દેવોની ઘાટી/સિમલા ડાયરી


સિમલા ડાયરી

ભોળાભાઈ પટેલ

સમરહિલ સ્કૅન્ડલ પૉઇન્ટ
ઉદય-અસ્ત અને રાધાનો અભિસાર
સ્નૅપશૉટ્સ કુફરી
રાષ્ટ્રપતિનિવાસ, સમરહિલ, સિમલા
૨૧ જૂન, ૧૯૮૭

સિમલામાં છું. સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની છે. એક કાળે ભારતમાંના બ્રિટિશ રાજની ઉનાળાની રાજધાની હતી. સિમલાની આથમણી દિશાની પહાડીઓમાં એક ઊંચી પહાડી છે સમરહિલ. આ સમરહિલ પર આજથી બરાબર એકસો વર્ષ પહેલાં વાઇસરૉયના નિવાસ માટે એક ભવ્ય ઇમારત બાંધવામાં આવી. એ વખતે વાઇસરૉય હતા લોર્ડ ડફરીન. ૧૮૮૪થી ૧૮૮૮ના ગાળામાં એનું નિર્માણકાર્ય થયું. એ ભવ્ય વાઇસરીગલ લૉજ છોડીને ૧૯૪૭માં અંગ્રેજો ચાલ્યા ગયા. ભારતની આઝાદી પછી એને નામ મળ્યું રાષ્ટ્રપતિ નિવાસ.

કદાચ શરૂઆતમાં સ્વતંત્ર ભારતના રાષ્ટ્રપતિ ઉનાળામાં અહીં આવતા હશે; પરંતુ પછી ૧૯૬પથી અહીં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍડ્વાન્સ્ડ સ્ટડીની ભારત સરકારે સ્થાપના કરી છે. આ ઇન્સ્ટિટ્યૂટમાં તા. ૨૨મીથી ૨૬મી જૂન સુધી તુલનાત્મક સાહિત્ય વિશે એક અખિલ ભારતીય સેમિનાર છે, તેમાં ભાગ લેવા ઇન્સ્ટિટ્યૂટનાં આજનાં ડિરેક્ટર શ્રીમતી માર્ગારેટ ચેટરજી તરફથી નિમંત્રણ મળતાં અહીં આવ્યો છું.

એક જમાનાના વાઇસરૉયના નિવાસસ્થાનના એક મોટા ઓરડામાં બેસીને આ નોંધ ટપકાવું છું. બારી બહાર પૂર્વ-ઉત્તર દિશામાં આછી ધુમ્મસછાયી લીલી ડુંગરમાળા વિસ્તરેલી છે. એના પર સ્વચ્છ તડકો પથરાયો છે. નજીકમાં જ કદાચ ઇમારત જેટલાં જ શતાયુ દેવદારુ અને ચિનારનાં વૃક્ષ છે. એકદમ નીરવતા છે.

હિમાચલ રાજ્ય ૧૯૭૧માં અસ્તિત્વમાં આવ્યું છે. અરુણાચલ, મેઘાલય જેવી એના નામકરણની પણ સાર્થકતા છે. સમગ્ર રાજ્ય હિમાલયની ગિરિમાળામાં વસેલું છે. હિમાચલની સરહદ શરૂ થતાં ડુંગરો શરૂ થઈ જાય છે. અથવા એમ કહો કે ચંડીગઢ છોડ્યા પછી હરિયાણાનો થોડો વિસ્તાર આવે અને પછી તરત પહાડો શરૂ થઈ જાય. ચંડીગઢના વિમાનઘર પર ઇન્સ્ટિટ્યૂટની મોટરગાડી લેવા માટે આવી હતી. હજી તો સવારના સાત થયા હતા.

ચંડીગઢના વિમાનઘરથી બારોબાર અમે સિમલાને માર્ગે નીકળ્યા. હરિયાણાની ચૂંટણી હમણાં જ થઈ હતી, એનાં ચિહ્નો જ્યાંત્યાં દેખાય. ચંડીગઢ અત્યારે પંજાબની પણ રાજધાની અને હરિયાણાની પણ. વળતાં ચંડીગઢ થઈને રોકાઈને આવવાનો વિચાર છે, ત્યારે કદાચ પંજાબની ક્ષુબ્ધ સ્થિતિની ઝાંખી કરી શકાશે. અત્યારે તો રોજ છાપામાં હત્યાઓના સમાચાર વાંચી કંપી જવાય છે. ક્યાં સુધી ચાલશે?

થોડા દિવસો પહેલાં અહીં બધે ખૂબ વરસાદ થઈ ગયો છે. સિમલા આવ્યા પહેલાં પણ સમાચાર આવતા રહેતા કે આખા વિસ્તારમાં વર્ષા-આંધી બરાબર જામ્યાં છે. બરફવર્ષા પણ. ચંડીગઢમાં ઊતર્યા ત્યારે થોડો વરસાદ પડી ગયો હતો. સડકો ભીની હતી.

હરિયાણા ઘણો સમૃદ્ધ વિસ્તાર લાગ્યો. વચ્ચે કાલકા ગામ આવતાં ત્યાં નાસ્તો કરવા ઊતર્યા. સમૃદ્ધિની સાથે સ્વચ્છતાનો વિકાસ પણ થયો હોત તો? વિચાર થયો કે નાસ્તો નથી કરવો, પણ મને લેવા આવેલા શ્રી હરિજીને ખરાબ લાગશે, માની નાસ્તો કર્યો.

આ કાલકા સ્ટેશનથી સિમલા નેરોગેજની ગાડી જાય છે. ઘણા- બધાએ કહેલું કે કાલકા-સિમલા ટ્રેનની મુસાફરીનો રમણીય અનુભવ લેવા જેવો હોય છે. વાંકીચૂકી અને ટનલોમાંથી પસાર થતી નાનકડી ગાડી ઊંચા ઊંચા પહાડો ચડતી જાય છે. દાર્જિલિંગ જતાં સિલીગુડીથી દાર્જિલિંગની પણ આવી ગાડી છે. ખરેખર તો આ વિસ્તારનો ‘ફીલ’ — સ્પર્શ પામવો હોય તો ગાડીઓની મુસાફરી જતી ન કરવી જોઈએ.

સડક પર અમારી મોટર દોડતી હતી, ત્યાં બાજુમાં રેલગાડી પસાર થઈ. જોતજોતામાં ટનલમાં પેસી ગઈ. હવે પહાડો શરૂ થઈ ગયા હતા. વરસાદ પડી ગયો હોવાથી પહાડોમાં ભીનાશ હતી. રસ્તામાં ફરી ચા પીવા માટે કસૌલી મોટર ઊભી રાખી. હરિજીએ કહ્યું કે, ‘કસૌલી એમનું સાસરું છે, અને અહીં તેમનાં પત્ની તેમની રાહ જોવાનાં હતાં. એમને પણ સિમલા આવવાનું હતું.’

કસૌલી પણ એક રમ્ય ગિરિનગર છે. ખરેખર તો હિમાલયનાં બધાં થાનકો ગિરિનગર કે ગિરિગ્રામ જ છે. અહીં વનો છે અને પર્વતો છે, અને પર્વતો પણ હિમાલયની હારમાળામાંના. હરિજીએ કહ્યું કે ગિરિનગર તરીકે કસૌલીનો ઘણો વિકાસ હિમાચલ પ્રદેશ ટૂરિઝમે કર્યો છે.

ચંડીગઢથી સિમલા ૧૨૦ કિલોમીટર થાય, પણ આ તો પહાડી માર્ગ. સરેરાશ કરતાં સમય વધારે લાગે તે સ્વાભાવિક છે. પણ હવે તો અમે એકદમ પહાડોની વચ્ચે હતા. વૃક્ષોથી છવાયેલા પહાડોની શોભા જુદી જ હોય છે. વળી આપણને થાય કે આ પહાડો તો હિમાલયના, એટલે એક જુદો ભાવ પણ થાય. આમ તો શિવાલિક શ્રેણી તરીકે આ પહાડો ઓળખાય છે.

