દોસ્તોએવ્સ્કી/નિવેદન


નિવેદન

પચીસ છવ્વીસ વર્ષની વયે સુરેશ જોષી કરાંચીમાં ડોલરરાય માંકડ, ભવાનીશંકર વ્યાસ સાથે અધ્યાપક તરીકે સેવાઓ આપતા હતા. ત્યાંની કોલેજનું પુસ્તકાલય ખાસ્સું સમૃદ્ધ હતું. સ્ટીફન ત્સ્વાઇગ દ્વારા સુરેશ જોષીને રશિયન નવલકથાકાર દોસ્તોએવ્સ્કીનો પરિચય થયો અને સાવ નવું જગત ઊઘડી આવ્યું. અને પછી તો જાતજાતનાં જગતનો પરિચય થયો. ક્યિર્કેગાર્દે ચિંતનમાં તો દોસ્તોએવ્સ્કીએ નવલકથાલેખનનાં અસામાન્ય પરિમાણો ઉઘાડી આપ્યાં. યુરોપીય તત્ત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન દોસ્તોએવ્સ્કીનાં ખૂબ જ ઋણી છે. તેમની નવલકથાઓમાં ઘટનાબાહુલ્ય હોવા છતાં એરિસ્ટોટલ જેને ઘટનાપ્રધાન (એપિસોડિક) કહે તેવી તે નથી. માનવચિત્તનાં આટલાં ઊંડાણ ઓગણીસમી સદીમાં ભાગ્યે જ કોઈએ તાગ્યાં હશે. ગુજરાતી સાહિત્યમાં દોસ્તોએવ્સ્કી ત્રીસીના ગાળાથી જાણીતા થયા હતા. જયંતિ દલાલે તેમની ‘ધ બ્રધર્સ કારામઝોવ’ નવલકથાનો અનુવાદ કર્યો હતો એમ કહેવાય છે. આજે પણ આ નવલકથાઓની સર્જકતા અનન્યસાધારણ છે. અહીં ‘ધ ઇડિયટ’ પરનો મારો લેખ પણ સમાવિષ્ટ કર્યો છે. શિરીષ પંચાલ

14-01-2012