દેવદાસ/પ્રકરણ ૨


દેવદાસને બીજે દિવસે ખૂબ મારઝૂડ કરવામાં આવી, આખો દિવસ તેને ઘરમાં ગોંધી રાખવામાં આવ્યો. ત્યાર બાદ તેની બાએ જ્યારે ભારે રોક્કળ શરુ કરી ત્યારે જ તેને જતો કરવામાં આવ્યો. બીજે દિવસે પરોઢિયે નાસી જઈને એ પાર્વતીના ઘરની બારી પાસે આવી ઊભો. બૂમ મારી, “પારુ !” ફરીથી બૂમ મારી, “ઓ પારુ !” પાર્વતીએ બારી ઉઘાડી કહ્યું, “દેવદા !” દેવદાસે ઈશારો કરી કહ્યું, “જલદી આવ.” બંને ભેગાં થતાં દેવદાસે કહ્યું. “હૂકો પીવાની વાત કહી કેમ દીધી ?” “તેં મારી શું કરવા ?” “તું પાણી લેવા ગઈ કેમ નહિ?” પાર્વતી ચૂપ રહી. દેવદાસ બોલ્યો, “તું ગધેડા જેવી છે. હવે જો કહી ના દેતી. પાર્વતી માથું હલાવી બોલી, “ના.” “તો ચાલ, માછલી પકડવાની સોટી કાપી લાવીએ. આજે બંધમાં માછલાં પકડવા જવું છે.” વાંસઝાડીની પાસે એક નાસપતીનું ઝાડ હતું દેવદાસ તેના ઉપર ચડી ગયો; મહામહેનતે એક વાંસની ડાળી નમાવીને પાર્વતીને પકડી રાખવા કહ્યું, “જોજે, છોડી દેતી નહિ તો હું પડી જઈશ.” પાર્વતી ડાળને જીવ પર આવી ખેંચી પકડી રહી. દેવદાસ એ ડાળ પકડીને એક નાસપતીની ડાળ ઉપર પગ રાખીને ડાંડો કાપવા લાગ્યો. પાર્વતી નીચેથી બોલી, “દેવદા, નિશાળે જવું નથી ?” “ના.” “મોટા કાકા તમને મોકલશે.” “બાપુએ પોતે જ કહ્યું છે. હું હવે ત્યાં ભણવા જવાનો નથી. ઘેરે માસ્તર આવશે.” પાર્વતી સહેજ વિચારમાં પડી ગઈ. પછી બોલી, “કાલથી ઉનાળાને લીધે અમારે સવારની નિશાળ થઇ છે; હું તો આ ચાલી-” દેવદાસ ઉપર રહ્યો રહ્યો આંખો લાલ કરી બોલ્યો, “ના, જવાનું નથી.” એ વેળા પાર્વતી જરા બેધ્યાન થઇ ગઈ. તરત જ વાંસની ડાળી છટકી ગઈ અને દેવદાસ નાસપતીની ડાળ ઉપરથી નીચે પડી ગયો. ડાળી બહુ ઊંચી નહોતી એટલે એટલું વાગ્યું નહિ, પણ શરીર બહુ ઠેકાણે છોલાઈ ગયું. નીચે પછડાતાં ગુસ્સે થયેલા દેવદાસે એક સૂકી સોટી લઈને પાર્વતીની પીઠ ઉપર, ગાલ ઉપર, જ્યાં ત્યાં જોરથી ધડાધડ ચોડી દીધી. બોલ્યો, “જા. આઘી જા.” પહેલાં તો પાર્વતી જાતે જ ભોંઠી પડી ગઈ, પરંતુ જ્યારે સોટી ઉપર સોટી વારાફરતી પડવા લાગી ત્યારે ક્રોધ અને અભિમાનપૂર્વક તેની બંને આંખો અંગારા જેવી થઇ ગઈ. તે રડી પડી બોલી, “આ હું મોટા કાકાની પાસે હું જાઉં છું-” દેવદાસ ગુસ્સે થઈને બીજો એક ફટકો ચોડી દઈ જવાબ આપ્યો, “જા, હમણાં જઈને કહી આવ- કોને પડી છે?” પાર્વતી ચાલી ગઈ. થોડે દૂર ગઈ એટલે દેવદાસે બૂમ મારી, “પારુ !” પાર્વતીએ સાંભળવા છતાં ન સાંભળ્યું કર્યું. તે વધારે ઝડપથી ચાલવા લાગી. દેવદાસે ફરી બૂમ મારી, “ઓ પારુ, સાંભળતી જા ને!” પાર્વતીએ જવાબ વાળ્યો નહિ. દેવદાસે ધૂંધવાઈને થોડી રાડારાડ કરી, પછી ગમે તેમ બોલી નાખ્યું, “જા, મર જા.” પાર્વતી ચાલી જતાં દેવદાસે જેમતેમ ફરી બેએક સોટી કાપી લીધી. તેનું મન ખાટું થઇ ગયું હતું. રડતી રડતી પાર્વતી ઘેર પાછી આવી. તેના ગાલ ઉપર સોટીના સોળ લીલાછમ ફૂલી ઉઠ્યા છે. સૌથી પહેલાં દાદીની નજર પડી. તે ચીસ પાડી ઊઠ્યાં, “ઓ રે ઓ મા ! કોણે આવી મારી, પારુ?” આંખ લૂછતાં લૂછતાં પાર્વતી બોલી, “પંડિતમહાશયે.” દાદી તેને કેડમાં લઈને ભયંકર ક્રોધ કરી બોલ્યાં, “ચાલ તો, એક વાર નારાયણની પાસે જઈએ; જોઉં છું એ કેવો પંડિત છે તે ! હાય રે, છોકરીને તો જાણે મારી જ નાખી!” પાર્વતીએ દાદીને ગળે વળગી પડી કહ્યું, “ચાલો.” મુખરજી મહાશયની પાસે જઈ દાદીએ પંડિતમહાશયની અનેક પેઢીઓનો ઉલ્લેખ કરી તેમનો પરલોક પણ બગડે, અને પાછળ પિંડ દેનાર પણ કોઈ ન રહે, એવી ઈચ્છા જાહેર કરી. આખરે, ખુદ ગોવિંદને પણ ખૂબ ગાળો ભાંડી બોલ્યાં, “નારાણ, જુઓ તો મૂઆની ધૃષ્ટતા ! શુદ્ર થઈને બામણની દીકરીના શરીર ઉપર હાથ ઉગામે છે! કેવી મારી છે, જરા જુઓ !” બોલીને ગાલ ઉપરના લીલા સોળ અત્યંત દુઃખ સાથે બતાવવા લાગ્યાં. નારાયણ બાબુએ પાર્વતીને જ પૂછ્યું, “કોણે મારી, પારુ?” પાર્વતી બોલી નહિ એટલે દાદીએ ફરીથી એક વાર ચીસ નાખી કહ્યું, “બીજું વળી કોણ? એ ગમાર પંડિતડો.” “શું કરવા મારી?” પાર્વતી આ વખતે પણ ચૂપ રહી. મુખરજી મહાશય સમજ્યા કે કંઈ ગુનો કરવા માટે માર પડ્યો હશે. પરંતુ, આવો માર મારવો યોગ્ય નથી, એટલું મોટેથી બોલ્યા. સાંભળીને પાર્વતી બરડો ખુલ્લો કરીને બોલી, “અહીંયાં પણ મારી છે.” પીઠના સોળ વળી વધારે સ્પષ્ટ અને વધારે મોટા હતા. એટલે બંને જણાં બિલકુલ સળગી ઊઠ્યાં. પંડિત મહાશયને બોલાવીને કેફિયત માગવી એવી મુખરજી મહાશયે સલાહ આપી. અને એવું પણ નક્કી થયું, કે આવા પંડિતની પાસે છોકરાછોકરીને ભણવા મોકલવાં ઠીક નથી. આ મત સાંભળીને પાર્વતી ખુશ થઇ ગઈ. દાદીની કેડે બેસીને ઘેર પાછી આવી. ઘેર પહોંચતા પાર્વતીની