સિમલા દેખાયું, પણ પ્રવેશના માર્ગે સૌથી પહેલાં બહુમાળી હોટલ નજરે પડી. એકદમ રસ્તાની ધારે છે. સિમલા પહેલી વારનું આગમન છે, એટલે કૌતુક ભાવ પણ ઘણો છે. સમરહિલ સિમલાની શરૂઆતમાં જ આવે છે એટલે અમારી ગાડી સમરહિલ તરફ વળી ગઈ.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍડ્વાન્સ્ડ સ્ટડી – અર્થાત્ હવે હિન્દીના અમલીકરણની યોજના અન્વયે ‘ભારતીય ઉચ્ચ અધ્યયન સંસ્થાન’ વિષે ઘણું સાંભળ્યું હતું. એનાં પ્રકાશનો જોયાં હતાં. અહીં આવવાની ઘણી હોંશ હતી. મનમાં એવી આકાંક્ષા જરૂર છે કે આ સંસ્થાની એક-બે વર્ષની ફેલોશિપ લઈ અહીં અધ્યયન-સંશોધનનું કંઈક કામ કરવું. પણ આમ એકાએક એક સપ્તાહ માટે અહીં આવવાનો સુયોગ મળશે એવી કલ્પના નહોતી. મનમાં એનો ઉમંગ છે.

એક વળાંકથી મોટરગાડી ઉપર ચઢવા લાગી અને ત્યાં સંસ્થાના પ્રવેશદ્વાર પર નામ જોયું. ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍડવાન્સ્ડ સ્ટડી.’ જોતજોતામાં એક ભવ્ય ઇમારતના દ્વારે મોટર ઊભી રહી. ક્ષણેક તો મને લાગ્યું કે રાણી એલિઝાબેથના વખતની લંડન જેવા નગરની કોઈ જૂની પરંપરાની ભવ્ય ઇમારત આગળ ઊભો છું. આજુબાજુનો પરિવેશ ભારતીય હતો, પણ આખી ઇમારત અંગ્રેજી.

સેમિનારમાં ભાગ લેનાર સૌ આજથી આવવાના. સંસ્થાના ડિરેક્ટર માર્ગારેટ ચૅટરજી દ્વારે જ ઊભાં હતાં. આ અંગ્રેજ મહિલા ભારતીયને પરણ્યાં છે. ફિલૉસૉફીનાં વિદુષી છે. દિલ્હી યુનિવર્સિટીમાં અધ્યાપન કર્યું છે. તેમણે હસીને સ્વાગત કર્યું. સ્વાગત-કાઉન્ટર પર રજિસ્ટ્રેશન કરી લીધા પછી, તરત મને મારા ઓરડામાં શ્રી હરિજી લઈ આવ્યા. પગથિયાં ચઢતાં થયું કે આ ઇમારતનો એક જમાનો કેવો હશે! બધું ઊંચું ઊંચું જૂની પદ્ધતિનું પણ ભવ્ય અને શાલીન.

ઓરડામાં બધી વ્યવસ્થા છે. વાંચવા-લખવાની, સૂવા-બેસવાની. હરિજીના ગયા પછી બારણું બંધ કરી મેં પૂર્વોત્તર દિશાની બારીમાંથી નજર કરી. આછા ધુમ્મસથી આચ્છાદિત ગિરિમાળા વિસ્તરેલી છે.

૨૧ જૂન ૧૯૮૭, રાત

સિમલા લગભગ ૭૨૦૦ ફૂટની ઊંચાઈએ છે અને હિમાલયમાં જ વસેલું ગણાય. એટલે અહીં આ જૂનમાં જ્યારે આપણે ત્યાં અને સમગ્ર ભારતમાં પ્રચંડ ગરમીનું મોજું વિસ્તર્યું છે ત્યારે અત્યારે રાત્રિ વેળાએ બારીઓ બંધ રાખી મારા રૂમમાં હીટર શરૂ કર્યું છે. અહીં દિવસ ખુશનુમા રહ્યો, પણ રાત ઠંડી પડી ગઈ છે.

આજે બપોરના જ ઘણાખરા સેમિનારમાં ભાગ લેનાર સભ્યો આવી ગયા છે. સેમિનાર કાલથી શરૂ થનાર છે, એટલે આજની સાંજ સૌ મુક્ત હતા. દિલ્હીમાંથી આવનાર સભ્યો તો સિમલાથી પરિચિત છે. એક યા અન્ય બહાને એમને અહીં આવવાનું થતું હોય છે. કેટલાક મિત્રોએ વિચાર્યું કે આજે સિમલા નગરમાં જઈ આવીએ.

ઇન્સ્ટિટ્યૂટની જીપમાં અમે પાંચેક મિત્રો નીકળ્યા. સિમલા મુખ્ય નગર આ સમરહિલથી દૂર પડે. નગરનો આ પશ્ચિમ છેડો છે. જીપ વાંકાચૂંકા માર્ગે દોડવા લાગી. દક્ષિણ દિશા તરફ દેવદારુ વૃક્ષોથી છવાયેલો ખીણનો વિસ્તાર, પણ સામે ઊંચી પહાડીના ઢોળાવ પર ઘોડાની નાળના આકારમાં વસેલું સિમલાનગર. ઢોળાવ પર ઘર આવ્યાં હોવાથી આખા નગરને આંખમાં ભરી શકાય. બધાં ઘરને પતરાંનાં જ છાપરાં, તે પણ ઢળતાં. અહીં શિયાળામાં પુષ્કળ બરફ પડે છે. સાંજનો ઢળતો તડકો આખા નગર પર પડતો હતો. એ તડકામાં જુદા જુદા રંગનાં, ખાસ તો લાલ રંગનાં પતરાંનાં છાપરાં ચમકતાં હતાં.

કહે છે કે સિમલાનું મૂળ નામ તો શામલા. એકાદ પહાડી ગામ હશે. લેફ્ટનન્ટ રોઝ નામના એક બ્રિટિશ લશ્કરના અફસરે ૧૮૧૯માં એ શોધી કાઢ્યું, કહો કે એની નજરે પડ્યું. ૧૮૨૨માં એક મેજર કેનેડીએ પોતા માટે અહીં ઘર બંધાવ્યું અને પછી તો સિમલા જાણે ઉનાળાની ઋતુની અંગ્રેજોની વસાહત બની ગઈ. ઓગણીસમી સદીના અંત ભાગમાં તો એ ઉનાળાની રાજધાની બની ગયું. એ વખતે સમરહિલ પરનું આ ભવ્ય મકાન બંધાયું.

આ મકાનનો સ્થપતિ હતો હેનરી ઇરવિન. એ વખતના વાઇસરોય લોર્ડ ડફરીનની સાથે એનું નામ પણ આ ઇમારતના અગ્રભાગે બ્રિટિશ સામ્રાજ્યનાં સિંહ-ઘોડાનાં મુદ્રાચિહ્નો સાથે અંકિત છે. હિમાલયના જ રાખોડી રંગના પથ્થરોથી એનું નિર્માણ થયું છે. મકાનનું સ્થાપત્ય અંગ્રેજી રેનેસાં યુગનું – એલિઝાબેથન છે. સિમલાની વાત કરતાં કરતાં આ મકાનની વાત આવી ગઈ. આ દેશના અનેક ભાગ્યવિધાયક નિર્ણયો અહીં લેવાયા હશે.

સિમલામાં હજીય અંગ્રેજી ગંધ અનુભવાય, પણ એમાં હવે આપણી ભારતીયતા ભળી ગઈ છે. હિમાલયની રાજધાની સિમલાના પહાડી માર્ગ હવે વધી ગયેલાં વાહનોની અવરજવરથી સાંકડા બની ગયા છે, તેમાંય આ જૂન માસ. સહેલાણીઓનાં જૂથનાં જૂથ ઊતરી આવ્યાં છે. એટલે આજે પહેલી નજરે સિમલા નજરે કોઈ આકર્ષણ જગાવ્યું નથી. ભીડભાડવાળા બસ-સ્ટેન્ડવાળા માર્ગેથી અમે આગળ ગયા. નીચે સિમલાનું નાનકડું રેલવે સ્ટેશન દેખાતું હતું. અમે જીપમાંથી ઊતરી ગયા.

