ કરતા નવના ટકોરા થયા. દેવદાસ ઉતાવળો થઇ ગયો; તેણે કહ્યું, “અરે પારુ. બારણું ઉઘાડી નાખ.” પાર્વતી બોલી નહિ. “ઓ પારુ !” “હું કેમે કરી જવાની નથી.” બોલીને પાર્વતી અકસ્માત્ રોકી રાખેલા આવેગથી ત્યાં ને ત્યાં ઢળી પડી-બહુ વાર લાગી ખૂબ રુદન ચાલ્યું. ઓરડામાં ખૂબ અંધકાર હતો- કંઈ જ દેખાતું નહોતું. દેવદાસ માત્ર અનુમાન કરી સમજ્યો. પાર્વતી જમીન ઉપર પડીને રડે છે. ધીમે ધીમે તેણે તેને બોલાવી, “પારુ !” પાર્વતીએ રડતાં રડતાં જવાબ આપ્યો, “દેવદા ! મને ખૂબ દુઃખ થાય છે.” દેવદાસ પાસે ખસી આવ્યો. તેની આંખમાં પણ પાણી હતાં-પણ અવાજ બદલાયો નહોતો, “તે શું હું જાણતો નહિ હોઉં ?” “દેવદા, હું મરી જાઉં છું. કદી પણ તમારી સેવા કરવા પામી નહિ- મારી જનમભરની એ કામના-” અંધારે આંખો લૂછી દેવદાસે કહ્યું, “એનોય હજુ સમય છે.” “તો મારી સાથે ચાલો. અહીં તમારી સારવાર કરનાર કોઈ નથી.” “તારે ઘેર લઇ જઈ ખૂબ ચાકરી કરીશ ?” “મારી બાળપણની મુરાદ ! સ્વર્ગના ઠાકુર ! મારી એ મુરાદ પૂર્ણ કરી દો ! પછી ભલે હું મરી જાઉં- તો એનું મને દુઃખ નથી.” પાર્વતી ફરી બોલી, “દેવદા ! મારે ઘેર ચાલો !” દેવદાસ આંખો લૂછી બોલ્યો; “વારુ આવીશ.” “મને અડકીને કહો, આવશો ?” દેવદાસ અનુમાન કરી પાર્વતીના પગને હાથ લગાડી કહ્યું, “આ વાત હું કદી ભૂલું નહિ, મારી સેવા કર્યે જો- તારું દુઃખ ફીટતું હોય- તો હું આવીશ, મરતાં પહેલાં પણ મને એ વાત યાદ રહેશે.”