બાએ ઉલટ તપાસ શરુ કરી, તેમણે હઠ પકડી, “કેમ મારી, બોલ?” પાર્વતી બોલી, “અમથી મારી.” તેની બાએ તેના સારી પેઠે કાન આમળ્યા ને પૂછ્યું, “અમથું તે વળી કોઈ કદી મારે?” પરસાળમાં થઇ એ જ વખતે સાસુ જતાં હતાં. તે ઉંબરા પાસે આવીને બોલ્યાં, “વહુ, મા થઈને તું એને વગર વાંકે મારે છે તો પેલો બળ્યા મોંનો પંડિત ના મારે?” વહુએ જવાબ આપ્યો : “વગરવાંકે કદી ના મારે. છોકરી પાછી બહુ ડાહીને ! કંઇક કર્યું હશે તો મારી હશે.” સાસુ ચિડાઈને બોલ્યાં, “બહુ સારું. એમ તો એમ, પણ એને હું નિશાળે જવા દેવાની નથી.” “જરા લખતાં વાંચતાં શીખશે કે નહિ?” “તો શું થઇ ગયું,(વહુ) અડધોપડધો કાગળ લખતાં આવડે, બે કડી રામાયણ મહાભારત વાંચતાં શીખે એટલે બહુ. તારી પારુ શું જડજ થવાની છે કે વકીલાત કરવા જવાની છે?” વહુ લાચારીથી ચૂપ રહી. તે દિવસે દેવદાસ બીતો બીતો ઘેર આવ્યો. પાર્વતીએ આટલી વારમાં બધું કહી નાખ્યું હશે એ વિષે તેને જરાય સંશય નહોતો. પણ ઘેર આવતાં જ્યારે તેનો રજમાત્ર પડછાયો સુધ્ધાં પણ જણાયો નહિ, બલ્કે માની પાસે સાંભળ્યું- આજે ગોવિંદ પંડિતે પાર્વતીને પણ ખૂબ મારી છે અને એથી હવે તે નિશાળે જવાની નથી- ત્યારે તો તેને એટલો બધો આનંદ થયો કે તેણે પૂરું ખાધું પણ નહિ; ગમે તેમ કરી, બે કોળિયા ગળે ઉતારી, પાર્વતીની પાસે દોડી આવીને હાંફતો હાંફતો તે બોલ્યો, “તું હવે નિશાળે જવાની નથી?” “ના.” “શી રીતે એમ થયું?” મેં કહ્યું, “પંડિતમહાશયે મારી.” દેવદાસ મોં ભરીને હસ્યો, તેની પીઠ થાબડી અભિપ્રાય આપ્યો કે તેના જેવી બુદ્ધિશાળી આ પૃથ્વીમાં બીજી કોઈ નથી. ત્યાર બાદ ધીરે ધીરે પાર્વતીના ગાલના લીલા સોળ કાળજીપૂર્વક જોઇને નિસાસો નાખી બોલ્યો, “આહા!” પાર્વતી જરાક હસી મોઢા તરફ જોઈ બોલી, “શું?” “બહુ વાગ્યું, નહિ, પારુ?” પાર્વતી માથું હલાવી બોલી, “હંઅ.” “આહા ! શું કરવા એવું કરે છે? એટલે તો ગુસ્સો ચડે છે. એટલે તો મારું છું.” પાર્વતીના આંખમાં પાણી આવ્યાં. મનમાં થયું, લાવ પૂછું કે શું કરું છું ? પરંતુ કંઈ પૂછી શકી નહિ. દેવદાસ તેના માથા ઉપર હાથ રાખી બોલ્યો, “હવે એવું કરતી નહિ, કેમ?” પાર્વતી માથું હલાવી બોલી, “નહિ કરું !” દેવદાસ ફરી તેની પીઠ એક વાર થાબડી બોલ્યો, “પારુ, હવે કદી પણ હું તને મારીશ નહિ.”