અહીંથી માલરોડ જવા હવે હિમાચલ પ્રદેશના પ્રવાસન વિભાગ તરફથી લિફ્ટ સેવા શરૂ કરવામાં આવી છે. એક રૂપિયાની ટિકિટ. એક લિફ્ટમાં ઉપર જાઓ. પછી થોડું ચાલી બીજી લિફ્ટ, તે છેક સિમલાના ઊંચામાં ઊંચા માલરોડ ઉપર. મસૂરીમાં રોપ-વે છે, અહીં લિફ્ટ.

લિફ્ટ જ્યાં છે, એ આખો ખાંચો ટૂરિસ્ટ ટૅક્સીઓથી ભરચક છે. લિફ્ટમાં ચઢવા લાંબી લાઇન. અમે ચાર હતા. દિલ્હીના પ્રોફેસર ચંદ્રમોહન વિનોદી સ્વભાવના હતા અને અહીંથી પરિચિત હતા. બે લિફ્ટ ચડી અમે માલરોડ પર આવી ગયા. રવિવાર છે એટલે થોડીક દુકાનો બંધ છે, પણ સહેલાણીઓ અપરંપાર દેખાય.

અહીંથી નીચેનું દૃશ્ય તો સુંદર દેખાતું હતું. અમે લગભગ સો વર્ષ જૂના એક ચર્ચ આગળ આવી ઊભા. અહીં મોટું મેદાન છે. ગઈ કાલે જ દેશના વડાપ્રધાન રાજીવ ગાંધી અહીં આવી ગયા છે. આ મેદાનમાં જ એમનું પ્રવચન હતું. તાજાં પોસ્ટરો બધે ચોડેલાં છે. હરિયાણામાં કોંગ્રેસની હાર પછીનું એ પ્રવચન હતું. ચર્ચની બાજુમાં જ એક પેવેલિયન જેવું છે. ત્યાં એક શિલાલેખ કોતરેલો છે, જેમાં લખ્યું છે કે ૨૪ જાન્યુઆરી, ૧૯૭૧ના દિવસે આ રાજ્યનું ઉદ્ઘાટન ઇન્દિરા ગાંધી દ્વારા થયું.

અહીંથી એક બાજુએ સિમલાનું પ્રસિદ્ધ લક્કડ બજાર છે. બીજી બાજુએ સ્કેંડલ પોઇન્ટ. લક્કડ બજારમાં સિમલાની સ્થાનિક કારીગરીની વસ્તુઓ વેચાય છે. લાકડા પર કરેલું ચિત્રકામ, કે લાકડાની બનેલી કલાત્મક વસ્તુઓ સસ્તે ભાવે મળે છે. ભાવની રકઝક તો કરવી જ પડે. મેં પ્રોફેસર ચંદ્રમોહનને પૂછ્યું કે લક્કડ બજાર નામ તો બરાબર, પણ આ સ્કેંડલ પૉઇન્ટનું શું? કહે – એ બ્રિટિશ સિમલાનો રસિક કિસ્સો છે. જ્યારે અંગ્રેજો અહીં રહેતા હતા, વાઇસરૉય અહીં રહેતા હતા, એ દિવસોની વાત છે. એ દિવસોમાં આ વિસ્તાર રંગરેલી માટેનો વિસ્તાર. બ્રિટિશ મેમસાહેબોનો માનીતો વિસ્તાર, અહીં દેશી રાજા-મહારાજાઓની અને એમની રાણીઓની પણ આવનજાવન રહેતી. તેમાં પતિયાળાના મહારાજા અને વાઇસરોયની છોકરીના પ્રણયકિસ્સાની વાત ઊડી. જ્યાં એ મળેલાં એ જગ્યાનું નામ પડી ગયેલું સ્કેંડલ પોઇન્ટ. અમારા શીખ સાથી પ્રોફેસર ગુરુભગતસિંહ કહે, અંગ્રેજો ત્યારે સામ્રાજ્ય જમાવતા હતા અને આપણા મહારાજાઓ સ્કેંડલો કરતા હતા!

વાઇસરૉયે પછી તો પતિયાળાના મહારાજને માટે સિમલાની પ્રવેશબંધી ફરમાવી. પણ આય તે મહારાજા. તેમણે સિમલાની બાજુમાં જ એક નવું હિલસ્ટેશન વસાવ્યું – ચૈલ. આજે એ રમ્ય ગિરિનગર છે. એ સૌ ચાલ્યા ગયા, કેટલાંય બ્રિટિશ સમયનાં નામ પણ ચાલ્યાં ગયાં, અને આ સ્કેંડલ પૉઇન્ટ સિમલાની રસિકતાનું ચિહ્ન રહી ગયું છે! નહિતર સ્કેંડલો કયા દેશમાં અને ક્યારે નથી થતાં?

મારી સામે એ ભૂતકાળના દિવસોનું કાલ્પનિક ચિત્ર પ્રકટતું હતું. કેટલાક એને કિપ્લિંગનું સ્કેંડલ પૉઇન્ટ કહે છે. રડિયાર્ડ કિપ્લિંગ સિમલાના પ્રેમમાં હતો. એણે પોતાની કવિતામાં કે કથામાં આ નગરને ચમકાવ્યું હોવાની વાત કોઈએ કરી. આ પેલો ‘ઇસ્ટ ઇઝ ઇસ્ટ’વાળો કિપ્લિંગ.

મેદાન યાત્રીઓથી ભર્યું હતું. કેટલાક ઘોડેસવારીનો આનંદ લેતા હતા, કેટલીય તરુણીઓ સ્થાનિક લોકોના પહેરવેશ પહેરી ફોટા પડાવતી હતી. અહીંથી સિમલાની બંને બાજુઓના ઢાળમાં વસેલાં મકાનો અને ઉપર છવાયેલાં દેવદારુ દેખાતાં હતાં.

વળી પાછી બે લિફ્ટ ઊતરી અમે નીચેના માર્ગ પર આવી ગયાં. અમારી જીપ બીજા કેટલાક સાથીઓ લઈને આવી હતી, પણ તેઓ તો હવે બારોબાર ઊતર્યા વિના પાછા જવાના મિજાજમાં હતા. બધાં માંડ ગોઠવાયાં અને પછી ઇન્સ્ટિટ્યૂટમાં આવી ગયાં.

એકદમ શાંત, નિભૃત ઇમારત. સામેની લીલીછમ હરિયાળી પર સાંજનો નરમ તડકો પથરાતો હતો. અમે સૌ મિત્રો થોડી વાર ઘાસમાં બેઠા. મારી નજર તો આ વિશાળ ઇમારત અને આજુબાજુની પહાડીઓ પર ફરતી રહી.

ઇમારતના વિશાળ હૉલમાં લંચ-ડિનર હોય છે. ડિનર વખતે મેં જોયું તો એકસરખી પટ્ટી પર જુદા જુદા વાઇસરૉયનાં નામ અને તેમના શાસનકાળનાં વર્ષો લખ્યાં છે. લાગે છે કે ઉપર ટીંગાડેલી તસવીરો હટાવી લીધી છે, નામ રહ્યાં છે. અનેક ઐતિહાસિક ઇમારતો જોઈ છે, પણ આ ઇમારતમાં કોઈ વિચિત્ર અનુભૂતિ થાય છે. કોઈએ રમૂજમાં કહ્યું કે, આ ઇમારતમાં ઘણાં ભૂત છે, ગોરાં સફેદ ભૂત! મને થયું કે ભૂત હોય કે ના હોય, પણ આ ઇમારત રહસ્યમય તો છે.

ડિનર પછી ફરી ખુલ્લા ઘાસ પર આવ્યા, તો ઠંડી ઊતરી પડી હતી. પણ તારા મઢ્યા આકાશ ભણી નજર કર્યા સિવાય રહી શકાયું નહિ. વૃશ્ચિક અને સપ્તર્ષિ સ્પષ્ટ દેખાતા હતા. થોડી વારમાં જ પછી તો રૂમમાં આવી જાઉં છું.

૨૨ જૂન, ૧૯૮૭

સિમલાના પહાડો પર થતો સૂર્યોદય જોવો હતો. સમુદ્ર પર થતા સૂર્યોદય કે સૂર્યાસ્તના દૃશ્યની જેમ પહાડો પરના સૂર્યોદય કે સૂર્યાસ્ત જોવાનો એક વિશિષ્ટ અનુભવ હોય છે. આ ઘટનાઓ એવી છે, જ્યારે આપણે સમયના રથની ગતિ જોઈ શકીએ છીએ. ક્યારેક તો કોઈ બંધ કળી અને પાંદડીઓ બની ફૂલ રૂપે ખૂલતી હોય, એમ લાલ આભાવાળા સૂર્યબિંબની સહસ્ર પાંખડીઓ ખૂલી રહી હોવાનું આપણને લાગે. પહાડોમાં કોઈ પહાડની ધારે ચઢીને ડોકિયું કરતાં સૂરજનું દૃશ્ય અત્યંત લોભામણું હોય છે. સૂરજ પોતે તો પ્રકટતો હોય છે, પણ આસપાસનું આ વિશ્વ પણ પ્રકટતું અને પરિવર્તિત થતું આપણી નજરને ખેંચી રાખે છે.

આજે એવું થયું. વહેલી સવારે જાગી ગયો ત્યારે સાડા પાંચ થયા હતા. પહેલી ઇચ્છા તો એ થઈ કે આવાસની બહાર નીકળી ખુલ્લામાં જઈ સૂર્યોદય જોવો. પણ આખા આવાસમાં નીરવ શાંતિ હતી. નીચેનું મુખ્ય દ્વાર પણ અત્યારે કદાચ બંધ હોય. પછી જોયું કે આ વિશાળ ઓરડામાંથી બહાર દેખાતી લાંબી ખુલ્લી છત પર જવાય એમ છે. દ્વાર હતું પણ તે બંધ હતું અને ત્યાં લખવાનું ટેબલ ગોઠવેલું છે. દ્વારની બે બાજુએ કાચની બારી છે. બારી ખોલી, કૂદી છત પર જવાય એમ હતું.

બારી ખોલતાં સવારની તાજગીભરી ઠંડી હવા ઓરડામાં વહી આવી, એની સાથે વૃક્ષોનાં પાંદડાં વચ્ચેથી એના પસાર થવાથી થતો સરસરાટ કાને પડ્યો. બારીમાંથી કૂદી બહાર નીકળવું એ સભ્યતા તો ન ગણાય, પણ હું મને રોકી શક્યો નહિ. મારી બાજુથી પશ્ચિમ બાજુના ત્રીજા ઓરડામાં જસ્ટિસ મસૂદનો ઉતારો છે. અંગ્રેજોના સમયમાં એ વાયસરિનનો ઓરડો હતો. જસ્ટિસ સાહેબ મને બારીમાંથી બહાર કૂદતો કદાચ જુએ તો કેવું લાગે એવો વિચાર આવે એ પહેલાં હું ખુલ્લી છત પર પહોંચી ગયો હતો.

આહ, કેવું સુખ!

બરાબર આ ક્ષણે પૂર્વ દિશામાં પહાડની ધાર પર સૂર્ય દેખાયો. એ દિશામાં તેજ પથરાયું છે પણ સિમલાનગર જે નમ્ર પર્વત ઢોળાવ પર છે, તે તો છાયામાં છે, કળાતું નથી. માત્ર પહાડ દેખાય છે, ઉત્તર તરફ વૃક્ષોથી ભરેલી ખીણ છે, વચ્ચે વચ્ચે મકાન છે. પવનનો સરસરાટ વધારે શ્રાવ્ય બન્યો. એ વિશાળ ખુલ્લી છત પર વચ્ચોવચ બેઠક છે. અહીંથી ત્રણ દિશાઓમાં પ્રસરેલી ખીણોની સુંદરતા બરાબર નજર ખેંચે. હું ત્રણે દિશાઓમાં જોઉં છું, ચોથી દિશા તો મારા ઓરડાની, જેમાંથી હું અત્યારે બહાર નીકળી ગયો છું.

પશ્ચિમના પહાડો પર તડકો પથરાવા લાગ્યો. હરિયાળો રંગ સુપેરે પ્રકટ થયો. કોઈ અજાણ્યું પંખી ક્યારનુંય લયાત્મક રીતે ગાન કર્યા કરે છે. તેમાં કાગડાના અવાજે વિવિધતા આણી. દૂર પર્વતોની બે-ત્રણ હારમાળા છે, જેના પર આછું ધુમ્મસ છે. પેલી બેઠક પર આસન જમાવું છું. વૃક્ષાન્તરલામાંથી સૂર્ય, પવન, પંખી.

મને થયું કે, બાજુના ઓરડાઓમાંથી કોઈ આ વહેલી સવારે મને જોતું. હશે. વળી બારી કૂદીને મારા ઓરડામાં આવી ગયો અને બારી વાસી દીધી.

થોડી વાર પછી તો સવારની ચા આવી ગઈ.

બપોરના ખાણા પછી તુલનાત્મક સાહિત્ય વિષેના અમારા સેમિનારનું ઉદ્ઘાટન થયું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍડવાન્સ્ડ સ્ટડી તરફથી એનાં ડિરેક્ટર માર્ગારેટ ચૅટરજીએ સાધનસજ્જ સેમિનાર ખંડમાં સૌ પ્રતિનિધિઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. સંસ્થાના ઉપપ્રમુખ જસ્ટિસ મસૂદે પ્રાસંગિક પ્રવચન કર્યું. આ જસ્ટિસ મસૂદને શાંતિનિકેતનમાં જ્યારે ઉમાશંકર જોશી વિશ્વભારતીના આચાર્ય (કુલપતિ) હતા, ત્યારે મળવાનું થયેલું. બંગાળીભાષી છે. મેક્સિકોમાં ભારત ખાતેના રાજદૂત અધ્યાપિકા ગાર્સિએલા એક પ્રતિનિધિ તરીકે ભાગ લેવા આવ્યાં હતાં. ભારતની જુદી જુદી યુનિવર્સિટીઓમાંથી આવેલા બીજા વીસેક અધ્યાપકો હતા, અને બીજા આ સંસ્થાના ફેલો હતા.

બધી ચર્ચાઓ અને નિબંધ-વાચન વગેરે અતિ ઉચ્ચ કક્ષાનાં. ચર્ચા દરમિયાન ચા માટેનો વિરામ સંસ્થાની ખુલ્લી લૉનમાં ખીલેલાં ફૂલો વચ્ચે વૃક્ષોની છાયામાં થતો, ત્યાંથી દૂર દૂર વિસ્તરેલું સિમલા દેખાયા કરે. આ જૂનમાં અહીંનું ઉષ્ણતામાન છે ર૬° સેલ્સિયસ. ઠંડક ઠંડક.

સાંજે ચર્ચાઓની સમાપ્તિ પછી કેટલાક મિત્રો દિલ્હીના અધ્યાપક ચંદ્રમોહનના ઓરડામાં મળ્યા. તેમાં પતિયાળા યુનિવર્સિટીના અંગ્રેજીના પ્રોફેસર ગુરુ ભગતસિંહ, દિલ્હી સાહિત્ય અકાદેમીના ઇન્દ્રનાથ ચૌધરી, કલકત્તાના અમીય દેવ, ચંડીગઢના દેવિન્દરમોહન, ગોવાના ભાલચંદ્ર નેમાડે વગેરે હતા. તુલનાત્મક સાહિત્યમાંથી વાત જઈ પહોંચી પંજાબના વકરેલા આતંકવાદ તરફ. ચંદ્રમોહને ગુરુ ભગતસિંહને કહ્યું કે પંજાબના બુદ્ધિજીવીઓ પણ નિષ્ફળ ગયા છે. એ લોકો દેશ પ્રત્યેના પોતાના કર્તવ્ય વિષે ઉદાસીન છે. પંજાબના પબ્લિક ઓપિનિયનને દિશા આપી શકતા નથી. એ સાથે બંગાળની નક્સલાઇટ મૂવમૅન્ટની વાત પણ નીકળી.

ગુરુ ભગતસિંહે કહ્યું કે મેં તો આ બાબતે ઘણા લેખ લખ્યા છે, પણ ભારત સરકાર પંજાબની લાગણીઓને અવગણે છે. પંજાબ ઍવૉર્ડનું પાલન કરતી નથી. પંજાબમાં વધારે ઉદ્યોગો સ્થપાય માટે પરવાના આપતી નથી. પંજાબને તે ખેતીપ્રધાન રાજ્ય રહેવા દેવા માગે છે. આ બધી વાત કહ્યા પછી ઉમેર્યું કે એક કન્ટ્રી(દેશ)માં અનેક નેશન (રાષ્ટ્ર) હોઈ શકે – એમાં વાંધા જેવું શું છે? એમના કથનનો સૂર એવો હતો કે પંજાબને ખાલિસ્તાન મળે તો પ્રશ્નનું સમાધાન થાય.

દેવિન્દરમોહન ચંડીગઢના અધ્યાપક છે. એ કહે કે પ્રશ્ન પતવાનો નથી. ચંડીગઢમાં હું તો સાંજે પાંચ વાગ્યા પછી બહાર નીકળતો નથી. ગમે ત્યારે ગમે તે બને. ગુરુ ભગતસિંહ કહે કે એવું નથી. તમે પતિયાળામાં પણ આવી શકો. છાપામાં વાતો થોડી ચગાવીને આવે છે. ચંદ્રમોહને કહ્યું કે જલંધરમાં મારું ગામ છે, પણ હવે ત્યાં જવાનું મન થાય એવું રહ્યું નથી.

મારી ઇચ્છા તો સિમલા સેમિનાર પછી થોડા દિવસ હિમાચલ પ્રદેશના મંડી કુલ્લૂ મનાલી વિસ્તારમાં ફરી બે દિવસ ચંડીગઢ એક સ્નેહીને ત્યાં રોકાવાની છે. મેં એ વિષે વાત કરી તો દેવિન્દર મોહન કહે – તમે ચંડીગઢ જવા માગતા હો તો દિવસના પાંચ પહેલાં પહોંચી જજો. પછી જોખમ છે. ગુરુ ભગતસિંહ કહે, ગમે ત્યારે જાઓ, કંઈ વાંધો નથી. મારા મનમાં હવે દ્વિધા થઈ છે. કહો કે આતંકની અસર થઈ છે. માનો કે કશું ન થાય, પણ એક જાતનો ભય તો જાગ્યો જ છે. ચંડીગઢ ન જાઉં તો? જોઉં છું.

ઇન્સ્ટિટ્યૂટની પશ્ચિમે હતી ચંદ્રમોહનની રૂમ. બહારની શોભા નિમંત્રણ આપતી હતી. અમે બહાર નીકળ્યા. ખીણોમાં હજી તડકો પથરાયેલો છે. સો એકરના વિસ્તારમાં ઇન્સ્ટિટ્યૂટ પથરાયેલી છે. પાછળના ભાગમાં ટેકરીની ઢાળ પ્રમાણેની આયોજનાથી બાગ કરેલા છે. અંગ્રેજી સ્થપતિની એ દષ્ટિ છે. અહીંથી તરત વિસ્તરેલી લીલીછમ ખીણ અને દૂર પૂર્વમાં આથમતી સાંજના તડકામાં સિમલા તગતગે. પશ્ચિમ તરફ પણ પર્વતમાળા. ધીરે ધીરે સૂર્ય એક પહાડ પાછળ નમી ગયો છતાં કેટલાંક પર્વતશિખરો તડકામાં હતાં.

રાત્રે જમ્યા પછી સ્વેટર ચડાવી બહાર નીકળ્યો. દૂર ઘોડાની નાળ, સારું ઉપનામ વાપરવું હોય તો અર્ધચંદ્રાકારે વસેલા સિમલા નગરના દીવા એને ગાંધર્વનગરી કહેવા પ્રેરતા લાગે. હિમાચલને કિન્નરોનો દેશ તો કહે છે, પણ એ ‘કિન્નરો’ તો ઊંચે ઊંડાણમાં વસે છે.

ઉપર સ્વચ્છ આકાશમાં નક્ષત્રો ચમકતાં હતાં. અંધારિયાના છેલ્લા દિવસો છે. ચાંદની રાતો હોત તો આસપાસના આ પહાડો પણ આ વખતે જુદા જ લાગતા હોત, પણ એ તો કલ્પના જ કરવાની રહે છે. અજબ શીતલ સ્તબ્ધતા. પર્વતો અંધકાર ઓઢી અદૃશ્ય થયા છે. કેમ એકાએક અમદાવાદ – ઘર યાદ આવ્યું?

કારપેટ પાથરેલા લાકડાનો વિશાળ જીનો ચઢી મારા રૂમમાં આવું છું. કેટલું લાકડું વપરાયું છે આ ઇમારતમાં! લાકડાની જાણે એક મહેક તો છે, પણ એક જાતની હૂંફ પણ એમાં છે. મારા ઓરડામાં આવીને દીવો કરું છું. નજર દીવાલે ટીંગાડેલા પહાડી શૈલીના રાધાકૃષ્ણના ચિત્ર પર પડે છે. જમુના છે, કાંઠે વૃક્ષ છે, વૃક્ષ નીચે પ્રતીક્ષારત કૃષ્ણ બેઠા છે, માથે મુકુટ છે, પીળું ઉત્તરીય છે. બાજુમાં પાંદડાંની પથારી છે. સામે પીળાં વસ્ત્રોમાં આવીને અભિસારિકા રાધા ઊભી રહી ગઈ છે. આ બે સિવાય જાણે કોઈ નથી, કે પછી મારા મનનો પ્રક્ષેપ છે?

૨૩ જૂન, ૧૯૮૭

કાચની બંધ બારી ખોલી નાખું છું. પવન નથી પણ ઓરડાની આંચને સિમલાના પહાડોમાં આખી રાત જામતી રહેલી શીતલતા આ સવારે એકદમ સ્પર્શી રહી. પૂર્વમાં સૂરજ પહાડો પર આવી ગયો છે, ઉત્તર તરફની પર્વતશ્રેણીઓ આછા આછા ધુમ્મસમાં નીંદરતી લાગે. ખીણોમાં વૃક્ષો ચૂપ ઊભાં છે, ક્યાંક પેલું અજાણ્યું પંખી રહી રહીને બોલે છે, ટેરેસ પર વાનર આવીને ગોઠવાઈ ગયા છે.

આ બાજુની બારીમાંથી આ ઇમારતની નહિ વપરાતી મોટી બાલ્કની અને ત્રીજે માળે જતી ઘુમાવદાર સીડી પર તડકો પડી રહ્યો છે. ‘પરિંદે’ નામના વાર્તાસંગ્રહમાંથી નિર્મલ વર્માની સિમલાની પશ્ચાદ્ભૂમાં લખાયેલી કાલે રાત્રે સૂતાં પહેલાં શરૂ કરેલી એક ઉદાસ વાર્તા સવારે પથારીમાં સૂતાં સૂતાં જ પૂરી કરી છે.

પછી મેઘદૂતમાં અલકાનગરીના વર્ણનના શ્લોક વાંચું છું. અલકા પણ સિમલાની જેમ પર્વતોના ઉછંગમાં વસેલી નગરી હશે ને? મેઘદૂત વિરહનું કાવ્ય છે, વર્ષાનું કાવ્ય છે. વિરહી ચેતનામાં એ સુપેરે ઝિલાય છે. ઘરમાં બેસીને વાંચવાનું એ કાવ્ય નથી. કવિ કાલિદાસને એક વાર બહુ લાંબા સમય સુધી ઘરની બહાર રહેવાનું આવ્યું. વિરહના એ અનુભવમાંથી ‘મેઘદૂત’ જન્મ્યું છે એટલે તો રવીન્દ્રનાથે કહ્યું છે કે વિશ્વના તમામ વિરહીઓનો શોક મેઘદૂતના મંદાક્રાન્તાના સ્તરેસ્તરમાં ભર્યો છે.

ચા આવી જતાં વિશ્વના એ સૌ વિરહીઓ સાથેની એકતાનતા છિન્ન થઈ જાય છે. દિલ્હી યુનિવર્સિટીના ટાગોર પ્રોફેસર શિશિરકુમાર દાસ આવે છે અને તેમની કવિતાની ચોપડી (હય તો દરજા આછે અન્ય દિકે : કદાચ દરવાજો બીજી દિશામાં છે) આપી જાય છે.

આજે બપોરની બેઠકમાં મારું નિબંધવાચન હતું. દિલ્હી યુનિવર્સિટીનાં ડૉ. નિર્મલા જૈન ચૅર પરસન હતાં. મેં ગુજરાતી અને બંગાળી કવિતામાં આધુનિકતાના ઉદ્દગમ વિષે તુલનાત્મક અભ્યાસ કરીને નિબંધ લખ્યો હતો. સેમિનારમાં બંગાળીઓ ઘણા છે એટલે મનમાં થોડો ક્ષોભ જરૂર થતો હતો. બંગાળીમાં રવીન્દ્રનાથ અને ગુજરાતમાં ગાંધીજી — આ બંનેના પ્રભાવે કરીને આધુનિકતાના પ્રવાહોની વિશ્વવ્યાપી અસરો કેમ વહેલીમોડી આવી, તે પણ મારા નિબંધનું એક પ્રતિપાદ્ય હતું. પ્રશ્નોત્તરી થઈ. પછી ખુલ્લી લોનમાં ચા દરમિયાન ઇન્સ્ટિટ્યૂટના એક ફેલો ડૉ. ડી. પી. ચટ્ટોપાધ્યાય અને જસ્ટિસ મસૂદ સાથે ચર્ચા થઈ. બાંગ્લાભાષી જસ્ટિસ મસૂદે કહ્યું કે બંગાળી કવિતા વિષે તમને કદાચ મારા કરતાં વધારે ખબર છે. આવાં ઔપચારિક વચનોથી પણ આપણો અહં સંતોષાતો હોય છે. હું કેટલું જાણું છું તેની મને ખબર છે. પ્રસિદ્ધ બંગાળી કવિ શંખ ઘોષે એક વિગતની ચકાસણી કરી જોવા મને કહ્યું.

આજે કોઈ દિલ્હીથી આવ્યું હતું. ત્યાંની ગરમીની વાત થતી હતી. ૪૨ ડિગ્રી સેલ્સિયસ, અહીં છે ૨૬ ડિગ્રી માત્ર. મધુર ઠંડક છે. અમદાવાદ-દિલ્હીની સાથે ગરમીની બાબતમાં સ્પર્ધા કરતું હશે કે પછી વરસાદ થઈ ગયો હશે? અહીં તો આકાશ સ્વચ્છ છે.

સિમલામાં હજી બહુ સ્થળોએ જવાયું નથી, પણ આજે બપોર પછીની બેઠક ચાર વાગ્યે સમાપ્ત થતાં અમે ત્રણચાર મિત્રોએ હિમાચલ પ્રદેશના સંગ્રહાલયમાં જવાનું વિચાર્યું. ઇન્સ્ટિટ્યૂટથી ચાલીને જવાય એટલું અંતર છે, એમ કોઈએ કહ્યું હતું, પણ એ નહોતું કહ્યું કે કેટલું ઊંચે ચઢવું પડશે. પહાડોમાં રહેનારા માટે ઊંચાઈનો પ્રશ્ન નથી. પણ આપણે મેદાનમાં રહેનાર માટે તો શ્વાસરોધી ચઢાણ.

સંગ્રહાલય પાંચ વાગ્યે તો પાછું બંધ થઈ જાય. મરાઠી નવલકથાકાર અને ગોવા યુનિવર્સિટીના અંગ્રેજીના અધ્યાપક ડૉ. ભાલચંદ્ર નેમાડે તેમની લાંબી મૂછો જેવી લાંબી ફલંગો ભરતા ચાલતા જાય. સાથે પતિયાળાના ગુરુભગતસિંહ અને મદુરાઈના રંગાસ્વામી હતા. રંગાસ્વામી દ્રવિડિયન અંગ્રેજી ટોનમાં બોલ બોલ કર્યા જ કરે. અમે પહોંચી તો ગયા.

સંગ્રહાલયની જગ્યા મોખાની છે. અહીંથી પણ સિમલાનું સુંદર દૃશ્ય મળે. સંગ્રહાલયમાં હિમાચલ પ્રદેશમાં વિકસેલી શિલ્પકલા અને ચિત્રકલાના નમૂના છે. ચિત્રકલાની પ્રસિદ્ધ કાંગડાશૈલીનું કાંગડા હિમાચલ પ્રદેશમાં જ છે. કેટલાંક ચિત્રો સ્મરણમાં રહી ગયાં. તેમાં કૂવા પર પાણી ભરતી સ્ત્રીઓનું એક ચિત્ર અને બીજું એક શિવનું ચિત્ર. શિલ્પો ઘણાંખરાં ખંડિત છે. એમ જ હોય ને! ક્યાંય કોઈ ભગ્ન મંદિર વીખરાયેલું હોય ત્યાંથી લાવવામાં આવ્યાં હોય. અસહિષ્ણુ ધર્મઝનૂનને કારણે ભગ્નમૂર્તિઓની આ દેશમાં ખોટ નથી.

સંગ્રહાલયની ટેકરી પરથી હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીની સમરહિલ પર આવેલી નવી ઇમારતો દેખાય છે, અને સિમલાનાં કેટલાં બધાં ઘર! પાછાં વળતાં રસ્તાને ઢાળે એક ઘરના આંગણામાં, ના, છત પર બેત્રણ સ્ત્રીઓ બેઠી હતી, એક ઝૂલો હતો. એ બહેનો અમારી સામે જોતી હતી. અમે એમની સામે. મને થયું, એ ઘેર જઈ પાણી પીવાનું માગવું જોઈએ. એમની સાથે વાતચીત કરવી જોઈએ. આ તો અમે બહારથી આવેલા લોકો બહાર જ ફરતા હતા, પણ આ વિચાર સ્થિર થાય તે પહેલાં તો ઘણો ઢાળ ઊતરી ગયા હતા. આવું ઘણી વાર થતું હોય છે.

રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં અલાહાબાદના ડૉ. રઘુવંશ એક ફેલો છે. અમદાવાદથી નીકળતાં શ્રી ઉમાશંકર જોશીએ એમને મળવાનું કહેલું. એ હિન્દીના પ્રસિદ્ધ અધ્યાપકે ઈસુનું જીવનચરિત્ર લખ્યું છે. કટોકટીના કાળમાં એમને જેલમાં નાખવામાં આવ્યા હતા. એમના બંને હાથ કામ કરી શકે એમ નથી, છતાં ડૉ. નિર્મલા જૈન સાથે આથમતી સાંજે તેમને ઘેર ગયા. પાછા ફરતાં હું લાંબે માર્ગે પગે ચાલતો નીકળ્યો. પહાડી નગરીઓમાં ચાલવાનો આનંદ હોય છે. મને દાર્જિલિંગ અને શિલોંગના માર્ગો યાદ આવતા હતા. આપણું આબુ પણ કમ સુંદર ન કહેવાય. પણ હિમાલયના સાન્નિધ્યનું શું? સિમલાના પહાડો પર લાંબા આયુષ્યવાળાં ઘણાં વૃક્ષો છે. સીધાં ઊંચાં દેવદારને ફૂલો આવ્યાં છે – જેમાં ફૂલની કોમળતા કરતાં કાષ્ઠની કઠોરતા વધારે લાગે. રોડોડ્રેન્ડ્રનનાં લાલ લાલ ફૂલોની મોસમ તો વીતી ગઈ છે, સપ્તપર્ણનાં વૃક્ષો પણ ઘણાં છે. શ્રીનગરનાં વિશાળ ચિનાર અહીં પણ છે. વરસાદ ઝીલીને એમના થડ પર લીલ બાઝી ગઈ છે. એ પ્રાચીન વૃક્ષોથી ભરેલી ખીણ જોવાનો આનંદ જુદો છે. એવું લાગે છે કે વૃક્ષો ખીણ ઊતરતાં ઊતરતાં નીચે સુધી ગયાં છે. સિમલા આવવાને અઠવાડિયાની વાર હતી અને એક સાંજે યુનિવર્સિટી વિસ્તારના માર્ગો પર ચાલતાં ચાલતાં સિમલાના હરિયાળા પહાડોની કલ્પના કરતો હતો. અહીં ચાલતાં ચાલતાં અમદાવાદનો એ યુનિવર્સિટી-વિસ્તારનો માર્ગ યાદ આવ્યો. ખીણ ચઢતાં ચઢતાં ચારે બાજુ વૃક્ષોછાયા પહાડો વચ્ચે હોવાનો અનુભવ તીવ્ર બની ગયો. રસ્તાની ધારે એક પથ્થર પર બેસી ગયો. સૂરજ તો ઢળી ગયો હતો. તમરાંના અવાજે સ્તબ્ધતાને ઘેરી કરી દીધી હતી. ઠંડી ઊતરવા લાગી હતી.

પહાડી રાતના સાડા અગિયાર થયા છે. હમણાં કવિતાની અનૌપચારિક મહેફિલમાંથી આવ્યો છું. દેશવિદેશના લોકો ભેગા થયા હતા. કોઈને વિચાર આવ્યો કે દરેક જણ પોતપોતાની ભાષાની એક એક કવિતા રજૂ કરે. સાંજના ખાણા પછી ઇન્સ્ટિટ્યૂટના એક ખંડમાં સૌ ભેગાં થયાં અને પહેલી વાર બર્મી કવિતા સાંભળી, તિબેટી પણ, એ સ્વરાંત ભાષાઓની મધુરતા અનુભવી શકાય. લૅટિન કવિતા પણ, અને સોળમી સદીની ફ્રેંચ ભાષામાં પણ કવિતા સાંભળી. એક બહેને બહુ સુરીલા કંઠે સંસ્કૃતમાં શિવસ્તોત્ર રજૂ કર્યાં. વચ્ચે વચ્ચે હાસ્યના ફુવારા ઊડતા, કૉફી-ચાના ઘૂંટડા સાથે. માર્ગારેટ ચૅટરજી કવિતા કરે છે, એ ત્યારે જાણ્યું. તેમનો પાંચમો કાવ્યસંગ્રહ ‘ધ રેઇનલેસ વર્લ્ડ’ પ્રકટ થવામાં છે. સ્વપન મજમુદારે બંગાળી ગીતકાર રજનીકાન્તનું ગીત ગાયું. મેં હસમુખ પાઠકની કવિતા રજૂ કરી અને એક અસમિયા કવિતા પણ. એ ભાષાના કોઈ પ્રતિનિધિ નહોતા.

ઓરડામાં આવીને એક વાર તો બારી ખોલી નાખું છું. એકદમ ઠંડો પવન વહી આવે છે. નીચે ખીણમાં વૃક્ષો વચ્ચેથી પસાર થતાં એનો એકાંત સરસરાટ સાંભળી શકાય છે. આ ઠંડો પવન કંઈક અગમ્ય ભાવ જગાવે છે. અંધારિયાના દિવસો છે. ચાંદની હોત તો? પેલી વણ- વપરાતી વિશાળ બાલ્કની જોતાં ગોરાં ભૂતની વાત યાદ આવી ગઈ.

સ્વચ્છ આકાશ છે, જેમાં નક્ષત્રો સ્પષ્ટ ઝગમગે છે. પણ આસપાસના અને દૂરના પહાડો તો અંધકારમાં ભળી ગયા છે. બારી બંધ કરું છું. ટેબલ લૅમ્પની સ્વિચ ઑન કરું છું. પાસે પડેલા મેઘદૂત પર એકદમ એનું ગોળ અજવાળું પડ્યું.

૨૬ જૂન, ૧૯૮૭

ગયા બે દિવસની નોંધ ન લખાઈ. આજે સેમિનારનો છેલ્લો દિવસ. જાણે બહુ ઝડપથી આ દિવસો પસાર થઈ ગયા. બપોરની બેઠક સાથે સેમિનારની સમાપ્તિ થઈ. કેટલાક મિત્રો બપોર પછી રવાના થઈ ગયા. કેટલાક સિમલાથી દિલ્હીની સીધી બસમાં સાંજે નીકળવાના હતા. મેં આવતી કાલે સવારે મનાલી જતી હિમાચલ પ્રદેશ પ્રવાસન વિભાગની બસમાં રિઝર્વેશન કરાવી રાખ્યું છે.

આજની સાંજ ખાલી હતી. ઇન્સ્ટિટ્યૂટનાં ડિરેક્ટર માર્ગારેટ ચૅટરજીએ ત્રણેક જેટલી મોટરગાડીઓમાં આજે રોકાનાર સભ્યો માટે સિમલાનાં પ્રસિદ્ધ સ્થળો કુફરી અને વાઇલ્ડ ફ્લાવર હૉલ જવાનું ગોઠવ્યું હતું. તેઓ પોતે પણ સાથે જોડાયાં… મેક્સિકોના રાજદૂત ગાર્સિએલા પણ હતાં.

કુફરી સિમલાથી બાર-તેર કિલોમીટર દૂર છે. ઇન્સ્ટિટ્યૂટથી બીજા પાંચછ કિલોમીટર ઉમેરી દેવાના. પ્રસિદ્ધ હિંદુસ્તાન તિબેટ રોડ પર આ સ્થળ આવેલું છે. શિયાળામાં આ વિસ્તાર આખો બરફથી છવાઈ જાય છે. સ્કીઇંગ-બરફ પર સરકતા ચાલવા માટેના કુફરીના ઢોળાવો જાણીતા છે. ઘણી ફિલ્મોમાં સ્કીઇંગનાં દૃશ્યોમાં કુફરી પસંદ કરાય છે, એમ સાંભળવામાં આવ્યું.

પણ આ તો જૂનનો અંત છે, બરફની વાત જ કેવી! અને હોત તોયે આપણે ઓછા સ્કીઇંગ કરવાના હતા! સિમલાની પૂર્વ દિશા ભણી કુફરી આવેલું છે. આ છ દિવસમાં એ બાજુ જવાનું થયું નહોતું. હિમાચલ પ્રદેશનું સચિવાલય પણ એ તરફ છે.

સિમલાનો મુખ્ય વિસ્તાર છોડ્યા પછી દેવદારુનું વન જ જાણે શરૂ થયું. નગરની સંનિધિમાં આટલાં ઊંચાં પુરાણાં વૃક્ષો હોય એ તો બહુ કહેવાય. રસ્તે જતાં છોટા સિમલા નામથી સિમલાનું ઉપનગર પણ આવ્યું. પછી રસ્તો ઊંચો થતો ગયો. હિંદુસ્તાન-તિબેટ રોડ.

કુફરી પહોંચી ગયાં, તો જાણે પ્રવાસીઓનો મેળો જામેલો હતો. નાનકડું બજાર હતું. કોલાહલ હતો. અહીંથી હિમાલયનાં શૃંગોની બરફથી છવાયેલી હારમાળા દેખાય છે, પણ એ દિશામાં થોડાં વાદળ હતાં. નિરાશ થવાયું. માત્ર નજીકના પહાડોની એક રેન્જ દેખાતી હતી. કુફરીના આ ઊંચે સ્થળે નાનકડું પ્રાણી-સંગ્રહસ્થાન તૈયાર કરેલું છે. આ વિસ્તારનાં પ્રાણીઓ છે, જેમાં યાક અને ભૂરાં રીંછ ધ્યાન ખેંચે.

કુફરીના એ ઢોળાવો જોયા, જે શિયાળામાં બરફથી ઢંકાઈ જાય છે. અત્યારે એની માત્ર કલ્પના જ કરવાની રહી. મોટરગાડીમાંથી ઊતરી થોડી વાર પ્રસિદ્ધ માર્ગ પર ઊભા રહ્યા. અહીંથી તિબેટ સરહદ સો કિલોમીટર દૂર છે. એક જમાનામાં આ માર્ગે વણજારો આવતી-જતી રહેતી.

કુફરી મન પર પ્રભાવ પાડી શક્યું નહિ. પાછાં વળતાં વાઇલ્ડ ફ્લાવર હૉલની એક રેસ્ટોરાંમાં ચા માટે રોકાયાં. આ સ્થળ ઘણું સુંદર, ગમી જ જાય. અમે બહાર ખુલ્લામાં જ ગોઠવેલાં ખુરશી-ટેબલ પર બેઠાં. વૃક્ષોની ગાઢ છાયા પણ હતી. અહીંથી આસપાસ બધું રળિયામણું લાગતું હતું. પર્વતોના લીલા ઢોળાવો પર તડકો પથરાયો હતો.

વાઇલ્ડ ફ્લાવર હૉલ એકદમ અંગ્રેજોના સમયમાં લઈ જાય. આ સ્થળ લૉર્ડ કીચનરનું નિવાસસ્થાન હતું. જે હવે તો હોટલમાં ફેરવાઈ ગયું છે. અમે સૌ વાતે વળગ્યાં. મેક્સિકોના રાજદૂત ગાર્સિએલા ઘણાં આલાપપ્રિય. માર્ગારેટ પણ અહીં તો કશીય ઔપચારિકતા વિના વિનોદ કરતાં હતાં. મને પૂછે – આ ઝાડને ઓળખો છો? મેં કહ્યું, ના. કહે, એ ચેસનેટ છે. મેં એમની કવિતાઓની વાત કાઢી. પાંચ સંગ્રહો પ્રકટ થયા છે. તો યે કહે – કવિતા છાપવા જલદી પ્રકાશક મળતા નથી. તેમણે ગાંધીજીના ધાર્મિક વિચારો વિષે અંગ્રેજીમાં એક પુસ્તક લખ્યું છે – ‘ગાંધીઝ રિલિજિયસ થૉટ.’

આ સ્થળનો મહિમા હિમાલય-દર્શન માટે છે. આ પૉઇન્ટથી પીર પંજાલ, હનુમાન પૂંછ, દેવ ટીંબા, રક્તધાર અને બદ્રીનાથના ગિરિશૃંગો દેખાય છે. અહીં ચા પીતાં પીતાં તે જોઈ શકાય, પણ અમારું એ સદ્ભાગ્ય નહોતું. હિમાલય ભણીની દિશા ઝાંખી થઈ ગઈ હતી તેમ છતાં એ દિશા ભણી તાક્યા કર્યું.

વૃક્ષોના અંતરાલમાંથી સૂર્ય હજી દેખાતો હતો. મારી નજર ખૂણા પરના એક ટેબલ ભણી ગઈ. એક સુંદર એકાકી કન્યા બેઠી હતી. લાલ વસ્ત્રોમાં એનું ગોરું મુખ વધારે શોભતું હતું. એ કોઈની રાહ જોતી હોય એમ લાગ્યું. આ પણ તસવીરયોગ્ય દૃશ્ય.

ચાની સાથે અમે ગરમાગરમ ભજિયાં પણ આરોગ્યાં. અહીં વનરાજિ ઘણી ગીચ છે, એ તો ચાલતાં ચાલતાં બહાર નીકળ્યા ત્યારે જોયું. થકો સિમલાથી સૌથી ઊંચામાં ઊંચી જગ્યા છે. ત્યાં હનુમાનજીનું મંદિર છે, પણ ત્યાં જવાયું નહિ. અમે ફરી પાછા છોટાસિમલા પસાર કરી, દેવદારુનો સઘન પટ્ટો પસાર કરી સિમલાની ભીડભરી સડકો વીંધી ઇન્સ્ટિટ્યૂટમાં આવી ગયાં.

આજે સવારે જસ્ટિસ મસૂદ મારા રૂમમાં આવ્યા હતા. કહે – આજે સાંજે હું તમને રવીન્દ્ર-સંગીત સંભળાવીશ. મને પરમ આનંદ સાથે આશ્ચર્ય થયું. કવિતાગાનની અમારી બેઠક વખતે ગાયું નહોતું. આજે સામે ચાલીને મને ગાન સંભળાવવા પસંદ કર્યો.

હું એમના ઓરડામાં ગયો. બીજા એક બંગાળી મિત્ર અને તેમની દીકરી — આમ શ્રોતામાં અમે ત્રણ. જસ્ટિસ મસૂદ પાંસઠથી ઓછા તો નહિ હોય. ખાનદાન પરિવારના છે. એમના પિતા પણ અંગ્રેજોના સમયમાં ભારતના ચીફ જસ્ટિસ થયેલા. જે ઓરડામાં એમનો ઉતારો હતો, તે અત્યંત વિશાળ અને ભવ્ય હતો. વાઇસરૉય જ્યારે અહીં રહેતા ત્યારે વાઇસરૉઇનનો એ ઓરડો.

જસ્ટિસ મસૂદે એક જૂની નાનકડી ડાયરી કાઢી. ગીતો ઉતારેલાં હતાં. ગાન ગાય એ પહેલાં થોડાં સંસ્મરણોમાં ઊતરી પડ્યાં. સમૃદ્ધ જીવનાનુભવના માણસ. અનેક રાજદ્વારી ફરજો પણ બજાવેલી. યુનોમાં ભારતના પ્રતિનિધિ તરીકે રહી આવેલા. નેહરુ, ઇન્દિરાજીના અંગત સંપર્કમાં રહેલા. ઉર્દૂ પણ સારું જાણે.

પહેલું ગીત ગાયું – કી ગાબો આમિ કિ શુનાબો – હું શું ગાઉં – શું સંભળાવું? સાજ વિના ચોખ્ખા પ્રૌઢ અવાજમાંય ઓરડો જાણે ભરાઈ ગયો. પછી બીજું ગીત શરૂ કર્યા પહેલાં ભૂમિકા બાંધી કહે – જીવનભર કેટલું બધું કર્યું? છતાં ક્યારેક આપણને એવું થઈ આવે છે કે જાણે કંઈ થયું નહિ અને જીવન વીતી ગયું – બધું એ જ, બધું એ જ, એ જ, એ જ હાહાકાર, એ જ અશ્રુધારા, એ જ હૃદયવેદના. જે ઇચ્છ્યું, તે કંઈ મળ્યું નહિ.

પછી ગાન શરૂ કર્યું — કિછુઈ તો હલોના…

મને થયું જસ્ટિસ મસૂદ પોતાની વેદનાનું તો ગાન નથી કરતા ને! કિછુઈ તો હલોના – જાણે પોતાના અંતરાત્માની અભિવ્યક્તિ. રવિ ઠાકુરે આ ગાનમાં કહ્યું છે – પ્રેમ તો કર્યો – પ્રેમ પામ્યો પણ ખરો, હજી પણ પ્રેમ કરું છું – તો પણ જાણે કંઈ નથી.

ભાલો તો ગો બાસિલામ
ભાલોબાસા પાઈલામ
એખનો તો ભાલોબાસિ
— તબુઓ કી નાઈ.

આ સાંજે વાઇસરૉઇનનો ઓરડો પશ્ચિમની બારીના કાચમાંથી આવતાં અસ્તમિત કિરણોથી લાલ ઝાંયવાળો બની ગયો હતો. તેમાં કિછુઈ તો હલોના-ની ધ્રુવપંક્તિ ઊંડો પ્રભાવ મૂકી ગઈ. જસ્ટિસ મસૂદ આંખ બંધ રાખી, મોં ઊંચું કરી ગાન કરતા હતા, તે છબિ મનમાં રહી ગઈ.

પછી તો તેમણે એક પછી એક ગાન શરૂ કર્યાં. વચ્ચે ઉર્દૂમાં એક-બે શેર સંભળાવ્યા, નજરુલ ઇસ્લામની રચનાઓની પણ વાત કાઢી. છેલ્લું ગાન ગાયું:

તુમિ કિછુ દિયે જાઓ
મોર પ્રાણે ગોપને ગો
ફૂલેર ગંધે બાંશિર ગાને
મર્મમુખરિત પવને.
તુમિ કિછુ નિયે જાઓ
વેદના હતે વેદને—
જે મોર અશ્રુ હાસિતે લીન
જે વાણી નીરવ નયને.

આજે સિમલામાં છેલ્લી રાત છે. સામાન પૅક કરી રાખ્યો છે. કાલે સવારે હિમાચલનાં સુંદર સ્થળોમાંના એક સ્થળે જવાના વિચારથી જ મન રોમાંચિત છે.